ગાંધીનગર, તા. 29
રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહારના નવા નિયમો 16મી ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યા છે ત્યારે રાજ્યનાં સરકારના જાહેર વાહનો તેમ જ ખાનગી કેબ ઓપરેટર્સ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. વાહન વ્યવહારના નિયમો પ્રમાણે કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઓછામાં ઓછું ભાડું દર્શાવવાનું હોય છે તેમ છતાં તે દર્શાવવામાં આવતું નથી. શહેરમાં ચાલતી આવી ઓલા ઉબેરના ચાલકો દ્વારા સરકારના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે ત્યારે આ અંગેનો દંડ કોની પાસેથી વસૂલાશે એ એક મોટો સવાલ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય મોટર વાહન વ્યવહાર નિયમનો મુસદ્દો 1989માં તૈયાર કરાયો હતો. જે પછી તેમાં આજદિન સુધી કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. ખાનગી ટેક્સીઓના દરવાજા કે આખી ગાડી પર જાહેરખબર લગાવવા માટે ચોક્કસ નીતિ નિયમોનો તેમાં ઉલ્લેખ કરાયો છે. જે પ્રમાણે જે તે ગાડીના માલિકે આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગમાં જરૂરી ફી ભરીને પરવાનગી બાદ જ તે લગાવવાની હોય છે. પરંતુ અમદાવાદના આવા ટેક્સી ચાલકો આ નિયમને ઘોળીને પી ગયાં છે. આ અંગે શહેરના પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગનો સંપર્ક સાધ્યો ત્યારે એવું જાણવા મળ્યું કે, આ ટેક્સી ચાલકો દ્વારા કોઈ પ્રકારની ફી ભરીને પરવાનગી લેવામાં આવી નથી.
નિયમોની ઐસીતૈસી
ગુજરાત મોટર વ્હિકલ એક્ટ 1989માં જણાવાયું છે કે, પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનમાં મુસાફરોની ક્ષમતા અને ભાડા ઉપરાંત ચેસિસ નંબર, વાહનનું વજન, તેમ જ નિયમો અનુસાર વિવિધ વિગતો દર્શાવવી ફરજિયાત છે. પરંતુ રાજ્યમાં ચાલતી ઓલા-ઉબેરના ચાલકો દ્વારા આ નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. આટલું ઓછું હોય એમ આ વાહનના માલિકનું નામ અને સરનામુ પણ નિયમ 84 મુજબ દર્શાવવું ફરજિયાત હોવા છતાં તે દર્શાવવામાં આવતું નહિ હોવાનું જાણવા મળ્યું છે.
ખાનગી કેબ પર જાહેરખબર
વાહનવ્યવહાર કાયદાની જોગવાઈ પ્રમાણે ખાનગી સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી ટેક્સી પર કોઈપણ પ્રકારની જાહેરખબર લગાવી શકાય નહિ. તેમ છતાં રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં ચાલતી ઓલા-ઉબેર ટેક્સી ચાલકો દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. વાહન વ્યવહાર કાયદા પ્રમાણે કોઈ પણ પ્રકારની વ્યાવસાયિક જાહેરખબર પોતાની ગાડી પર પ્રદર્શિત કરવી હોય તો તેણે સ્થાનિક આરટીઓમાં જરૂરી ફી ભરીને પરવાનગી લેવાની હોય છે. સામાન્ય રીતે નિયમ પ્રમાણે પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક વર્ષ માટે રૂ. 20 પ્રતિ સ્ક્વેર સેમી. પ્રમાણે ફી વસૂલવામાં આવે છે. અથવા તો વાર્ષિક રૂ. 500થી 1000ની ફી ભરવાની હોય છે. પરંતુ શહેરના ઓલા-ઉબેર ચલાવતા વાહનચાલકો મહિને રૂપિયા ત્રણથી પાંચ હજાર કમાવવાની લ્હાયમાં આ નિયમને નજર અંદાજ કરે છે.
પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગ શું કહે છે?
આ મામલે પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગના એઆરટીઓ એસ. એ. મોજણીદારે કહ્યું કે, શહેરમાં ચાલતી ઓલા ઉબેરના ચાલકો દ્વારા હજુ સુધી આરટીઓમાં આવી કોઈ પરવાનગી લેવા માટે કે જરૂરી ફી ભરીને તેની મંજૂરી લેવામાં આવી નથી. નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા ટેક્સી ચાલકો સામે વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
મોજણીદાર કહે છે, શહેરમાં જે રીતે ઓલા ઉબેર ચાલે છે તેમાં મોટાભાગે ખાનગી વ્યક્તિઓ દ્વારા ટેક્સી પાસિંગ કરાવીને ઓલા ઉબેર સાથે તેની ગાડીનું ઓનલાઈન જોડાણ કરીને ચલાવવામાં આવે છે. આ સંજોગોમાં ઓલા ઉબેરમાં ચાલતી ગાડીઓના માલિકો વધારે પૈસા કમાવવાના હેતુસર વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તે અંગે સરકારે અવારનવાર આ મામલે આવા ખાનગી ટેક્સી સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાય છે, પરંતુ અમદાવાદમાં આ કંપનીઓની કોઈ કાયદેસરની ઓફિસ પણ નહિ હોવાથી પ્રાદેશિક વાહનવ્યવહાર વિભાગ નિસહાય બની જાય છે.