અમદાવાદ, તા.14
શહેરમાં દરિયાપુર એક માત્ર એવું પોલીસ સ્ટેશન છે જેનો ક્રાઈમ રેટ સૌથી ઓછો છે. વર્ષ 1983માં અસ્તિતવમાં આવેલા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત એક સાથે વીસેક દુકાન-ઓફિસના તાળા તૂટ્યા છે. શહેરની સૌથી મોટી ઘરફોડ ચોરીના પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. આ બનાવ પાછળ દુકાનદારોની લાપરવાહી અને પોલીસની બેદરકારી જવાબદાર છે. માર્કેટમાં કુલ સવા સાતસો દુકાનો-ઓફિસ આવેલી છે. જ્યારે તેની સુરક્ષા માટે માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યો છે અને તે પણ રાતે સૂઈ ગયો હતો. બીજી તરફ પોલીસ પણ નાઈટ પેટ્રોલીંગને લઈને આળસ કરતી હોવાનું સામે આવ્યું છે.
પ્રેમ દરવાજા અને કાલુપુર સર્કલ વચ્ચે આવેલા ચોખા બજાર (સિંધી માર્કેટ)માં તસ્કરોએ એક જ રાતમાં સંખ્યાબંધ દુકાન-ઓફિસોના તાળા તોડ્યા હતી. આ સંદેશો મળતાની સાથે દરિયાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ઉચ્ચ અધિકારીઓ, ક્રાઈમ બ્રાંચની ટીમ અને ડૉગ સ્કવૉડ દોડી આવી હતી. પોલીસને હાથ લાગેલા સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા યુવકો જોવા મળ્યા છે. જો કે, પોલીસને આશંકા છે કે, સિલસિલાબંધ ચોરીની ઘટનામાં અન્ય આરોપીઓ પણ સામેલ હોવા જોઈએ. ચોરી કરવા આવેલા શખ્સોએ બુધવાર-ગુરૂવારની રાત્રિ દરમિયાન ભોંયતળીયે તેમજ પ્રથમ માળે આવેલી વીસેક જેટલી દુકાનો-ઓફિસોના તાળા તોડી સાડા ત્રણ લાખથી વધુની રોકડ ચોરી કરી લીધી છે.ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે.

પાંચ વર્ષમાં કુલ 9 ઘરફોડ ચોરી, બેનો પ્રયાસ
કોમી તોફાનો અને લતીફ ગેંગના કારણે બદનામ થયેલા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015થી લઈને વર્ષ 2018 સુધીના સમયગાળામાં કુલ 11 ઘરફોડ ચોરીના ગુના નોંધાયા છે. જે પૈકી બે ગુનામાં તો ઘરફોડનો પ્રયાસ થયો છે. 11 ગુનાઓ પૈકી 8 ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. વર્ષ 2015 અને 2016માં બબ્બે ઘરફોડ, વર્ષ 2017માં પાંચ ઘરફોડ અને 2018માં બે ઘરફોડ ચોરી (પ્રયાસ)ની ઘટના દરિયાપુર પોલીસના ચોપડે નોંધાઈ છે. ચોખા બજાર ખાતે થયેલી સિલસિલાબંધ ઘરફોડ ચોરીની ઘટના વર્ષ 2019માં ઘરફોડનો પ્રથમ ગુનો છે.
મોટાભાગનો સ્ટાફ પાડોશી પોલીસ સ્ટેશનના બંદોબસ્તમાં હોય છે
દરિયાપુર પોલીસ સ્ટેશનનો મોટાભાગનો સ્ટાફ શાહીબાગ, એરપોર્ટ અને સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહીબીશન અને ગેમ્બલીંગની રેડમાં વ્યસ્ત હોય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ડીસીપી નિરજ બડગુજર સતત પ્રોહીબીશન અને ગેમ્બલીંગની ડ્રાઈવ ચલાવે છે અને તેમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફનો મહત્તમ ઉપયોગ કરે છે. ઘરફોડ ચોરીની આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પોલીસ સ્ટાફનો અન્ય જગ્યાએ ઉપયોગ કરવાની બાબતની સમિક્ષા કરવાની રહેશે.
એક કલાકમાં તસ્કરો 3.51 લાખની રોકડ ચોરી ફરા
ચોખા બજારમાં કુલ સાત દરવાજાઓ આવેલા છે. જેમાં છ દરવાજા ભોંયતળીયે અને એક દરવાજો પ્રેમ દરવાજા-કાલુપુર સર્કલ રોડ પર પ્રથમ માળે બનાવવામાં આવેલો છે. તસ્કરોએ પ્રથમ માળે આવેલા દરવાજાનું તાળુ તોડી માર્કેટમાં પ્રવેશ કર્યો અને એક કલાકમાં વીસેક દુકાન-ઓફિસના તાળા તોડી 3.51 લાખની રોકડ રકમ ચોરી કરી છે.
ગુજરાતી
English

