રૂ. 24 હજાર કરોડ ગરીબ મેળામાં 1.34 કરોડ લોકોને અપાયા પણ ગરીબી દૂર ન થઈ

૩ જાન્યુઆરી-ર૦૧૯ના પોરબંદરથી રાજ્યવ્યાપી 11મો ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થશે.

ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે.
આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ, ૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ લાખ મહિલા લાભાર્થીઓને પણ આવરી લેવાયા છે.
આ વર્ષે ગરીબ કલ્યાણ મેળાની ૧૧મી કડી તા.૩-૪-પ જાન્યુઆરી-ર૦૧૯ એમ ત્રણ દિવસો દરમ્યાન રાજ્યમાં યોજાશે. આ ૧૧મી કડીમાં અંદાજે ૧૧ લાખ ૮૩ હજાર લાભાર્થીઓ-દરિદ્રનારાયણને રૂ. ૨૩૦૭ કરોડના સાધન-સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૯ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ પ્રાંત, તાલુકા, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં પણ આ મેળાઓ યોજવામાં આવશે.
રાજ્યના ગરીબી રેખા હેઠળના લોકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટે અને તેમનો સર્વાંગી વિકાસ કરી સ્વનિર્ભર બનાવવાના આશયથી આ વર્ષે રૂ. ર૦ હજાર સુધીની મર્યાદામાં આખા આંટાનું સિલાઇ મશીન, કડીયાકામની કીટ, પ્લમ્બર અને વેલ્ડરો માટે નવી ટેકનોલોજી પ્રમાણેના સાધનો તથા ખાસ કરીને મહિલાઓ રાજ્યની આર્થિક પ્રગતિમાં સ્વમાનભેર ભાગીદાર થાય તે માટે સખીમંડળોને રૂ. ૪૭૦૦૦ની મર્યાદામાં પેપર કપ, પેપર ડીશ, મસાલા યુનિટ, બ્યુટી પાર્લર, મસાજ વગેરે કીટની સહાય આપવામાં આવશે.
ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને આ વર્ષે ઉજવલા યોજના હેઠળના લાભાર્થીઓને ગેસ કનેકશન તથા રસોઇ માટે સ્ટેનલેસ સ્ટીલનું પ લીટરનું પ્રેસર કુકર રાજ્ય સરકાર આપશે.