રૂ. 520 કરોડના ખર્ચે વડાપ્રધાને 52 વખત ગુજરાતની મુલાકાત લીધી

ગાંધીનગર, તા. 07
વડાપ્રધાનની દેશમાં કોઈપણ રાજ્યમાં એક મુલાકાત પાછળ દેશની તિજોરી પર અંદાજે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તાવાર મુલાકાતે 32 વખત અને બિન સત્તાવાર મુલાકાતે 20 વખત આવી ગયા છે. આમ, વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પાછળ કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે રૂ. 520 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન કેટલી વાર ગુજરાત આવ્યા?

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને ઓક્ટોબર 2019 સુધીમાં તેમણે 52 વખત ગુજરાતની મુલાકાત લીધી છે. સામાન્ય રીતે કોઈપણ વડાપ્રધાનની મુલાકાત કોઈ રાજ્યમાં હોય તો સઘન વ્યવસ્થા કરવી પડે છે. વડાપ્રધાનના પ્રવાસ સમયે તેમના એસપીજી, તેમની હોટલાઈન, તેમનું એરક્રાફ્ટ, તેમના જે તે રાજ્યના પ્રવાસ દરમિયાન વાહનોની વ્યવસ્થા, એસપીજી એક સપ્તાહ પહેલાથી જ પહોંચતા હોવાથી તેમનો હોટેલમાં રહેવાનો ખર્ચો, સ્થાનિક રાજ્યની પોલીસ ફોર્સ, સ્થાનિક આઈબી, વડાપ્રધાન હોવાના કારણે તેમના ભોજન અને પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા વગેરે એમ કુલ મળીને અંદાજે રૂ. 10 કરોડ એક પ્રવાસ પાછળ ખર્ચ કરવો પડતો હોય છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી ઓક્ટોબર 2019 સુધીમાં સત્તાવાર રીતે ગુજરાતના પ્રવાસે 32 વખત આવ્યા છે, જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના ભાજપના પ્રચાર માટેના પ્રવાસને તેમના બિન સત્તાવાર પ્રવાસની ગણતરીમાં લેવામાં આવે છે. આ બિન સત્તાવાર પ્રવાસે તેઓ કુલ 20 વખત આવ્યા છે. અને તેનો ખર્ચો ભાજપે ભોગવ્યો હોવાનું કહેવાય છે.

આરટીઆઈમાં થયો મોટો ખુલાસો

જાન્યુઆરી 2019માં એક આરટીઆઈના જવાબમાં ભારતીય વાયુ સેના દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. ભારતીય વાયુ સેનાના કહેવા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મે 2014થી જાન્યુઆરી 2019 સુધીના બિન સત્તાવાર પ્રવાસ માટે ભારતીય જનતા પક્ષ દ્વારા રૂ. 1.4 કરોડ ચૂકવવામાં આવ્યા છે. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાનના આ બિન સત્તાવાર પ્રવાસ માટે ફાળવેલા વિમાન કે હેલિકોપ્ટરનો ચાર્જ પ્રતિ પ્રવાસ નથી વસુલાયો પણ દિલ્હીથી જે તે રાજ્યના વિસ્તાર સુધીના કોમર્શિયલ ભાવ પ્રમાણે વસૂલ કરવામાં આવ્યો છે. પરંતુ, અહીં સવાલ એ થાય છે કે, દિલ્હીથી અમદાવાદ સુધીના કોમર્શિયલ પ્લેનનું ભાડું અંદાજે રૂ. 2500થી 7000 સુધીનું હોય છે ત્યારે વાયુસેનાને ભાજપે ઓછામાં ઓછા રૂ. 744 પ્રતિ પ્રવાસ ચૂકવ્યા હોવાનું કહેવાય છે. વાયુસેનાના કહેવા પ્રમાણે બિન સત્તાવાર પ્રવાસ માટે સંરક્ષણ મંત્રાલયે નક્કી કરેલા દર પ્રમાણે અમે તેનું બિલ તૈયાર કર્યું છે. 1999માં નક્કી કરાયા મુજબ પ્રતિ કિલોમીટર પ્રતિ મુસાફર ભાડું આપવાનું હોય. પરંતુ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસમાં ભાજપ દ્વારા માત્રને માત્ર રૂ. 744થી લઈને 1000 સુધીનો ચાર્જ જ ચૂકવવામાં આવ્યો છે. સામાન્ય રીતે દિલ્હીથી અમદાવાદના પ્રવાસ માટે વાયુસેનાનું વિમાનનું ભાડું રૂ. 50 લાખ જેટલું ચૂકવવાનું થતું હોય છે.

વડાપ્રધાનના બિન સત્તાવાર પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી ઓક્ટોબર 2019 સુધીમાં ગુજરાતની 20 વખત બિન સત્તાવાર મુલાકાત લીધી છે. વડાપ્રધાન મોદી વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત આવ્યા તેને વડાપ્રધાન કાર્યાલયે બિન સત્તાવાર પ્રવાસની યાદીમાં મૂક્યા છે. વડાપ્રધાન કાર્યાલયમાંથી મળતી વિગતો પ્રમાણે વડાપ્રધાન મોદીએ કુલ 20 વખત ગુજરાતનો પ્રવાસ કર્યો અને તે તમામ પ્રવાસ ભારતીય વાયુસેનાના પ્લેનમાં જ પ્રવાસ કર્યો છે. આ પ્રવાસ ભાજપના પ્રચારનો હોવાના કારણે તેનો ખર્ચ ભાજપ દ્વારા ચૂકવવામાં આવ્યો છે. પરંતુ જે રીતે ભાજપે વાયુસેનાને ઓછી કિંમત પ્રવાસ પેટે ચૂકવી છે તેના કારણે ઓછી આવક થઈ છે અને આમ દેશની તિજોરી પર બોજ પડ્યો છે.

વેબસાઈટમાં ડોમેસ્ટિક પ્રવાસના ખર્ચનો ઉલ્લેખ જ નહિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયની વેબસાઈટ www.pmindia.gov.in ઉપર આપેલી માહિતી પ્રમાણે તેમના વિદેશ પ્રવાસનો કુલ કેટલો ખર્ચ કરાયો તેની વિગતો મૂકવામાં આવી છે, પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં જે પ્રવાસ કર્યો છે તેની માત્ર તારીખ અને જે તે રાજ્યનું નામ જ દર્શાવવામાં આવ્યું છે. પણ તેમના આ પ્રવાસના ખર્ચની વિગતો રજૂ નથી કરવામાં આવી.