પ્રશાંત પંડીત,
અમદાવાદ,તા.૨૮
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાદી સાચવી રાખવા હવે ભાજપ દ્વારા નવા રાજકીય દાવપેંચ કરવામાં આવી રહ્યાં છે. હવે અમપાની 2020ની ચૂંટણી અગાઉ જ નવું સિમાંકન કરીને પોતાની સત્તા જાળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જોકે આ તમામ દાવપેચને કારણે હવે અમદાવાદની વસ્તીગણતરીની પ્રક્રિયા ઘોંચમાં પડશે. એકવર્ષ જેટલો વસ્તીગણતરીમાં વિલંબ થશે
અમદાવાદ શહેરની હદમાં નવા વિસ્તારો ભેળવવા અંગે બુધવાર ૨૭ નવેમ્બરના રોજ અમપાની સ્થાયી સમિતિ અને બાદમાં સાંજના સમયે મળેલી અમપાની સામાન્ય સભામાં શાસક ભાજપ દ્વારા નવા વિસ્તારોને અમદાવાદમાં ભેળવવા અંગેની દરખાસ્ત પસાર કરાઈ.આ સાથે જ દર દસ વર્ષે હાથ ધરવામાં આવતા વસ્તી ગણતરીનુ અમદાવાદ શહેરને લાગે વળગે છે ત્યાં સુધી આ કામગીરી એક વર્ષ બાદ હાથ ધરાશે.સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ,નવા સિમાંકનની પ્રક્રીયા પુરી થતા છ મહીના નીકળી જશે.આ દરમિયાન ઓકટોબર -૨૦૨૦માં અમપાની સામાન્ય ચૂંટણી અંગેનુ જાહેરનામુ પણ બહાર પડી ગયુ હશે.ઓકટોબરના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રીયા પુરી કરાશે.નવેમ્બર-૨૦૨૦માં રાજકીય પક્ષ સત્તાના સૂત્રો સંભાળશે.વિવિધ હોદ્દેદારો અને કમિટીઓના ચેરમેન-ડેપ્યુટી ચેરમેનની નિમણૂંક કરાશે.બાદમાં વસ્તી ગણતરી કાર્ય હાથ ધરાય એવી સંભાવના અમપા અધિકારી સૂત્રો દ્વારા વ્યકત કરાઈ છે. સ્થાયી સમિતિની બેઠક મળી જેમાં અમદાવાદ શહેરની હદમાં નવા વિસ્તારો ભેળવવા તાકીદની દરખાસ્ત રજૂ કરી.સ્થાયી સમિતિમાં વિપક્ષનો એકપણ સભ્ય ન હોવાથી દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરી દેવાઈ.બાદમાં સાંજે મળેલી અમપાની સામાન્યસભામાં અધ્યક્ષ અને મેયર બિજલ પટેલ દ્વારા આ બાબતને ખાસ દરખાસ્ત તરીકે ગૃહની મંજુરી માટે મુકાઈ હતી.
બુધવારે મંજુર કરાયેલી દરખાસ્ત રાજય સરકારની મંજુરી માટે મોકલાઈ છે.સરકારની મંજુરી બાદ અમદાવાદ શહેરમાં નવા ભેળવવામાં આવનારા વિસ્તારો અંગે જાહેરનામુ બહાર પડાશે.જાહેરનામુ બહાર પડાયા બાદ સરકાર દ્વારા વાંધા-સૂચનો મંગાવાશે.વાંધા-સુચનો ચકાસાયા બાદ શહેરી વિકાસ વિભાગ તરફથી અમદાવાદ શહેરના તમામ વોર્ડમાં નવા સિમાંકનની પ્રક્રીયા હાથ ધરાશે.નવા સિમાંકનની પ્રક્રીયામાં ભાજપ-કોંગ્રેસ સહીતના વિવિધ રાજકીય પક્ષો પાસેથી તેમના સુચનો અને અભિપ્રાય મંગાશે.શ્રેણીબધ્ધ બેઠકો કરાશે.
