વડનગર, તા.૦૬
કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં વડનગરના આંગણે બુધ અને ગુરુવારના રોજ રાત્રે 8 વાગે તાના-રીરી મહોત્સવ યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને સંયુક્તરૂપે અપાશે. એવોર્ડમાં રૂ.5 લાખનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ એનાયત કરાશે. વડનગર ખાતે ઉત્ક્રાંતિ અને વિકાસ ઉપર એએસઆઇ દ્વ્રારા તૈયાર કરાયેલા પ્રદર્શનની સીએમ મુલાકાત કરશે. પ્રથમ દિવસે એવોર્ડી કલાકારો શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. ઉપરાંત અનુરાધા પૌંડવાલ દ્વારા ગાયન અને ડો.ધ્વીન વચ્છરાજાની, ગાર્ગી વોરા અને ભક્તિ જોશી દ્વારા શાસ્ત્રીય ગાયન રજૂ કરાશે.
પ્રથમ દિવસે 3 વિશ્વ રેકોર્ડ પણ રચાશે. જેમાં તાના-રીરી ગાર્ડન ખાતે સાંજે 4થી 5 એક કલાકમાં 100 તબલાવાદકો દ્વારા 48 ઠાઠ વગાડી, સાંજે 5થી 5-30માં ૩૦ મિનિટમાં 108 વાંસળીવાદકો દ્વારા 28 રાગ ધૂન વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત વગાડીને તેમજ રાત્રે 8 વાગે એક મિનિટમાં કલાગુરુ શીતલબેન બારોટ 9 અલગ અલગ ચહેરાના ભાવ નવ રસ પ્રમાણે રજૂ કરી વિશ્વ રેકોર્ડ રચશે. મહોત્સવને લઇ રંગબેરંગી રોશની કરાઇ છે.
તાના-રીરી એવોર્ડથી સન્માનિત કલાકારોમાં
2010-11: લતા અને ઉષા મંગેશકર
2011-12: પદ્મભૂષણ ગિરીજાદેવી
2012-13: કિશોરી અમોનકર
2013-14: બેગમ પરવીન સુલતાના
2014-15: ડો.પ્રભા અત્રે
2015-16: મંજુબહેન મહેતા અને ડો. લલીત જે રાવ મહેતા
2016-17: પદ્મશ્રી આશા ભોંસલે
2017-18: પદ્મભૂષણ ડો.એન.રાજમ અને વિદુષી રૂપાંદે શાહ
2018-19: અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલનો સમાવેશ થાય છે.