ગાંધીનગર, તા. 12
ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ 9મી સપ્ટેમ્બરે ગીરનાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. તેમનાં બચાવમાં રાજ્ય સરકાર તો મેદાનમાં આવી ગઈ છે પણ તેમનું જંગલ વિભાગ પણ હવે વાઘાણીનાં આ ગુનાને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો સ્થાનિક લોકો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સ્વ. અમિત જેઠવાના પિતા ભીખુભાઈ જેઠવા દાવો કરી રહ્યા છે કે વાઘાણી પ્રતિબંધિત વિસ્તારમાં જ ગયા હતા.
જૂનાગઢ સીસીએફ શું કહે છે?
આ મામલે જૂનાગઢનાં સીસીએફ દૂષ્યંત વસાવડા કહે છે કે, ગીરનો જંગલ વિસ્તાર છે એ પ્રતિબંધિત વિસ્તાર છે. પરંતુ આ જંગલમાં કેટલાક રૂટ એવા પણ છે કે જે સામાન્ય લોકો માટે 24 કલાક ખુલ્લો હોય છે. તેઓ કહે છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી વિસાવદરથી મેંદરડાનાં રૂટ પર ગયા હતા જે સામાન્ય લોકો માટે 24 કલાક ખૂલ્લી રહે છે. અને આ રૂટમાં જ તેઓ ગયા હોવાનું કહીને તેમનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સ્થાનિક લોકો અને ભીખુભાઈ શું કહે છે?
પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીનાં જંગલ વિસ્તારમાં પ્રવેશનાં વિવાદને લઈને અમે કેટલાંક સ્થાનિક લોકો તેમ જ આરટીઆઈ એક્ટિવિસ્ટ સ્વ. અમિત જેઠવાનાં પિતા ભીખુભાઈનો સંપર્ક સાધતાં તમામ લોકોનું કહેવું છે કે, વાઘાણીએ જે સવારી કરી છે તે વન વિભાગની જીપ્સી છે અને તેઓ જે વિસ્તારમાં છે તે પણ ગીરનો પ્રતિબંધિત વિસ્તાર છે. ભીખુભાઈએ તો એટલે સુધી કહ્યું કે, વિસાવદરથી મેંદરડાના રૂટની જે જંગલ વિભાગ વાત કરે છે તે ડામરનો રોડ છે અને જિતુભાઈ જંગલનાં કાચા રસ્તા પર દેખાય છે. ત્યારે જંગલ વિભાગના દાવા તદ્દન પોકળ છે.