આ પ્રક્રીયા પુરી થયા બાદ જો બધુ સમુસુતરુ પાર પડશે તો નવા સિમાંકનની જાહેરાત કરાશે. આ તમામ પ્રક્રીયા પુરી થવામાં ત્રણ મહીના જેટલો સમય લાગશે એમ અધિકારી સૂત્રોનુ કહેવુ છે.આગામી વર્ષ એ અમપાની ચૂંટણીનુ હોઈ માર્ચ કે એપ્રિલ સુધીમાં આ સામાન્ય ચૂંટણી અંગેનુ જાહેરનામુ રાજય સરકાર દ્વારા બહાર પાડી દેવાય એવી સંભાવના તંત્રના અધિકારીઓ જાઈ રહ્યા છે.એક વખત જાહેરનામુ બહાર પડયા બાદ તમામ પ્રક્રીયા સ્થગિત કરવી પડે.જેથી અમદાવાદ શહેરની વસ્તી ગણતરી આ તમામ પ્રક્રીયા પુરી થયા બાદ જ હાથ ધરી શકાશે.
૭૦ સ્કેવર કીલોમીટરનો વિસ્તાર અમદાવાદમાં ભળશે
અમપા દ્વારા બુધવારે શહેરની હદમાં નવા વિસ્તારો ભેળવવા સંબંધે દરખાસ્ત મંજૂર કર્યા બાદ અમદાવાદ શહેરની હદમાં નવા ૭૦ સ્કવેર કીલોમીટરના વિસ્તારો ભળશે.આ સાથે જ અમપાની હદ હાલ જે ૪૬૬ સ્કેવર કીલોમીટર વિસ્તાર છે એ વધીને ૫૩૦ સ્કવેર કીલોમીટર સુધીની વધશે.
અમદાવાદ શહેરની હદ કેટલે? ગાંઘીનગર દેખાય એટલે..
અમપાની હદમાં નવા વિસ્તારોના સમાવેશ અંગે અપાયેલી મંજુરી બાદ હવે નવા સિમાંકન બાદ અમદાવાદ શહેરમાં એક નગરપાલિકા અને ૧૪ ગ્રામ પંચાયતોના વિસ્તારોનો સમાવેશ કરાશે.આ કારણથી હવે અમદાવાદ હવે રણાસણ,સુઘડ,ભાટ અને કોટેશ્વર સુધીનુ ઓળખાશે.આવનારા દિવસોમાં અમદાવાદ અને ગાંઘીનગર શહેરો બે જાડીયા શહેર જેવા બની જશે.
કેટલા પ્લોટો વિકાસ માટે મળશે?
અમપા દ્વારા બુધવારે મંજૂર કરાયેલી દરખાસ્ત બાદ અમદાવાદ મહાનગર પાલિકાને સમાવવામાં આવનારા નવા વિસ્તારોના કુલ મળીને ૨૦૧ પ્લોટ વિકાસ માટે મળશે.જેમાં સૌથી વધુ સનાથળના ૫૫ પ્લોટો,ખોડીયારના ૩૭ પ્લોટો અને ખોરજના ૩૨ પ્લોટોનો સમાવેશ થાય
ભારે હોબાળા બાદ દરખાસ્ત બહુમતીએ મંજૂર કરાઈ..
વિપક્ષનેતા દીનેશ શર્મા દ્વારા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પર કરાયેલા માહીતી છુપાવવા અંગેના આક્ષેપો અને બાદમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને દીનેશ શર્મા વચ્ચે થયેલી શાબ્દીક તડાફડીની વચ્ચે મેયર બિજલ પટેલે અધ્યક્ષ સ્થાનેથી તમામ કામોની સાથે અમદાવાદ શહેરની હદમાં નવા વિસ્તારો ભેળવવા અંગેની ખાસ દરખાસ્ત પણ બહુમતીથી મંજૂર કરી દીધી હતી.
બદરૂદીને કરેલી દરખાસ્તનો ફાયદો ભાજપે ઉઠાવ્યો
કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરૂદીન શેખે અમદાવાદ શહેરને બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિભાજન કરવાની માગણી કરતી એક દરખાસ્ત બુધવારે મળેલી અમપાની સામાન્ય સભાના બોર્ડના એજન્ડા પર મુકી હતી.શાસક ભાજપે બદરૂદીનની આ દરખાસ્તનો ફાયદો ઉઠાવી સામા એન્કાઉન્ટરના ભાગરૂપે કોંગ્રેસને ઉંઘતુ રાખી બુધવારે એક જ દીવસમાં પહેલા સ્થાયી સમિતિમાં તાકીદની દરખાસ્ત અને ત્યારબાદ સાંજે અમપાની સામાન્ય સભામાં ખાસ દરખાસ્ત બહુમતીથી પસાર કરી દેતા બદરૂદીનના કારણે કોંગ્રેસને નીચાજાણુ કરવાનો સમય આવ્યો હતો.
