વિજયનગર, તા.૧૯
વિજયનગર તાલુકામાં બુધવારે બપોરે વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદના કારણે વિજયનગર કોડિયાવાડા માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા વહીવટી તંત્રએ જેસીબીથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
વિજયનગર તાલુકાના પાલપટ્ટાના બાલેટા, કોડિયાવાડા, દઢવાવ અને આતરસુંબા વિસ્તારમાં બપોરના સમયે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મદદનીશ તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યાનુસાર માત્ર 15 થી 20 મિનિટ દરમિયાનમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં ચિઠોડા વિજયનગર રાજ્ય ધોરીમાર્ગ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. જ્યારે આતરસુંબા વિસ્તારમાં પણ 10 થી 15 મિનિટ સુધી ભારે વરસાદ પડતાં અસહ્ય ઉકળાટથી ત્રસ્ત પ્રજાજનોએ રાહત અનુભવી હતી. રસ્તા પર પડેલા વૃક્ષો હટાવવા તંત્રએ જેસીબી મશીન દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.