વડોદરા,તા:૫
સયાજીગંજ વિધાનસભાના ભાજપ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયાના પુત્ર હીરેન સુખડિયાનું નામ ગેસચોરીમાં સંડોવાયું છે. હીરેન સુખડિયા નિઝામપુરામાં હેપી હોમ નામની ઈન્ડિયન ગેસની એજન્સી ચલાવે છે, જેના ઓઠા હેઠળ એજન્સીના કર્મચારીઓ દ્વારા બાટલામાંથી ગેસચોરી કરતા ઝડપાયા છે.
ધારાસભ્યના પુત્ર સંચાલિત ગેસ એજન્સીના કર્મચારીઓ ગેસચોરી કરતાં ઝડપાતાં પુરવઠા વિભાગે હીરેન સુખડિયાને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી છે. ટેમ્પોમાં બાટલાની ડિલિવરી કરવા જતાં કર્મચારીઓને સમા વિસ્તારના એક કોમ્પ્લેક્સમાં ગેસચોરી કરતાં ઝડપી લેવાયા છે.
ઘટનાની તપાસ કરતાં જિલ્લા સપ્લાય ઓફિસરે જણાવ્યું કે, આવા કિસ્સામાં એજન્સીની કોઈ ખામી નીકળતી નથી, કર્મચારીઓની જ ભૂલ જણાતી હોય છે. હાલમાં ઘટના અંગે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે, જોવાનું એ છે કે ઉજ્જ્વલા યોજનાનાં ગાણાં ગાતી ભાજપ સરકારના જ ધારાસભ્યના પુત્ર દ્વારા સંચાલિત એજન્સી સામે પગલાં લેવાય છે કે માત્ર કર્મચારીઓ પર જ પગલાં લેવાશે?