વિકાસના કાર્યોની મોટી સિદ્ધિ રૂપે તાલુકામાં એક જ દિવસમાં રૂ. 113 કરોડના કામોનું ખાતમુહૂર્ત

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શિક્ષણ પ્રધાને રૂ.૮૪.૦૦ કરોડના ખર્ચે બગોદરા-ધોળકા-રસીકપુરા-ખેડા સ્ટેટ હાઇવે પેવર રોડ, રૂ. ૧૪.૦૦ કરોડના ખર્ચે સહીજ-વૌઠા સ્ટેટ હાઇવે પેવર રોડ અને રૂ. ૨.૫૮ કરોડના ખર્ચે ધોળકાના કલીકુંડ ખાતે તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત ધોળકા શહેર ભુગર્ભ ગટર યોજના અંતર્ગત રૂ. ૧૨.૮૭ કરોડના ખર્ચે બનાવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આમ ધોળકાના વિકાસ માટે અંદાજે રૂ. 100 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું.

શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વિકાસ, પ્રગતિ અને ઉન્નતિ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ધોળકામાં રાજ્ય સરકાર અને ધોળકા નગરપાલિકાના સહયોગથી તમામ પ્રકારની સુવિધાઓ પ્રજાજનોને પૂરી પાડવામાં આવી રહી છે. આ સાથે ધોળકામાં તબક્કાવાર વિકાસના કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે.

ધોળકા તાલુકામાં વિકાસ થવાથી આજુબાજુના વિસ્તારોના લોકોને પણ ઘણો લાભ મળશે. ધોળકાના વિકાસમાં રાજ્ય સરકાર દ્વારા એક હરળફાળ ભરવામાં આવી છે. ધોળકા તાલુકામાં એક જ દિવસમાં રૂ. ૧૧૩.૦૦ કરોડના વિકાસ કાર્યો કરવા એક મોટી સિદ્ધી છે.

ધોળકા તાલુકામાં પ્રજાજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે, તેની સાથે પાણીના નિકાલની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. આ વ્યવસ્થાના ભાગરૂપે ધોળકામાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ મારફતે ધોળકા તાલુકાના ગટરોનું પાણી શુદ્ધિકરણ થઇને સાબરમતી નદીમાં ઠલવાશે. આ પાણીનો ઉપયોગ ખેડૂતો ખેતીમાં પણ કરી શકશે. આ સાથે ઉદ્યોગમાં જે પાણી વાપરવામાં આવે છે તેના સ્થાને આ પ્લાન્ટમાં શુદ્ધ થયેલા પાણીનો ઉપયોગ કરી શકાશે.

ધોળકા તાલુકામાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઇને બગોદરા-ધોળકા-રસીકપુરા-ખેડા સ્ટેટ હાઇવે બનાવવામાં આવી રહ્યો છે. આ સાથે રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે ધોળકા તાલુકામાં સ્પોર્ટ્સ સંકુલ પણ તૈયાર કરવામાં આવ્યું છે.