અમદાવાદ, તા.04
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા સમય પહેલાં જ અમદાવાદમાં સો માળની ઈમારતો બનશે તેવી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીની આ જાહેરાતના પગલે બિલ્ડર લોબી, સ્ટ્રક્ચરલ ડિઝાઈનર, આર્કિટેક્ટ અને ડેવલપર્સ દ્વારા આ અંગે સરવૅ શરૂ કરી દેવામાં આવ્યો છે, જે મુજબ વિદેશના શહેરીવિકાસની પેટર્ન મુજબ 100 માળની ઈમારતોની શક્યતા પર અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.
તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ ભવિષ્યની 100 માળની ઈમારત માટે 10થી વધુની એફએસઆઈ જરૂરી બનશે. આ ઉપરાંત અત્યારે જ્યાં આરસીસી બાંધકામ પર દારોમદાર રખાય છે, તેના બદલે સ્ટીલ સ્ટ્રક્ચર અને પ્રિકાસ્ટ આયર્ન પર વધુ ભાર મૂકવામાં આવશે. 2035માં અમદાવાદમાં વસનારા નાગરિકને જે-તે ફ્લોર સુધી તેની કાર પાર્ક કરવા અને સ્પોર્ટ્સ એક્ટિવિટી સુધીની સુવિધા મળી રહે તે પ્રમાણે આયોજન કરવું પડશે. અમપાના ટાઉન પ્લાનિંગ ઓફિસરના જણાવ્યા પ્રમાણે વર્ષના અંત સુધીમાં શહેરીજનો પોતે જ્યાં રહે છે ત્યાં નજીકમાં જ તમામ પ્રકારની સુવિધા મળે તેમ ઈચ્છતો હશે, જે અંતર્ગત તે પોતાના રહેણાકની આસપાસ જ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પણ શોધશે. એટલે કે મેટ્રો સ્ટેશનની આસપાસ રહેવાનો કોન્સેપ્ટ અમદાવાદમાં વધશે તેવું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા રૂપેશ પટેલનું કહેવું છે કે, જ્યારે લીવેબલ અમદાવાદ શહેરનો કોન્સેપ્ટ જોવામાં આવે તો અમદાવાદ શહેરમાં વર્ષ-2035 સુધીમાં નવાં બંધાનારાં બાંધકામોમાં આરસીસીને બદલે સ્ટીલ સ્ટ્રક્ચર અને પ્રિ-કાસ્ટ આયર્ન પરનાં બાંધકામો 90 ટકા ઉપર થઈ જશે, કેમ કે હાઈટ વધારતાં બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થ પણ ડબલ કરવી પડે. ઉપરાંત 100 માળની ઈમારત બનાવવી હોય તો અમદાવાદ શહેરમાં હાલ જે ચાર્જેબલ સાથે 2.7ની એફએસઆઈ અપાય છે તેને 10 એફએસઆઈથી વધારેની મંજૂરી આપવી પડે.
આવનારાં વર્ષોમાં આજથી વધુ ઝડપી અને દોડાદોડવાળું જીવન બનશે એટલે બિલ્ડર્સ અને ડેવલપર્સ કે આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સે પણ તેમને સ્ટાન્ડર્ડાઈઝેશન પર આવવું પડશે. હાલ આપણે બારી-બારણાંથી લઈને તમામ ચીજો માટે કોઈ સ્ટાન્ડર્ડ નથી, જેથી તેને તૈયાર કરવામાં પણ સમય જતો હોય છે. વિદેશોની જેમ એક ફિક્સ ફ્રેમવર્ક 2035 સુધીમાં આવી જશે, જેથી તમારે જે સાઈઝની જે ચીજ જાઈતી હોય એ તૈયાર જ મળે, જેને લાવીને માત્ર ફિટ જ કરવાની રહે.
સ્ટીલ સ્ટ્રક્ચર-પ્રિકાસ્ટ આયર્નના ઉપયોગથી પ્રોજેક્ટ કોસ્ટ ઘટશે અને સમય બચશે
અમપાના એડિશનલ સિટી ઈજનેર હરપાલ ઝાલાએ એક વાતચીતમાં કહ્યું, સ્ટીલ સ્ટ્રક્ચર અને પ્રિ-કાસ્ટ આયર્નના ઉપયોગથી જ્યાં બિલ્ડિંગની સ્ટ્રેન્થ વધુ મજબૂત બનશે, ત્યાં પ્રોજેક્ટ કોસ્ટ ઘટશે અને સમય પણ બચશે. કેમ કે તમને બાંધકામ માટે ઘણું બધું મટિરિયલ તૈયાર મળવાનું છે, માત્ર તમારે તેને ફિટિંગ જ કરવાનુ છે. મુંબઈ જેવાં શહેરોમાં સ્ટીલ અને પ્રિ-કાસ્ટ આયર્ન બાંધકામનો કોન્સેપ્ટ શરૂ થઈ ગયો છે. દુબઈ અને વિશ્વનાં અન્ય શહેરોમાં ઝડપથી તૈયાર થઈ રહેલાં હાઈરાઈઝ બિલ્ડિંગ્સ પાછળનું મુખ્ય કારણ પણ આ જ છે.
