રૂ.4000 કરોડના ક્રેડિટ કૌભાંડ પર સુરતમાં બીજું કૌભાંડ ? કેમ તપાસ ન થઈ ?

સુરતઃ મહાઠગ નિરવ મોદીના બેંક લોન કૌભાંડ બાદ બેંકો દ્વારા ડાયમન્ડ કંપનીને આપવામાં આવતી ક્રેડિટ ઘટાડી દેવામાં આવી છે. જેથી સુરત અને મુંબઈમાં કારોબાર કરતી એક પેઢી દ્વારા બેંક તરફથી મળેલી રૂ. 4 હજાર કરોડની ક્રેડિટનો લાભ મેવા માટે ઓવર વેલ્યુએશન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તે અંગે 5 મહિના થયાં છતાં કોઈ પગલાં લેવાયા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત અને મુંબઈમાં કારોબાર કરતી ડાયમંડની પેઢી દ્વારા બેંક તરફથી મળેલી 4000 કરોડની ક્રેડિટનો ઉપયોગ કરી 12 જેટલી ડાયમંડની કંપનીઓને 15 ટકા પ્રીમિયમ ઉપર ડાયમંડનું વેચાણ કરવા માટે ઓવરવેલ્યુએશનનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. મુંબઈ કસ્ટમ વિભાગ દ્વારા સુરત અને મુંબઈમાં વેપાર કરતી ડાયમંડ પેઢીના 14 મિલિયન ડોલરના 35 પાર્સલ અને 2 કન્સાઇન્મેન્ટ સીઝ કરવામાં આવ્યા બાદ ડીઆરઆઈ વિભાગ તરફથી તપાસ શરૂ કરવામાં આવી હતી.

ડીઆરઆઈની તપાસમાં ડાયમંડ કંપનીના સંચાલકો દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, સુરત અને મુંબઈની કંપનીઓના ઓર્ડર પુરા કરવા માટે ડાયમંડ ઈમ્પોર્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈની જે ડાયમંડ કંપનીઓને નોટીસ આપવામાં આવી હતી, તેઓએ આ ડાયમંડની ખરીદી ઉપર 15 ટકા જેટલું પ્રીમિયમ ચુકવ્યું હતું.

નિરવ મોદી બેંક લોન કૌભાંડ બાદ ડાયમંડ કંપનીઓને આપવામાં આવતી ક્રેડિટ બેંકો તરફથી ઘટાડી દેવામાં આવી છે અને તે 50 ટકા જેટલી કરી દેવામાં આવી છે. ઉપરાંત નવી લોન માટેના નિયમો પણ આકરા કરી દેવામાં આવ્યા છે, ત્યારે ડાયમંડની પેઢી દ્વારા તેને મળેલી 4000 કરોડની બેંક ક્રેડિટનો લાભ લેવામાં આવ્યો હતો અને 15 ટકા પ્રીમિયમ લેવા માટે 12 જેટલી કંપનીઓને ડાયમંડ વેચાણ કરવા ઈમ્પોર્ટ કરી ઓવર વેલ્યુએશન બતાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે. ભૂતકાળમાં પણ ડાયમંડની પેઢી દ્વારા ઓવેરવેલ્યુએશન બતાવી લાભ લેવામાં આવ્યો હતો કે કેમ તે અંગે જુના ડેટા મેળવવા માટે પણ તપાસ શરુ કરી દેવામાં આવી હતી.

પછી શું થયું તે કોઈ જાણતું નથી. શું પડદો પાડી દઈને બીજું કૌભાંડ કરવામાં આવ્યું છે.