વિધાનસભામાં માત્ર ચાર વખત જ બહુમત પુરવાર કરવાની જરૂર પડી

કે. ન્યૂઝ, ગાંધીનગર,તા:25

ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી અત્યારસુધીમાં વિધાનસભામાં માત્ર ત્રણ વખત જ બહુમતિ પુરવાર કરવાની નોબત આવી છે. આ સિવાય વર્ષોથી બહુમતીવાળી સરકારો હોવાના કારણે વિધાનસભામાં બહુમત પુરવાર કરવાનો વારો કોઈ પણ સરકારને આવ્યો નથી.

1990 સુધી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ નથી થયો

વર્ષ 1960માં મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના થઈ. તેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. પરંતુ સ્વરાજની લડતમાં મુખ્ય પક્ષ કોંગ્રેસ હોવાના કારણે ગુજરાત કોંગ્રેસ ઘણી મજબૂત હતી. પરિણામે કોંગ્રેસના નેતૃત્વમાં ગુજરાતમાં એક પક્ષપ્રભાવ પ્રથાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. અને અલગ રાજ્ય બન્યા પછી પૂર્ણ બહુમતવાળી કે ચૂંટણી અગાઉના જોડાણવાળી સરકારો આવી અને તે સ્થિર અને મજબૂત રીતે પાંચ વર્ષ સુધી ચાલી. પરંતુ 1973માં ઘનશ્યામ ઓઝાના નેતૃત્વમાં ચાલી રહેલી સરકાર સામે ચીમન પટેલે બંડ પોકારીને કોંગ્રેસના ધારાસભ્યોને ફોડી લીધા હતા અને તે સમયે 168 બેઠકો ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસના 140 ધારાસભ્યો હતા જે પૈકીના લગભગ 70 ધારાસભ્યોએ ચીમન પટેલને સમર્થન આપતાં ઘનશ્યામ ઓઝાએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તે સમયે ગુજરાતના રાજકારણમાં કટોકટી હોવા છતાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાની નોબત નહોતી આવી કેમ કે, ચીમન પટેલે કોંગ્રેસના 70 ધારાસભ્યો ઉપરાંત અન્ય ધારાસભ્યોનો ટેકો લઈને જોડાણ કરીને સરકાર રચતાં તેને બહુમત પુરવાર કરવાની જરૂરિયાત નહોતી પડી. ત્યારબાદ પણ ગુજરાતમાં જનતા મોરચો, જનતા પક્ષ, જનતાદળ (ગુ)-ભાજપ, જનતાદળ (ગુ)-કોંગ્રેસની મિશ્ર સરકારો આવી અને તેણે પાંચ વર્ષ સુધી રાજ કર્યુ.

ફ્લોર ટેસ્ટની શરૂઆત

1990માં જનતાદળ (ગુ) અને ભાજપના ઘડિયા લગ્ન તૂટી ગયાં બાદ જનતાદળ (ગુ)ના સર્વેસર્વા એવા મુખ્યપ્રધાન ચીમન પટેલે કોંગ્રેસ સાથે જોડાણ કર્યું અને તે સમયે પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યો અને તેમાં જનતાદળ (ગુ) અને કોંગ્રેસની સરકારે બહુમત પુરવાર કરીને સત્તા જાળવી રાખી હતી. ત્યારબાદ 1993માં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થતાં ફરી એકવાર ફ્લોર ટેસ્ટ કરવો પડ્યો હતો. પરંતુ 1995માં ભાજપની પૂર્ણ બહુમત ધરાવતી સરકાર આવી અને તે સમયે કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન બન્યા અને તેમણે છ મહિના સુધી રાજ કર્યું પરંતુ શંકરસિંહ વાઘેલાએ બગાવત કરતાં ભાજપના મોવડીમંડળે કેશુભાઈના સ્થાને સુરેશ મહેતાને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. પરંતુ આ સરકાર પણ લાંબો સમય ન ચાલતાં છેવટે શંકરસિંહ વાઘેલાએ સરકાર તોડી પડાવી હતી અને પછી 1996માં 23મી ઓક્ટોબરે મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે વિધાનસભામાં કોંગ્રેસના ટેકા સાથે પોતાની બહુમતી પુરવાર કરી હતી. પરંતુ બાપુની સરકાર પણ ઝાઝો સમય સત્તા પર ટકી ન શકી અને છેવટે તેમણે મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપીને દિલિપ પરીખને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા તે સમયે પણ વધુ એક વખત ફ્લોર ટેસ્ટ કરવો પડ્યો હતો. જોકે આ સરકાર 1 જ વર્ષમાં તૂટી પડતાં રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણી આવી. મધ્યસત્ર ચૂંટણીમાં ફરી એકવાર ભાજપની સરકાર બની અને કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન બન્યા. ગુજરાતમાં 1997 બાદ ક્યારેય ફ્લોર ટેસ્ટની જરૂર નથી પડી કેમ કે, રાજ્યમાં પૂર્ણ બહુમત સાથે જ સરકાર બનાવવામાં આવી છે.

મહારાષ્ટ્ર જેવી જ પરિસ્થિતિ 1998માં ઉત્તર પ્રદેશમાં સર્જાઇ હતી

સોમવારે સવારે સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્રના ગૂંચવાયેલા રાજકીય કોકડાની સુનાવણી કરી ત્યારે આવો જ એક કિસ્સો 1990ના દાયકાના  ઉત્તરાર્ધમાં બન્યો હતો એ નોંધવા જેવો છે. ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતા કલ્યાણ સિંઘને બદલે ત્યારના ઉત્તરપ્રદેશના ગવર્નર રોમેશ ભંડારીએ કોંગ્રેસના જગદંબિકા પાલને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. કલ્યાણ સિંઘે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. સુપ્રીમ કોર્ટે કલ્યાણ સિંઘને બહુમતી પુરવાર કરવાનો આદેશ આપ્યો હતો. આ બહુમતી દરમિયાન કલ્યાણ સિંઘને 226 મતો મળ્યા હતા જ્યારે જગદંબિકા પાલને 196 મતો મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે રાજ્યના સ્પીકરની આકરી ટીકા કરી હતી અને સ્પીકરે લીધેલા પક્ષપાતી વલણ બદલ સ્પીકરને ખખડાવ્યા હતા.  કલ્યાણ સિંઘની સરકાર રચાઇ હતી. ગવર્નર રોમેશ ભંડારીની પણ કોર્ટે ટીકા કરી હતી કે પૂરતી તપાસ વિના ગવર્નરે કલ્યાણ સિંઘની સરકારને બરખાસ્ત કરી હતી.