વિજય રૂપાણી સરકારની મહત્વની જાહેરાત, રાજ્યની 16 RTOની ચેકપોસ્ટ નાબૂદ થશે, લર્નિંગ લાયસન્સ ITIમાં મળશે

ગાંધીનગર,14

રાજ્યની વિજય રૂપાણી સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે, આગામી 20 નવેમ્બરથી રાજ્યમાં આરટીઓની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી દેવામાં આવશે, ચેકપોસ્ટની આવક 330 કરોડ રૂપિયા જેટલી છે જે ઓનલાઇન સ્વીકારવામાં આવશે, ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વાહન માલિકોએ હવે ઓનલાઇન ફી ભરવાની રહેશે, જો તેઓ કોઇ પણ પ્રકારની છેતરપિંડી કરવા જશે તો ફીની રકમ બમણી વસૂલ કરવામાં આવશે, સાથે જ રાજ્યમાં અવર જવર કરતા ઓવરલોડ વાહનના માલિકો સામે પણ કડક કાર્યવાહી કરાશે, www.parivahan.gov.in વેબસાઇટ પર ફી ચૂકવવાની રહેશે, વાહન ચાલકોના માર્ગદર્શન અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર(079)23257808 અને 23251369 આપવામાં આવ્યો છે, સરકારના આ નિર્ણયથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને વાહન ચાલકોને લાંબી લાઇનોમાંથી મુક્તિ મળશે.

આ આરટીઓ ચેકપોસ્ટ બંધ કરાશે

અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈની ચેકપોસ્ટ બંધ કરાશે

લર્નિંગ લાયસન્સની કામગીરી ITI ખાતેથી થશે

વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે લર્નિંગ લાયસન્સની કામગીરી 15મી નવેમ્બરથી રાજ્યની આઇટીઆઇમાં શરૂ કરવામાં આવશે, આ કામગીરી અત્યાર સુધી 36 આરટીઓમાં થતી હતી, જે હવે રાજ્યની 221 આઇટીઆઇ અને 29 પોલીટેકનીકમાં થશે, જેથી લાયસન્સ લેનારાઓ માટે મોટી સરળતા થશે, હવે તેમને આરટીઓમાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે,નોંધનિય છે કે રાજ્યમાં વર્ષે 20 લાખ લર્નિંગ લાયસન્સ નીકળતા હોય છે, જેથી હવે લોકોને સરકારના નિર્ણયથી સરળતા રહેશે.