[:gj]લાલપુરના વાવડી ગામની ઘટના, પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતની આત્મહત્યા[:]

[:gj]

રાજ્યનાં ખેડૂતોની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. થોડાં સમય પહેલાં સૌરાષ્ટ્રનાં અમરેલી, બોટાદ અને પોરબંદરનાં ખેડૂતોએ અપૂરતાં વરસાદનાં કારણે પાક નિષ્ફળ જવાની દહેશતથી આત્મહત્યા કરી હતી. ત્યાં આજે જામનગર જિલ્લાનાં લાલપુરનાં વાવડી ગામે ખેડૂતે આત્મહત્યા કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર જામનગરના લાલપુર તાલુકાના વાવડી ગામે ખેડૂતે કપાસનો પાક નિષ્ફળ જતા છેલ્લા પંદર દિવસથી આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા. આથી તેમણે વાડીમાં જેટકોની લાઇનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ખેડૂતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. વાવડી ગામે રહેતા 42 વર્ષીય રાણાભાઈ રાયદેભાઈ ગાગીયાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
રાજ્યમાં ખેડૂતોનાં દેવા માફી મામલે છેલ્લાં કેટલાંક સમયથી આંદોલન ચાલી રહ્યાં છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરાતાં ખેડૂતો આત્મહત્યા જેવા પગલાં ઉઠાવી રહ્યાં છે. વાવડી ગામનાં સ્થાનિકોનો આરોપ છે કે, રાણાભાઈ છેલ્લાં કેટલાંક સમયથી ભારે તણાવની સ્થિતિમાં જોવા મળતાં હતાં. આ વર્ષે રાજ્યનાં સૌરાષ્ટ્રનાં કેટલાંક પંથકમાં થયેલાં અપૂરતાં વરસાદનાં કારણે પાક નિષ્ફળ જવાનો તેમને ડર હતો. અને આ કારણસર તેમણે આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં થયેલાં અપૂરતાં વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર પંથકમાં સિંચાઈનાં પાણીની તીવ્ર તંગી ઊભી થઈ છે. આ મામલે આ વિસ્તારોનાં ખેડૂતો દ્વારા આંદોલન પણ કરવામાં આવી રહ્યાં છે. એકબાજુ અપૂરતો વરસાદ તો બીજી બાજુ ખાતર અને બિયારણનાં ભાવમાં થયેલાં ધરખમ વધારાનાં કારણે જગતનાં તાતની કમર તૂટી ગઈ છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોનાં મામલે તાત્કાલિક કોઈ નક્કર નિર્ણય કરવો જોઈએ એવી માંગણી ઉઠવા પામી છે.

[:]