લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે

ગાંધીનગર, તા. 17

રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે એટલે કે લગભગ 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યભરમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં રાજ્ય સરકાર વીમા કંપનીઓને બચાવવા માટે તેની જાહેરાત કરતી નથી અને સરકાર દ્વારા સર્વે કરાવીને ખેડૂતોને નુકશાની પેટે બે હેક્ટરના નુકશાનની રકમ આપવાની જાહેરાત કરી છે. આ સંજોગોમાં રાજ્યના ધરતીપુત્રોમાં રોષની લાગણી ફેલાઈ છે.

રાજ્યમાં અતિવૃષ્ટી અને લીલાદુષ્કાળની સ્થિતિમાં ખેતરોમાં થયેલા નુકશાન બાદ વળતરની જાહેરાત કરાઈ છે. રાજ્યના ખેડૂતોને 33 ટકાથી વધારે નુકસાન હશે તો વળતરની ચૂકવણી કરવામાં આવશે. અને મહત્તમ બે હેકટર સુધી સરકાર દ્વારા નુકસાનનું વળતર આપવામાં આવશે એ પ્રકારની સરકારની જાહેરાતથી રાજ્યના ખેડૂતોના ભવાં ઉંચા થઈ ગયા છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારીઓ પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સરકારની જાહેરાત પ્રમાણે પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂ.13,500 અને બિન પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર 6,500 રૂપિયા વળતર આપવામાં આવશે.

142 તાલુકામાં 120 ટકા કરતાં વધારે વરસાદ

રાજ્યના કુલ તાલુકાઓ પૈકી 142 તાલુકાઓ એવા છે કે જ્યાં ચાલુ વર્ષે વરસાદી મોસમમાં 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. આટલું ઓછું હોય એમ કેટલાંક તાલુકાઓમાં તો 200 ટકા કરતાં વધારે વરસાદ થયો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી લીલા દુષ્કાળની જાહેરાત કરી નથી. આ મામલે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ કહ્યું કે, આટલો બધો વરસાદ થવાના કારણે આ તાલુકાના ખેતરોમાં જેમ નદીમાં પાણી વહે તેમ પાણી વહ્યું હતું અને કેટલાક ખેતરોમાં તો પાણી ભરાઈ રહેવાના કારણે ખેતરમાં ઊભો મોલ વધારે પડતા પાણીના કારણે નિષ્ફળ નિવડ્યો છે.