વિકલાંગ શખ્સે લોન અપાવવાના બહાને અનેક ને છેતર્યા

રાજકોટ તા. ૩૦: ગાંધીગ્રામ ગૌતમનગરમાં રહેતા વિકલાંગ શખ્સે  જાહેર ખબર છપાવી જરૂરીયાતમંદો સાથે રોકડની ઠગાઇ કરતા એ ડીવીઝન પોલીસે  ગુનો નોંધી આ શખ્સની ધરપકડ કરી છે. તેણે લોનના નામે સાતથી વધુ લોકોને છેતર્યાનું ખુલતા પોલીસે તેના રીમાન્ડ મેળવી તપાસ શરુ કરી છે. જામનગર પટેલ  કોલોની અરિહંત રેસીડેન્સી માં રહેતા અને હાલ કુવાડવા જીઆઇડીસીમાં  કારખાનામાં સીકયુરીટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા રઘુવીરભાઇ  વ્યાસ એ અખબારમાં ‘લોન માટે મળો’ તેવી જાહેરાત વાંચી ગાંધીગ્રામ ગૌતમનગર-૭માં રહેતા  વિકલાંગ મહેશ ઇન્દુભાઇ વાછાણીનો સંપર્ક કર્યો હતો.  આ શખ્સે ચાર લાખની લોન અપાવી દેવાનો વિશ્વાસ આપી રૂ. ૧૦ હજાર મેળવી લઇ બાદમાં લોન  અપાવી ન હતી.   તપાસ  કરતાં આ શખ્સે અન્ય એક વ્યકિત પાસેથી પણ આ રીતે છ  હજાર લઇ લીધા હોવાનું  ખુલતા રઘુવીરભાઇ વ્યાસે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તેની  ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતાં મહેશ વાછાણીએ સાતથી વધુ લોકોને લોનના નામે છેતર્યાનું બહાર આવ્યું  છે.પોલીસે તેની પાસેથી ૧ર અલગ અલગ બેંકના ૧પ ચેક તથા એક બાઇક, બે ડીઝીટીંગ કાર્ડ કબ્જે કર્યા હતા. આ શખ્સ લોકો પાસેથી પ્રોસેસીંગ ચાર્જના નામે પૈસા લઇ અને ચેક લઇ લેતો હતો.