વાંકાનેરમાં કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ પણ મહિલાને ગર્ભ રહ્યો

મોરબી,તા:૦૩  વાંકાનેરના ગારિયા ગામની શ્રમિક પરિવારની મહિલાએ બે સંતાનો બાદ દોઢ વર્ષ પહેલાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. માંડ રોજગારી મેળવી ગુજરાન ચલાવનારાં દંપતીએ બંને બાળકોના ભવિષ્યને સુંદર કરવા આ પગલું ભર્યું હતું. જો કે આ ઓપરેશન બાદ પણ મહિલા ગર્ભવતી બનતાં સરકારી હોસ્પિટલની કામગીરી પર સવાલ ઊભા થયા છે.

વારિયા ગામે રહેતા શ્રમિક દંપતીએ બે બાળકોના જન્મ બાદ વાંકાનેરના સરકારી દવાખાનામાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ એક વર્ષ સુધી મહિલાને કોઈ તકલીફ નહોતી રહી, પરંતુ એકાએક તેના પેટમાં દુખાવો ઉપડતાં મહિલાએ ખાનગી હોસ્પિટલમાં આ અંગે તપાસ કરાવી હતી. જેમાં મહિલાને 3 માસનો ગર્ભ રહ્યો હોવાનું જણાયું હતું. ગર્ભમાં બાળકના વિકાસને જોતાં મહિલાનો ગર્ભપાત થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી હવે નાછૂટકે મહિલાએ બાળકને જન્મ આપવો પડી રહ્યો છે.

આ અંગે સરકારી દવાખાનામાં ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. વાંકાનેરના સરકારી દવાખાનામાં ખાનગી હોસ્પિટલ ધરાવતા ડો.દીપક નરોલા એમઓયુ કરીને કુટુંબ નિયોજનનાં ઓપરેશન કરે છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે સરકારી હોસ્પિટલ અને ડો. દીપક નરોલાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો.