વિમા એજન્ટને નાણાની જરૂરીયાત ઉભી થતાં વ્યાજના ચક્રમાંથી બહાર આવવાના ફાંફા

રાજકોટ તા. ૨૧: વ્યાજખોરીને કારણે એક પરિવાર બરબાદ થયું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં  આવ્યો છે. વિમાનું કામ કરતાં  તરીકે કામ  કરતા પ્રૌઢે પૈસાની જરૂરિયાત લાગતાં પાંચ વર્ષમાં અલગ અલગ  લોકો પાસેથી થોડા થોડા કરી  ૧૫ લાખ, ૬ લાખ અને ૧૦ લાખ રૂપિયા લીધા હતાં. આ રકમ સામે લાખોનું વ્યાજ ચુકવ્યા બાદ પણ વધુ વ્યાજ માંગી ધાકધમકી આપી તેમજ પ્રૌઢ તથા તેમના ભાઇના નામની ઓફિસનું બળજબરીથી લખાવી લઇને ગાળો દઇ ધમકી આપવાની ફરિયાદ થઇ છે. બનાવ અંગે ભકિતનગર પોલીસે અતુલભાઇ મનહરભાઇ મજીઠીયા (ઉ.૪૯)ની ફરિયાદ પરથી બિપીન બુધ્ધદેવ, ઉમેશ દત્તાણી તથા સંજયસિંહ સામે આઇપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), મનીલેન્ડ એકટ ૪૦, ૪૨ (એ) (ડી) હેઠળ ગુનો નોંધ્યો છે. અતુલ મજીઠીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે વીમા એજન્ટ તરીકે કામ કરે છે. પૈસાની જરૂરિયાત ઉભી થતાં બિપીન બુધ્ધદેવ પાસેથી રૂ. ૧૫ લાખ ૩ ટકા વ્યાજેથી લીધા હતાં. તેની પાસે ધીરધારનું લાયસન્સ પણ નથી. આ રકમ સામે તેને રૂ. ૨૨,૫૫,૦૦૦ ચુકવી દીધા હતાં. તેમ છતાં તેણે બળજબરીથી વિજય કોમર્શિયલ બેંકના કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. આ ઉપરાંત ઉમેશ દત્તાણી પાસેથી રૂ. ૬,૫૦,૦૦૦ ૨૦૧૭માં ૨ ટકા વ્યાજેથી લીધા હતાં. તેની સામે તેને રૂ. ૫૦ હજાર વ્યાજના ચુકવ્યા છે. તેમજ આજથી ચાર મહિના પહેલા ઓળખીતા એવા સંજયસિંહ ઉર્ફ ચીન્ટુ ઝાલા પાસેથી રૂ. ૧૦ લાખ વ્યાજે લીધા હતાં. તેને વ્યાજ પેટે રૂ. બે લાખ ચુકવી દીધા છે. આમ છતાં વધુ ૧૫ લાખની ઉઘરાણી કરે છે. આ ઉપરાંત અતુલભાઇ અને તેના ભાઇ ચેતનભાઇના નામની ઓફિસનું સંજયસિંહે પોતાના સગા શકિતસિંહ જાડેજાના નામનું સાટા ખત કરાવડાવી લઇ ઓફિસ પણ પડાવી લીધી હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. આ ઉપરાંત વધુ વ્યાજની ઉઘરાણી કરી ફોન પર ગાળો દઇ તેમજ ઘરે આવી મારી નાંખવાની ધમકી અપાતાં હોઇ ડરી  ગયેલા અતુલભાઇ મજીઠીયાએ અંતે પોલીસને જાણ કરતાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.