મોવડીઓને પુછી નિર્ણય કરીશુઃદીનેશ શર્મા
ભાજપે ભારે હોબાળા બાદ અમદાવાદ શહેરની હદમાં નવા વિસ્તારો ભેળવવા બહુમતીથી પસાર કરેલી દરખાસ્ત અંગે વિપક્ષનેતા દીનેશશર્માએ એક વાતચીતમાં કહ્યુ,કોંગ્રેસ પક્ષે શું કરવુ આ અંગેનો નિર્ણય મોવડીમંડળના નેતાઓની સલાહ લઈને કરીશુ.
૫૦ વોર્ડ અને ૨૦૦ કોર્પોરેટરો થશે અમદાવાદ શહેરના
અમપામાં હાલ ૪૮ વોર્ડ અને ૧૯૨ કોર્પોરેટરો છે.નવા વિસ્તારો કે જેમાં બોપલ ઘુમા ,ઝુંડાલ, કોટેશ્વર, ભાટ, ચિલોડા, નરોડા(સિટી),કઠવાડા, અમીયાપુર,ખોરજ,ખોડીયાર,સનાથળ,વિસલપુર,અસલાલી,ગેરતનગર,સુઘડ,રણાસણનો સમાવેશ થાય છે.અમપાના અધિકારી સુત્રોનુ કહેવુ છે કે,હાલની વોર્ડ અને કોર્પોરેટરોની વ્યવસ્થામાં ખાસ કોઈ અસર થશે નહીં.નવા સિમાંકન બાદ પણ અમપામાં બે વોર્ડ અને આઠ કોર્પોરેટરો વધશે.
બોપલ-ધુમા એક વોર્ડ બનશે..
નવા સિમાંકનમાં બોપલ-ઘુમાને એક વોર્ડમાં અને કોટેશ્વર-ભાટને એક વોર્ડમાં સમાવવાની વિચારણા હાથ ધરાઈ શકે છે એમ કહી અમપાના અધિકારીનુ કહેવુ છે કે,એક નગરપાલિકા અને ૧૪ ગ્રામ પંચાયત વિસ્તાર અમદાવાદમાં ભળવાથી હવે અમદાવાદની હદ છેક ગાંધીનગર સુધી પહોંચી જશે.
બોપલને ૧૮ વર્ષે ન્યાય મળ્યો
બોપલને વર્ષ-૨૦૦૧ના વર્ષથી જે સમયે નગરપાલિકાનો દરજજા અપાયો હતો તે સમયથી સમય સમય પર અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં ભેળવવાની સંભાવનાઓ વ્યકત કરાતી હતી.જે ૧૮ વર્ષ બાદ હવે પુરી થશે.
મહાનગર પાલિકાનુ સામાન્ય બજેટ ફેબ્રુઆરી સુધીમાં મંજુર કરાશે
નવા વિસ્તારો ભેળવવાની કાર્યવાહી અને બીજી ઓકટોબર-૨૦૨૦માં આવી રહેલી અમપાની સામાન્ય ચૂંટણી છતાં વર્ષ-૨૦૨૦-૨૧નુ અમદાવાદ મહાનગર પાલિકાનુ સામાન્ય બજેટ નિયમ અનુસાર ડીસેમ્બર અંત સુધીમાં કે જાન્યુ આરી ના પહેલા અઠવાડીયામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજુ કરાશે અને ફેબ્રુઆરીમાં બજેટ બોર્ડ દ્વારા મંજુર કરાશે.બજેટ પ્રક્રીયા પર ચૂંટણી કે નવા વિસ્તારો ભેળવવાની કોઈ અસર નહીં પડે એમ અમપા નાણાં વિભાગના એક અધિકારીએ કહ્યુ છે.