લોકોનો રોષ જોઈ મેયર બીજલ પટેલ સ્કુલના ઉદ્દઘાટનમાં ન આવ્યા

અમદાવાદ : જો લોકોને પોતાના અધિકારની ખબર પડે અને તેનો ઉપયોગ કરે તો ચોક્કસ પરિણામ આવે છે, અમદાવાદના વસ્ત્રપુરના ચિત્રકુટ ટવીસ બંગલોમાં ગેરકાયદે શરૂ થઈ રહેલી પ્રી સ્કુલ સામે સ્થાનિકોએ  મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લેખિતમાં વિરોધ કરવા છતાં કોઈ પરિણામ આવ્યુ નહીં એટલુ જ નહીં આ સ્કુલના ઉદ્દઘાટનમાં અમદાવાદના મેયર બીજલ પટેલ ખુદ રવિવારના રોજ આવી રહ્યા છે તેવી જાણકારી મળતા સ્થાનિકો કાળા વાવટા સાથે રસ્તા ઉપર ઉભા રહી જતાં મેયર બીજલ પટેલે ઉદ્દઘાટનમાં આવવાનું માંડી વાળ્યુ હતું. હજી પણ સ્થાનિકોનો મીજાજ ઉગ્ર છે અને તેઓ સ્થાનિક ધારાસભ્યને પણ આ મામલે રજુઆત કરવાના છે.
ચિત્રકુટ બંગલોમાં મુંબઈ રહેતા મકાન માલિકોએ એક પ્રી સ્કુલને પોતાના બંગલા ભાડે આપ્યા હતા, સોસાયટીના ઠરાવ મુજબ સોસાયટીમાં કોઈ ધંધાકીય પ્રવૃત્તી થઈ શકે નહીં આમ છતાં મકાન માલિકો ઠરાવની વિરૂધ્ધમાં જઈ બંગલો એક પ્રી સ્કુલને ભાડે આપી દીધો હતો, આ સ્કુલને કારણે સોસાયટીમાં પાર્કિગ સહિતની અનેક સમસ્યા ઉભી થાય તેમ હતી , સોસાયટી  દ્વારા આ મામલે મકાન માલિકને નોટીસ પાઠવી છતાં તેમણે નોટીસને ગણકારી નહીં, જેના કારણે સોસાયટી દ્વારા પોલીસ અને કોર્પોરેશનને પણ લેખિતમાં રજુઆત કરી  છતાં કોઈ પરિણામ આવ્યુ નહીં
આમ એક તરફ રજુઆતનું કોઈ પરિણામ આવ્યુ નહીં બીજી તરફ આ સ્કુલનું ઉદ્દઘાટન કરવા ખુદ મેયર બીજલ પટેલ આવી રહ્યા છે તેવી જાણકારી સોસાયટીને મળતા તેમનો ગુસ્સો ફાટયો હતો અને સોસાયટીના રહિશો હાથમાં કાળા વાવટા અને પ્લે કાર્ડ સાથે રસ્તા ઉપર આવી ગયા હતા, આમ આ ઘટનાની જાણ મેયરને થતાં તેમણે ઉદ્ઘાટનમાં આવવાનું ટાળ્યુ હતું જેના કારણે સ્કુલનું ઉદઘાટન શકય બન્યુ ન્હોતુ આમ છતાં હજી પણ સોસાયટી આ મામલો પ્રશ્નના અંત સુધી લઈ જવા માગે છે અને તેમણે ધારાસભ્યને સોમવારે મળવાનો નિર્ણય કર્યો છે.