અમદાવાદના કયા વિસ્તારોમાં ૧૦૦ માળનાં મકાનો બનાવવા સંભવ
અમદાવાદ શહેરમાં હાલ આર-વન અને આર-ટુ એમ બે પ્રકારે બાંધકામની પરમિશન આપવામાં આવી રહી છે, જેમાં આર-ટુમાં શહેરના બોડકદેવ સહિતના નવા પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારો ઉપરાંત શહેરના એસ.જી. હાઈવે (નેશનલ હાઈવે-૮સી) ઉપરાંત સરદાર પટેલ રિંગરોડ સહિતના વિસ્તારોનો આર-ટુ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ તમામ વિસ્તારો ઉપરાંત રિવરફ્રન્ટ પર પણ હાઈરાઈઝ બિલ્ડિંગો વર્ષ-2035 સુધીમાં જાવા મળી શકે છે, પરંતુ એ માટે રાજ્ય સરકાર શું આયોજન કરે છે અને કયા પ્રકારનું આયોજન કરે છે એના પર તમામ દારોમદાર રહેશે એમ ટીડીઓ રમેશ દેસાઈનું કહેવું છે.
એસવીપી હોસ્પિટલ સ્ટીલ સ્ટ્રક્ચર પર બનાવાઈ છે
અમપા દ્વારા રૂ.700 કરોડથી પણ વધુના ખર્ચે બનાવાયેલી એસવીપી હોસ્પિટલ આખી સ્ટીલ સ્ટ્રક્ચર પર તૈયાર કરાઈ છે. આ અંગે અમપાના રોડ અને બ્રિજ પ્રોજેક્ટના ઈજનેર હિતેશ કોન્ટ્રાક્ટરે એક વાતચીતમાં કહ્યું, જેમ તમે હાઈટ પર બાંધકામ કરો તેમ તમારે બિલ્ડિંગની મજબૂતાઈ ઉપરાંત ભૂકંપ, પૂર સહિત સંભવિત આવનારી હોનારત વિશેનો પણ ખ્યાલ કરવો પડે. આ જ હેતુથી એસવીપી હોસ્પિટલ સ્ટીલ સ્ટ્રક્ચરની મદદથી બનાવવામાં આવી છે.
અમદાવાદીઓને કઈ-કઈ સુવિધાઓ મળી શકે છે
૧. પોતે જે ફ્લોર પર રહેતા હશે એ ફ્લોર પર જ વાહન પાર્ક કરવાથી લઈને સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ, જિમ અને અન્ય સ્પોર્ટ્સ સંબંધી સુવિધાઓ મળી શકશે.
૨. રહેઠાણના સ્થળે જ ફૂડકોર્ટ સહિતની રેસ્ટોરન્ટ, તેમજ રેસ્ટોરન્ટ, મિની થિયેટર સહિતની સુવિધા મળી રહેશે.
૩. રહેઠાણથી નજીકના અંતરેથી જ મેટ્રો ટ્રેન, ઈ-બસ, ઈ-રિક્ષા ઉપરાંત ઈ-કાર પણ મળતી થઈ જશે.
૪. ઓડિટોરિયમ, હોમ થિયેટર અને એન્ટરટેઈન્મેન્ટની સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ જશે.
૫. રૂપિયા ખર્ચતાં બધું એકસાથે અને નજીકના અંતરે મળી રહેશે.
ઉધઈનો પ્રશ્ન ન નડે તો વૂડન હાઉસ પણ તૈયાર મળશે
વર્ષ-2035ના વર્ષ સુધીમાં વિશ્વમાં જેમ અમેરિકા સહિત યુરોપના દેશોમાં વૂડન (લાકડા) ટેક્નોલોજીથી મકાનો તૈયાર કરાય છે, એ પ્રમાણે જ અમદાવાદ શહેરમાં ઉધઈનો પ્રશ્ન ન નડે તો વ્યક્તિગત રીતે જે લોકો સક્ષમ હશે એ લોકો વૂડન હાઉસમાં પણ રહેતા હશે.
એફોર્ડેબલ હાઉસની માગ વધશે
અમપાના ટીડીઓ રમેશ દેસાઈનું કહેવું છે કે, વર્ષ-2035 સુધીમાં લોકોમાં એફોર્ડેબલ હાઉસની માગમાં વધારો થશે. લોકો વ્યક્તિગતને બદલે સમૂહમાં રહેવા તેમને આર્થિક રીતે પોસાઈ શકે એવા એફોર્ડેબલ હાઉસમાં રહેવાનુ વધુ પસંદ કરશે.
ગુજરાતી
English



