વિશ્વના 9000 શહેરો પૈકી ગુજરાતના આઠ શહેરો જીકોમ સાથે સામેલ

વિશ્વના 9000 શહરોના મેયરોએ જીકોમ અંતર્ગત ક્લાયમેટ ચેન્જ તેમજ સ્વચ્છ ઉર્જા સ્ત્રોતના ક્ષેત્રે કામ કરવાનું નક્કી કર્યું છે. રાજ્યના આઠ મહાનગરો જીકોમ નેટવર્કમાં સામેલ થયા છે. આ શહેરોએ કોવોનન્ટ ઓફ મેયર ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ એનર્જી અંગેના એમયુઓ સાઇન કર્યા છે.

જીકોમ નેટવર્કના કારણે રાજ્યના શહેરોને વિશ્વના અન્ય શહેરોની બેસ્ટ પ્રેકટીસીસ-આનુષાંગિક ટેકનીકના આદાનપ્રદાનનું પ્લેટફોર્મ મળશે અને નાણાકીય સહાયની જાણકારી મળશે, રાજ્ય સરકાર 2020 સુધીમાં રૂફટોપ પોલિસી પ્રમાણે બે લાખ ઘરોમાં સોલાર ઉર્જા ઉત્પાદિત કરવાનું લક્ષ્ય રાખે છે.

રાજ્યમાં પર્યાવરણની જાળવણી થાય અને પ્રદૂષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે યુરોપીયન યુનિયનના ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશન સાથે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના મેયરો-કમિશનરો તથા કલાઇમેટ ચેન્જ વિભાગ વચ્ચે ગ્લોબલ કોવોનન્ટ ઓફ મેયર ફોર કલાઇમેટ ચેન્જ એનર્જી સંદર્ભે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ,પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં સમજૂતી કરાર થયા હતા

કોવોનન્ટ ઓફ મેયર્સ ઓફ ગુજરાત ફોર કલાયમેટ ચેન્જ એન્ડ એનર્જી (જીકોમ) નેટવર્કમાં વિશ્વના 9000 શહેરો છે જેમાં ગુજરાતના શહેરોને પણ ગૌરવ મળ્યું છે. આ નેટવર્ક હેઠળ રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરને સસ્ટેનેબલ અને લો કાર્બન અર્બન ડેવલપમેન્ટ અંગેના પ્રયાસોને વેગ મળશે.

જીકોમના નેટવર્કમાં ઇયુ-આઇયુસી ઇન્ડિયા દ્વારા ગુજરાતના શહેરોને વિશ્વના અન્ય શહેરોની બેસ્ટ પ્રેકટીસીસની માહિતી અને આનુષાંગિક ટેકનોલોજી અને નાણાંકીય સહાયથી જાણકારી મળશે તથા શહેર કક્ષાએ કલાયમેટ ચેન્જ અંતર્ગત સંસ્થાકીય માળખાના નિર્માણ માટે પણ માગદર્શન મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે 2022 સુધીમાં 1.75 લાખ મેગાવોટ પુનઃ ઊર્જા ઊત્પાદનનું લક્ષ્યાંક સેવ્યું છે તેમાં ગુજરાતે 30 હજાર મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. હાલ રાજ્યમાં 8000 મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે અને નવા 22000 મેગાવોટ આવનાર સમયમાં ઉત્પાદિત કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2020 સુધીમાં બે લાખ જેટલા રહેણાંક ઘરોમાં સોલાર રૂફટોપ લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2022 સુધીમાં આઠ લાખ ઘરો ઉપર સોલાર રૂફ ટોપ લગાવવા માટે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ગ્લોબલ કોવનેન્ટ ફોર મેયર્સ (GCOM) નો મુખ્ય હેતુ વિશ્વના શહેરોમાં પ્રદુષણ ઘટાડી પ્રદુષણમુક્ત શુદ્ધ હવા રાખવાનો છે. વાતાવરણમાં રહેલા કુલ કાર્બનડાયોક્સાઈમાંથી પ્રતિ વર્ષ 1.3 બિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડનો ઘટાડો કરવાનો છે. વિશ્વના 6 ખંડના 132 દેશોના 9,000 થી વધારે શહેરો GCOM ના સભ્યો છે.