લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર વીમા કંપનીઓને બચાવી રહી છે

ગાંધીનગર, તા. 17

રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે. રાજ્યમાં સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે એટલે કે લગભગ 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યભરમાં લીલા દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં રાજ્ય સરકાર વીમા કંપનીઓને બચાવવા માટે તેની જાહેરાત કરતી નથી અને સરકાર દ્વારા સર્વે કરાવીને ખેડૂતોને નુકશાની પેટે બે હેક્ટરના નુકશાનની રકમ આપવાની જાહેરાત કરી છે. આ સંજોગોમાં રાજ્યના ધરતીપુત્રોમાં રોષની લાગણી ફેલાઈ છે.

રાજ્યમાં અતિવૃષ્ટી અને લીલાદુષ્કાળની સ્થિતિમાં ખેતરોમાં થયેલા નુકશાન બાદ વળતરની જાહેરાત કરાઈ છે. રાજ્યના ખેડૂતોને 33 ટકાથી વધારે નુકસાન હશે તો વળતરની ચૂકવણી કરવામાં આવશે. અને મહત્તમ બે હેકટર સુધી સરકાર દ્વારા નુકસાનનું વળતર આપવામાં આવશે એ પ્રકારની સરકારની જાહેરાતથી રાજ્યના ખેડૂતોના ભવાં ઉંચા થઈ ગયા છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારીઓ પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સરકારની જાહેરાત પ્રમાણે પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂ.13,500 અને બિન પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર 6,500 રૂપિયા વળતર આપવામાં આવશે.
142 તાલુકામાં 120 ટકા કરતાં વધારે વરસાદ

રાજ્યના કુલ તાલુકાઓ પૈકી 142 તાલુકાઓ એવા છે કે જ્યાં ચાલુ વર્ષે વરસાદી મોસમમાં 120 ટકા કરતાં વધારે વરસાદ નોંધાયો છે. આટલું ઓછું હોય એમ કેટલાંક તાલુકાઓમાં તો 200 ટકા કરતાં વધારે વરસાદ થયો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી લીલા દુષ્કાળની જાહેરાત કરી નથી. આ મામલે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ કહ્યું કે, આટલો બધો વરસાદ થવાના કારણે આ તાલુકાના ખેતરોમાં જેમ નદીમાં પાણી વહે તેમ પાણી વહ્યું હતું અને કેટલાક ખેતરોમાં તો પાણી ભરાઈ રહેવાના કારણે ખેતરમાં ઊભો મોલ વધારે પડતા પાણીના કારણે નિષ્ફળ નિવડ્યો છે.

48 કલાકમાં દાવો કર્યો પણ આકારણી અધિકારીની નિમણૂંક ન કરાઈ

આ સંજોગોમાં ધરતીપુત્રો મોટા દેવાતળે દબાઈ ગયા છે. આટલો બધો વરસાદ પડ્યા પછી સરકારે ખેડૂતોને તેમના ખેતરમાં થયેલા નુકશાનની વિગતો 48 કલાકમાં રજૂ કરી દાવો કરવા કહ્યું હતું અને 48 કલાક પછી આવેલા દાવા સરકારે સ્વીકાર્યા નહોતા. અને તેના આધારે નિયમ પ્રમાણે 48 કલાકમાં આકારણી અધિકારીની પણ નિમણૂંક કરવાની હોય છે. પરંતુ વીમા કંપનીઓ દ્વારા તેની નિમણૂંક કરાઈ નથી. ઉલ્ટાનું ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે જે નુકશાન થયું છે તેમાં 2 હેક્ટર નુકશાનનું જ વળતર ચૂકવવાની જાહેરાત પણ સરકારે કરી છે. બે હેક્ટરના નુકશાન પેટે સરકાર ખેડૂતોને રૂ. 13,500 ચૂકવવાની છે ત્યારે પાલભાઈ સવાલ ઉઠાવે છે કે, સામાન્ય રીતે ખેડૂત પર દબાણ કરીને 48 કલાકમાં દાવો કરવાની જોગવાઈ છે તો સામી બાજુએ વીમા કંપનીએ પણ 48 કલાકમાં આકારણી અધિકારીની નિમણૂંક કરવાની છે. પરંતુ સરકારે આ નુકશાનની રકમ પોતાની તિજોરીમાંથી આપવાનું ઠરાવ્યું છે, ત્યારે સરકાર ખેડૂતો માટેની છે કે વીમા કંપની માટેની તેનો ખ્યાલ નથી આવતો.

