વિદેશમાં નોકરી-અભ્યાસનું પ્રલોભન આપી શિક્ષિકા પાસેથી રૂ.61.90 લાખની છેતરપિંડી

પાલનપુર, તા.૨૪

વિદેશમાં નોકરી અને અભ્યાસનું પ્રલોભન આપી ચાર શખ્સો દ્વારા શિક્ષિકા પાસેથી રૂ.61.90 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ પાલનપુરની શિક્ષિકા પાસેથી સુરત અને પંજાબના ચાર શખ્સો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે.

પાલનપુરના ન્યૂ એલ.પી. સવાણી રોડ પર રહેતાં વર્ષાબહેન ગુલવાની એક ખાનગી ક્લાસીસમાં નોકરી કરે છે, જેઓ અગાઉ ઘોડદોડ રોડ પરના ઓવરસિસ એજ્યુકેશન ક્લાસીસ ચલાવતા હતા. જેમાં આવતા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની ઈચ્છુક લોકો માટે આઈ.ઈ.એલ.ટી.એસ.ના ક્લાસ પણ ચલાવતાં હતાં. જે બંધ કર્યાના ચારથી પાંચ મહિના બાદ તેઓ વિદ્યાર્થીઓને ફોરેનમાં વર્કિંગ વિઝા, સ્ટુડન્ટ વિઝા અને જોબ અપાવવાનું કામ કરતા મેહુલ અને મિલાપના સંપર્કમાં આવ્યાં હતાં. આ બંને શખ્સોએ તેમને વિશ્વાસમાં લઈને જસનુર અને રાજેશકુમારનો સંપર્ક કરાવ્યો હતો. જે પૈકી જસનુરે એમ્બેસીમાં લાગવગ હોવાનું જણાવી 15 વિદ્યાર્થીના રૂ.56.40 લાખ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા.

આ દરમિયાન એક વિદ્યાર્થીને બાયોમેટ્રિક કરાવવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યો હતો, પરંતુ બાકીના લોકોથી અલગ તે વિદ્યાર્થીની બાયોમેટ્રિ્ક કાર્યવાહી એમ્બેસી ઓફિસની પાછળ જાહેરમાં જસનુરે કરતાં વિદ્યાર્થીને શંકા ગઈ હતી. આ ઉપરાંત વિદેશ મોકલાયેલા બે વિદ્યાર્થીને નોકરી ન મળતાં ભારત પરત બોલવાયા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. આમ આ શખ્સો કુલ રૂ.61.90 લાખની છેતરપિંડી કરાઈ હોવાની વર્ષાબહેન ગુલવાની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.