ગુજરાતમાં લઘુમતીઓની વસ્તી ૧૦%થી વધુ છે પરંતુ તેમના વિકાસ માટે બજેટ સ્પીચમાં એક શબ્દ પણ નાણામંત્રી દ્વારા ઉચ્ચારવામાં આવ્યો નથી, એ બતાવે છે કે ભાજપ સરકારને લઘુમતીઓના કલ્યાણમાં કોઈ રસ નથી. વાત વિશ્વાસની થાય છે પરંતુ વિશ્વાસ ક્યાંથી પડે ? તેમ અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું.
રાજ્યનું બજેટનું કદ વર્ષોવર્ષ વધતું જાય છે, લઘુમતી સમાજના વિકાસ માટે રકમ ઉત્તરોત્તર વધવી જોઈએ, પરંતુ વર્ષોવર્ષ ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ભાજપ સરકારે લઘુમતી સમાજના વિકાસ માટે રૂ. ૬૨.૯૪ કરોડની જોગવાઈ કરી છે, જે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૬૩.૮૩ કરોડની હતી. આમાં રૂ. ૧ કરોડનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે કરેલી જોગવાઈ જોતાં વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્યની ૬૫ લાખ લઘુમતી સમાજની વસ્તી જેમાં 1 ટકા જૈન પણ છે તેમના માટે માથાદીઠ માસિક માત્ર રૂ. ૧૦ ખર્ચવામાં આવશે અને રોજના માથાદીઠ માત્ર ૨૫ પૈસા ખર્ચવામાં આવશે. ૨૦૧૮-૧૯માં જોગવાઈ કરેલ રકમ પૈકી રૂ. ૪ કરોડની રકમ ખર્ચી શકાઈ નહોતી.
વર્ષ ૨૦૧૬-૧૭માં સમાજ કલ્યાણ વિભાગમાંથી લઘુમતી સમાજના વિકાસ માટે માત્ર ૨.૯૩% રકમ ફાળવી હતી, જે ઘટાડીને વર્ષ ૨૦૧૯-૨૦માં ૨.૩૭% કરી દીધી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં પછાત વર્ગના કલ્યાણ માટે કુલ જોગવાઈમાંથી ૫.૪૨% રકમ લઘુમતી કલ્યાણ માટે ફાળવી હતી તે ઘટાડીને ૨૦૧૯-૨૦માં ૫.૧૨% કરાઈ છે.
લઘુમતી સમાજ માટે કુટિર ઉદ્યોગમાં સ્વરોજગાર અને પરંપરાગત વ્યવસાય માટે ૨૦૧૮-૧૯માં રૂ. ૧.૭૮ કરોડની જોગવાઈ હતી, જે ઘટાડીને ૨૦૧૯-૨૦માં રૂ. ૧.૫૩ કરોડ એટલે ૨૫ લાખનો ઘટાડો કર્યો છે, તે જોતાં રોજગારી ઓછી ઉભી થશે. લઘુમતી આર્થિક વિકાસ નિગમ અને બોર્ડને અપાતી સહાયમાં પણ રૂ. ૨ લાખનો ઘટાડો કરવામાં આવ્યો છે.