વિશ્વના સુરક્ષિત શહેરોમાં ગુજરાતનું કોઈ શહેર નહીં

અમદાવાદ,શુક્રવાર

‘સલામત ગુજરાત’ની ગુલબાંગો પોકારાઈ રહી છે, પણ જોવાનું એ છે કે વિશ્વનાં સલામત કહેવાતાં 100 શહેરોમાં ક્યાંય પણ ગુજરાતનું કોઈ શહેર નથી, અરે ત્યાં સુધી કે મુંબઈ અને દિલ્હી સિવાય દેશનાં અન્ય શહેરો પણ સલામત કહેવાતા માનક પર ખરા નથી ઉતરતાં.

ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે 2019 માટે દુનિયાનાં 100 સૌથી સુરક્ષિત શહેરોની યાદી જાહેર કરી છે, જે ડિજિટલ, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્સનલ સિક્યોરિટીના માનકોને આધારે તૈયાર કરવામાં આવી છે. આ માનકોને આધારે માત્ર મુંબઈ અને દિલ્હીને 100 શહેરોની યાદીમાં સ્થાન મળ્યું છે. જેમાં મુંબઈનું સ્થાન 45મું અને દિલ્હીનું સ્થાન 52મું છે.

સૌથી સુરક્ષિત ટોપ-10 શહેરોમાં જાપાનનું ટોકિયો પ્રથમ ક્રમે છે, જ્યારે અન્ય શહેરોમાં જાપાનનું જ ઓસાકા, એમ્સટર્ડમ, સિડની, ટોરેન્ટો, વોશિંગ્ટન ડીસી, કોપનહેગન, દક્ષિણ કોરિયાનું સિયોલ અને મેલબર્નનો સમાવેશ થાય છે. એટલે કે ટોપ-10 શહેરોમાં જાપાનના 2 અને ઓસ્ટ્રેલિયાનાં 2 શહેરોએ તેમનું સ્થાન બનાવ્યું છે. યાદી જોવા જઈએ તો એશિયા પેસિફિકનાં 6 શહેરો ટોપ-100ની યાદીમાં સ્થાન બનાવી શક્યાં છે.