અમદાવાદ, તા.23
એસ.જી.હાઈ-વે ગોતા વરૂડી ખોડીયાર કાઠીયાવાડી રેસ્ટોરન્ટના માલિકના ઘરમાં ઘૂસી પાડોશીએ સાગરીતો સાથે મળી તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસે નોંધી છે. પાડોશી સુનિલને સાતેક મહિના અગાઉ કોઈ બાબતે રેસ્ટોરન્ટ માલિક રિતેશ ઉર્ફે લાલા પટેલે માર માર્યો હોવાથી તેનો બદલો લેવા હુમલો થયો હોવાની માહિતી સામે આવી છે. સુનિલે આતંક મચાવ્યો ત્યારે રેસ્ટોરન્ટ માલિક ડરના માર્યા બેડરૂમમાં પૂરાઈ ગયા હતા.
બોડકદેવ સિંધુ ભવન રોડ પર જેનોબીયા ફલેટમાં રહેતા રિતેશ ઉર્ફે લાલા સૂર્યકાંતભાઈ પટેલ (ઉ.38) ગોતા ખાતે વરૂડી ખોડીયાર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ ચલાવે છે. ગત સોમવારે રાતે રેસ્ટોરન્ટ ખાતેથી ઘરે આવ્યા બાદ રિતેશ પટેલ સૂઈ ગયા હતા. વહેલી પરોઢના ચારેક વાગે ઘરમાં તોડફોડનો અવાજ આવતા તેમની સાથે રહેતા અને કામ કરતા પિતરાઈ હાર્દિક પ્રવિણભાઈ પટેલ જાગી ગયા હતા. રિતેશ પટેલે ઘરમાં લગાવેલા સીસીટીવી ફુટેજ જોતા પાડોશમાં રહેતો સુનિલ અને અન્ય બે અજાણ્યા શખ્સો બેઝબોલ સ્ટીક વડે એલ્યુમીનીયમ સેકશન અને લાકડાની ફ્રેમનો બનેલા દરવાજાને સ્ટીકના ફટકા મારી કાચ તોડી લોક ખોલી અંદર આવી ગયા હતા. અંદર આવ્યા બાદ કાચની કેબિનમાં તેમજ બારીઓના કાચ તોડી નાંખી સુનિલે મોટા અવાજે ગાળો બોલી રિતેશ પટેલને ધમકી આપતો હતો. જેથી રિતેશ પટેલે ડરના માર્યા બેડરૂમ અંદરથી લોક કરી દઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.
વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા આરોપીઓ સ્થળ છોડી નાસી ગયા હતા. રિતેશ પટેલે સુનિલ સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા વસ્ત્રાપુર પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.