2014માં નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા પછી તેમણે ગુજરાતના આઇએએસ ઓફિસરો જ નહીં આઇપીએસ અને આઇએફએસ ઓફિસરોને પણ દિલ્હી બોલાવી લીધા હતા. શરૂઆતના ત્રણ વર્ષમાં ગુજરાતના 18થી વધુ આઇએએસ ઓફિસરો કેન્દ્ર સરકારમાં શામેલ થયા હતા. એ ઉપરાંત ગુજરાતના ઉચ્ચ ઓફિસરો સાથે કુલ 35 ઓફિસરો દિલ્હીમાં ગયા છે. ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર હસમુખ અઢીયા એવું નામ છે કે જેમણે મોદી સરકારના શરૂઆતના પાંચ વર્ષમાં નાણા વિભાગનો હવાલો સંભાળીને નોટબંધી અને જીએસટી જેવા કાયદાને લાગુ કર્યો છે.
વડાપ્રધાનની કચેરીમાં ગુજરાતના 5 અધિકારીઓ કામ કરે છે.
ગુજરાતના ઓફિસરો દિલ્હીમાં પ્રાઇમ પોસ્ટીંગ મેળવી રહ્યાં છે જેથી અન્ય રાજ્યોના ઓફિસરોને અદેખાઇ થાય તે સ્વાભાવિક છે. પીએમઓમાં પણ ગુજરાતના પાંચ થી વધુ ઓફિસરો ફરજ બજાવે છે. બીજા ઓફિસરો વિવિધ વિભાગોમાં ટોપ પોસ્ટ ઉપર કાર્યરત થયેલા છે. કહેવાય છે કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં 70 ટકા આઇએએસ ઓફિસરો યંગ છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાં ઘણાં સિનિયર ઓફિસરો વય નિવૃત્ત થયા છે. રાજ્યમાં પ્રતિવર્ષ 10 થી 12 જેટલા ઓફિસરો વય નિવૃત્ત થાય છે. વયનિવૃત્તિ પછી નવા તૈયાર થયેલા યંગ ઓફિસરો જગ્યા સંભાળે છે. એટલે કે ગુજરાતમાં આઇએએસ ઓફિસરોની સેકન્ડ કેડર તૈયાર થઇ ચૂકી છે.
વધુ 6 અધિકારીઓ દિલ્હી બોલાવી દેવાયા.
સચિવાલયના સૂત્રો કહી રહ્યાં છે કે હાલના મુખ્ય સચિવ જેએન સિંઘ સહિત રાજ્યના છ થી વધુ ઓફિસરો ગુજરાત છોડીને દિલ્હી જઇ રહ્યાં છે. જેએન સિંઘનું એક્સટેન્શન નવેમ્બરમાં પૂરૂં થાય છે તેથી તેમની નવેમ્બર પછી દિલ્હી જવાની શક્યતા છે. જો આમ થશે તો ગુજરાતમાં સિનિયર આઇએએસ ઓફિસરોની તંગી સર્જાઇ શકે છે. કહેવાય છે કે ગુજરાત રાજ્યમાં નોકરી કરવા એના કરતાં તો દિલ્હી વધારે મજબૂત સ્થળ છે. દિલ્હીમાં કામ કરતા અધિકારી દેશના તમામ રાજ્યોના સંપર્કમાં આવે છે. જેમને કામ કરવું છે તેઓ દિલ્હી વધારે પસંદ કરે છે.