વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મનકી બાત ખાસ્સો લોકપ્રિય રહ્યો છે. હવે આજ લાઈન પર ગુજરઃતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના જનતા સાથેના સંબંધો સુધારવાના પ્રયત્નરૂપે આવો જ એક કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા ઘડી કાઢવામા આવ્યો છે.
મનની મોકળાશ નામના આ કાર્યક્રમમા મુખ્યમંત્રીશ્રી તેમના નિવાસસ્થાને વિવિધ ક્ષેત્રના લોકોને રૂબરૂ મળી તેમના સૂચનો સાંભળશે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, “રાજ્યના નાગરિકો પોતાના સૂચનો-વિચારો આપી શકે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી નાગરિકો સાથે સીધો સંવાદ કરવા પ્રતિમાસ “મનની મોકળાશ” કાર્યક્રમ યોજશે.”
નાયબ મુખ્યમંત્રીએ વધુમા જણાવ્યુ કે, રાજ્યના વિવિધ વિસ્તારના લોકો નાગરિકો-નિષ્ણાંતો રાજ્યની કલ્યાણકારી યોજનાઓમાં પોતાના સૂચનો આપી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને નાગરિકોને બોલાવી મહિનામાં એકવાર આ કાર્યક્રમ યોજશે. જરૂર જણાશે તો મહિનામાં બે વાર પણ આ કાર્યક્રમ પ્રતિમાસ યોજાશે.”
આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નાગરિકો, શ્રમિકો,ખેડૂતો,મહિલાઓ,આદિવાસીઓ સાથે મુખ્યમંત્રી સીધો સંવાદ કરશે, ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને પણ આમંત્રિત કરીને તેમની સાથે પણ પરામર્શ કરવામાં આવશે.
આજે રાજ્યમંત્રીમંડળની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામા આવ્યો હતો.