વિક્રમ ઠાકોર પાટણ બેઠક પરથી ભાજપમાં ચૂંટણી લડશે ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ(સુના સો ચુના) : 2019 ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકસભાની સીટ માટે વિવિધ રાજકીય ચૉકઠાઓ ગોઠવાઇ રહ્યા છે. અગાઉ ભાજપે 26 સીટ જીતી હતી, પરંતુ આ વખતે ભાજપ માટે છવ્વીસ સીટ મેળવવા માટે કપરા ચઢાણ છે. એમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાટણ સીટ માટે કોને મેદાનમા ઉતારવું એ ભાજપ માટે ચિંતાનો વિષય છે. ત્યારે કોંગ્રેસમાંથી પાટણ લોકસભા સીટ ઉપર અલ્પેશ ઠાકોર લગભગ નિશ્ચિત મનાઇ રહ્યા છે, ત્યારે આ સિટ જીતવા માટે ભાજપ પાટણ બેઠક ઉપર ગુજરાતી નામાંકિત કલાકાર ને મેદાનમાં ઉતારે તેવી અટકળોએ જોર પકડ્યું છે.

ચર્ચાતી વિગતો મુજબ પાટણ લોકસભા સીટ પર હાલમાં નામાંકિત ગુજરાતી કલાકાર  એવા વિક્રમ ઠાકોર અને કિંજલ દવે નું નામ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ કિંજલ દવે ઉંમર ને કારણે ચૂંટણી લડી શકે એમ નથી, તેથી બીજા ઓપ્શન માત્ર વિક્રમ ઠાકોર જ રહ્યા છે ત્યારે આ સીટ પર જીત ની પરંપરા જાળવી રાખવા માટે ભાજપ વિકમ ઠાકોર ને જ મેદાનમાં ઉતારશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે અગાઉ પણ આ સીટ પર ભાજપ દ્વારા મહેશ કનોડિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને આ સીટ જીતી હતી.

આમ પાટણ સીટ ઉપર અગાઉથી જ કલાકારોનો દબદબો રહ્યો છે, ત્યારે હવે ભાજપ માટે કોંગ્રેસના અલ્પેશ ઠાકોર સામે અન્ય કોઈ સક્ષમ ઉમેદવાર ન હોઇ માત્ર વિક્રમ ઠાકોર એ ભાજપ માટે એક આશાનું કિરણ બની શકે છે. મીડિયા સાથેની વાતચીતમાં વિક્રમ ઠાકોરે ચૂંટણી લડવા માટે કોઈ સંમતિ દર્શાવી ન હતી. છતાં પણ ભાજપ માટે આ સીટ પ્રતિષ્ઠાનો વિષય બની છે, ત્યારે ભાજપ કોઈપણ સંજોગોમાં આ સીટ મેળવવા માટે કટિબદ્ધ બની છે, ત્યારે વિક્રમ ઠાકોરને મેદાનમાં ઉતારે તો કદાચ ભાજપ માટે આ સીટ જીતવી આસાન થઈ શકે છે.

પાટણ સીટ ઉપર અગાઉથી જ ઓબીસી મતદારોનું પ્રભુત્વ રહ્યું છે.તેથી આ સીટ જીતવા માટે ભાજપે એવા ઉમેદવારને ઉતારવા જરૂરી છે કે જે ઓબીસી મતો ને ભાજપ તરફ ખેંચી શકે. જોકે ચર્ચાતી વિગતો મુજબ અગાઉ પણ ભાજપ દ્વારા વિક્રમ ઠાકોરને ચૂંટણીમાં ઉતારવાના પ્રયત્નો થયા હોવાનું મનાય છે, પણ વિક્રમ ઠાકોરે ચૂંટણી લડવાની કોઈ તૈયારી દર્શાવી નથી.ત્યારે આવનાર સમયમાં આ સીટ માટે ભાજપ કયા પ્રકારની રણનીતિ તૈયાર કરે છે તે જોવું રહ્યું.