ગાંધીનગર,તા.21 કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી હતી કે ગુજરાતના લોથલમાં આધુનિક મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ઉભુ કરવામાં આવશે અને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મેરિટાઇમ પાર્ક બનાવવામાં આવશે.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં તેમણે જણાવ્યું હતું કે લોથલ હડપ્પા સંસ્કૃતિમાં એક મહત્વનું બંદર હતું. મેરિટાઇમ ક્ષેત્ર ભારત માટે નવું નથી. દેશ અને દુનિયા સામે મુકવા માટે લોથલમાં અંદાજે 400 થી 500 કરોડ રૂપિયાના ખર્ચે હેરિટેજ કોમ્પલેક્ષ તૈયાર કરાશે. જેમાં મેરીટાઈમ ઇતિહાસ, સંબંધિત રેપ્લિકાઓ, તેની સાથે સંકળાયેલા પુરાવાઓ, મેરિટાઇમ સંશોધનો અને સંસાધનો દર્શાવાશે.
કેન્દ્રીય મંત્રી આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે “ગુજરાત સહિત ભારત અને વિશ્વમાં બંદર અને સહાયક ક્ષેત્ર: ઉભરતી તકો અને પડકારો” વિષય પર આયોજિત સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. માંડવીયાએ ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે મેરિટાઇમ પાર્ક ઉભુ કરવાની જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં શિપ બિલ્ડીંગ અને શિપ બ્રેકિંગનો ઉદ્યોગ વિકસેલો છે, ગુજરાતમાં મહત્વના બંદરો આવેલા છે ત્યારે ગિફ્ટ સિટી ખાતે આ પ્રકારનું મેરીટાઇમ પાર્ક ઊભું કરવાથી મેરીટાઇમ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.
મેરીટાઈમ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતમાં પરિવહન ખર્ચ 14 ટકા છે જ્યારે વિશ્વમાં તે સરેરાશ 9 ટકા છે. ભારતે જો સ્પર્ધામાં ટકી રહેવું હોય તો પરિવહન ખર્ચ ઓછો કરવો આવશ્યક બની જાય છે. ભારતમાં એક ટન માલ એક કિલોમીટર સુધી પરિવહન કરવા માટે માર્ગ પરિવહનમાં ત્રણ રૂપિયા, રેલવે પરિવહનમાં બે રૂપિયા અને જળપરિવહનમાં 90 પૈસાનો ખર્ચ લાગે છે. આથી જો માલ પરિવહનનો ખર્ચ ઘટાડવો હોય તો જળ પરિવહન વ્યવસ્થા વિકસાવી અને અપનાવી ખૂબ જરૂરી છે. પરિણામે આ ક્ષેત્રમાં અદભુત અવસરો રહેલા છે અને મેરીટાઇમ મેનેજમેન્ટ ક્ષેત્રે ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે.
મેરિટાઇમ ક્ષેત્રમાં ભરપૂર રોજગારની સંભાવનાઓ વિશે જણાવતાં માંડવિયાએ જણાવ્યું હતું કે તેમનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં વહાણવટા ક્ષેત્રે પાંચ લાખ નવી રોજગારીનું સર્જન કરવાનું છે. આ માટે તેમણે શિપિંગ મહાનિર્દેશક દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ધરખમ સુધારો કર્યો છે, જેનાથી પરીક્ષાના પરિણામમાં સુધારો આવ્યો છે અને દરિયા ખેડુઓ (Seafarers)ની સંખ્યા અંદાજે 2014 માં 94000 હતી તે વધીને આજે 2,14,000 સુધી પહોંચી ગઈ છે.
ક્રુઝ પર્યટન ક્ષેત્રમાં રોજગારીની તકો વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે તેઓ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, વિશાખાપટ્ટનમ અને ગોવા એમ પાંચ સ્થળોએ ક્રુઝ ટર્મિનલ બનાવી રહ્યા છે. જેનાથી આ ક્ષેત્રમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રોજગારનું સર્જન થશે. તેમણે જણાવ્યું હતું કે તુતીકોરીન અને કોચીનને ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે.