એકના ડબલ કરવાનું કહી વડાપ્રધાનના શહેર વડનગર અને મહેસાણામાં 300 ગ્રાહકો સાથે રૂ.7 કરોડની છેતરિંપડી કરનારા વડનગરના ચેહર એન્ટરપ્રાઇઝના માલિક જીતેન્દ્ર સોની ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
વાઈરલ ઓડિયો ક્લિપ જાહેર કરીને જીતેન્દ્રએ થાપણદારોને ધમકી આપી છે જે પોલીસ કેસ કરશે તેને પૈસાય નહીં મળે. મેં તમારા બધાના પૈસાના 12 ટકા, 15 ટકા અને 17 ટકા સુધી વ્યાજ ચૂકવ્યા છે. એ વ્યાજ હું ભરી ભરીને એટલી હદે કંટાળી ગયો છું કે, યાતો તમારા પૈસા કમાઇને પાછા લાવી આપીશ, યા પછી છેલ્લા રામ રામ ગણજો.
કોઇપણ જાતના ટેન્શન વગર મને 3 કે 4 મહિનાનો સમય આપો. તમારા બધાના પૈસા પાછા આવી જશે. અત્યારે અહીંયાથી બહાર જવાનું મારું એક જ કારણ છે કે લોકો મને ટોર્ચર કરી કરીને જીવવા દેતા નથી.
હું બહાર જાઉં છું, હવે જો અહીંયા મારા લોકોનું ટોર્ચર કર્યું, કે ભૂલથી પોલીસ કેસ કર્યા, ખોટા ચેકના કેસો કર્યા તો જિંદગીમાં તમને પૈસા આવશે નહીં. જે કેસ કરશે એને જિંદગીમાં એક રૂપિયો આપીશ નહીં. શાંતિ રાખજો, દિવાળી પહેલાં આવીશ. તમારી દિવાળી બગાડીશ નહીં. તમારી બધાની દિવાળી સુધરે એ રીતે બધાના પૈસા પાછા આપી દઇશ.