વડોદરા શહેરના નીચાણ વાળા વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવાયા

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. વરસાદી પાણી શહેરના ગેડીગેટ, વાઘોડીયા રોડ, કારેલીબાગ, ઇલોરાપાર્ક, સુભાનપુરા વિસ્તારમાં ભરાયા છે. શહેરના એમ.જી.રોડ પર આવેલી દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોની હાલાકી વધી છે. વડોદરા શહેરમાં બપોરથી મન મૂકીને વરસી રહેલા વરસાદના કારણે લોકો ફસાયા તથા ઝાડ પડવાના બનાવો બન્યા હતા. જેને લઈને ફાયર બ્રિગેડના જવાનોએ ખડેપગે રહીને કામગીરી હાથ ધરી હતી. પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો હતા. જ્યારે શહેરના તુલસીવાડી, સંજય નગર પાસે વિશ્વામિત્રીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘરમાં ફસાયા હતા. જેની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા તુરંત ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ પરથી ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કર્યા હતા.