લીલો દુષ્કાળ કેમ જાહેર ન કર્યો

સામાન્ય રીતે દેશમાં કોઈપણ રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં વધારે વરસાદ નોંધાય તો જે તે રાજ્ય સરકાર તેને લીલો દુષ્કાળ જાહેર કરે છે. ગુજરાતમાં ચાલુ વર્ષે પડેલા વરસાદ બાદ જે સ્થિતિનું નિર્માણ થયું અને ખેતરોમાં અતિવૃષ્ટિના કારણે પાકનું ધોવાણ થયું ત્યારે સરકારે લીલો દુષ્કાળ જાહેર નથી કર્યો. જો સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે તો આ માટેનું નુકશાનીનું વળતર કેન્દ્ર સરકારે ચૂકવવાનું હોય છે. પણ ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિ બાદ લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને સરકાર પોતાની તિજોરીમાંથી જ ખેડૂતોને વળતર આપી રહી છે. લીલા દુષ્કાળ કે અછતની સ્થિતિમાં કેન્દ્ર સરકાર તે માટે જે તે રાજ્ય સરકારને ખેડૂતોને નુકશાનીની ભરપાઈ કરવા ભંડોળ આપે છે અને આ રકમમાં જે તે રાજ્ય સરકાર જો પોતાના તરફથી કોઈ રકમ વળતર પેટે આપવા માંગતી હોય તો તે ઉમેરીને ખેડૂતોને સહાય કરતી હોય છે. પરંતુ ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા વરસાદ બાદ સરકારે લીલો દુષ્કાળ જાહેર નહિ કરીને વીમા કંપનીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ પાલભાઈએ લગાવ્યો હતો.

વીમા કંપનીઓને બચાવવા માટે લીલો દુષ્કાળ જાહેર નથી કરાતો

રાજ્યમાં આ વર્ષે થયેલા અતિભારે વરસાદના કારણે 142થી વધુ તાલુકાઓમાં ઊભા પાકને નુકશાન થયું છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે લીલો દુષ્કાળ જાહેર કરવાનો હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર નહિ કરાતા અનેક સવાલો સરકાર સામે ઉઠ્યા છે. જો રાજ્ય સરકાર લીલો દુષ્કાળ જાહેર કરીને કેન્દ્ર સરકારે આપવાનું બજેટ શા માટે માંગવામાં નથી આવતું એવા સવાલો જગતના તાત દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. અને જો લીલો દુષ્કાળ જાહેર થાય તો અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને પાકવીમા કંપનીઓએ ઓન એકાઉન્ટ 25% વીમા ક્લેઈમની રકમ ખેડૂતોને ચૂકવવી પડે એમ છે તો સરકાર પાકવીમા કંપનીઓને બચાવવા લીલો ફુષ્કાળ જાહેર કરવા માંગતી નથી એવો સવાલ પણ આ પરિસ્થિતિમાં ઉઠવા પામ્યો છે.

સરકારને સવાલ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બે હેક્ટરમાં નુકશાન પેટે રૂ. 13500 ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે સરકારની તિજોરી પર વધારાનો બોજ પડે એવી શક્યતા નકારી શકાય નહિ. આ સંદર્ભે પાલભાઈએ સરકારને સવાલ કરતાં કહ્યું કે, જે જાહેરાત કરી એ રૂપિયા કોણ ચૂકવશે? પાકવીમા કંપનીઓ કે સરકાર? જો સરકાર ચુકવવાની હોય તો વીમા કંપનીઓ ક્યારે ચૂકવશે? અને પાકવીમા કંપનીઓ ચૂકવવાની હોય તો સરકાર શા માટે જાહેરાત કરે છે? બે હેકટરના 13500 રૂપિયા જેવી મર્યાદા શા માટે નક્કી કરવામાં આવી? ખેડૂતોએ પુરા પાકનો વીમો લીધો છે તો નુકશાનીનું પાકવીમા કંપનીઓ પૂરું વળતર આપે એવી માગણી તેમણે કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, જો સરકાર ખેડૂતો પાસે 48 કલાકમાં નુકશાનીનો દાવો કરવા અરજી મંગાવતી હોય તો વડાપ્રધાન ફસલ વીમા યોજનાની જોગવાઈઓ પ્રમાણે પાકવીમા કંપનીઓએ 48 કલાકમાં આકારણી અધિકારીની નિમણુંક કરવાની હોય, 7 દિવસમાં આકારણી કરવાની હોય, અને 15 દિવસમાં નુકશાનીનું વળતર ચૂકવવાનું હોય છે બધી જ મુદ્દત પુરી થઈ ગઈ સરકાર પાકવીમા કંપનીઓને ક્યારે નોટિસ આપશે? તેમણે આરોપ કર્યો કે, સરકાર પાકવીમા કંપનીઓ વતી શા માટે ગુજરાતની જનતાના નાણાં ચૂકવે છે? પાકવીમા કંપનીઓને ફરજ કેમ નથી પાડવામાં આવતી? આ પ્રકારના સવાલો સાથે તેમણે સરકારને ઘેરી હતી.