વીર નર્મદ દક્ષિણ ગુજરતા યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાની લાયકાત તથા નિમણૂકને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા વિવાદમાં પ્રો. અજીત નાયકે ઝંપલાવતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રો. અજીત નાયકે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જાહેર હિતની અરજી નં 50/2019 પાર્ટી ઈન પર્સન તરીકે પોતે જ વકીલ તરીકે પોતાના કેસની દલીલો કરવા માંગણી કરી હતી. જેને ધ્યાને રાખીને હાઈકોર્ટે કેસ લડવાની મંજુરી આપી છે તથા યોગ્યતાનું પ્રમાણપત્ર પણ આપ્યું છે. આગામી તા. 13મી માર્ચના રોજ બુધવારે પ્રો. અજીત નાયકની આ જાહેર હિતની અરજી દાખલ કરવી કે નહીં તેની સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરાશે. કુલપતિની લાયકાતના વિવાદ વચ્ચે યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર આ રીતે કુલપતિને જાહેર પડકાર ફેંકાતા યુનિવર્સિટીની આબરુના ધજાગરા ઉડયા છે.
વર્ષ 2015થી હાઈકોર્ટના બદલાયેલા નિયમ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ વકીલ રોક્યા વિના પોતાનો કેસ પોતે જ લડવા માગતા હોય તેને કેસ લડવા માટે હાઈકોર્ટમાં યોગ્યતા પુરવાર કરવી પડતી હોય છે અને ત્યાર બાદ જ અરજી નોંધવામાં આવતી હોય છે. આ અગાઉ બરોડમાં જાગૃત નાગરિક અને જાગતે રહો સંગઠન દ્વારા જાહેર હિત માટે લડત આપતા પ્રફુલભાઈ દેસાઈ દ્વારા આજ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી (નં. 93/2018) દાખલ કરાવી હતી, પરંતુ કેસની સુનાવણી દરમિયાન જ ગુજરાત હાઈકોર્ટના રૂમમાં જ તેઓને હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું. પ્રફુલ દેસાઈની આ અધૂરી લડતને પ્રો. અજીત નાયકે આગળ વધારી છે.
સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી અવાર નવાર વિવાદોમાં સંપડાયેલી જોવા મળી રહી છે. સિન્ડીકેટ બેઠકમાં મિનિટ્સ ના મુદ્વે એસપીબી કોેલેજના આચાર્ય અને સિન્ડીકેટ સભ્ય ડો.વી.ડી.નાયક કુલપતિ ડૉ.શિવેન્દ્ર ગુપ્તાને કાયર કહ્યા હતા. ખુલ્લો પત્ર લખઈને ડો.ગુપ્તાએ નીતિ, નિયમો, એક્ટ, સ્ટેચ્યુટ, ઓર્ડિનન્સની કોઇ ગતાગમ જ નથી. જે કુલપતિ તરીકે લાયકાતની દરિદ્રતા, ગેરલાયકાત છે. તે નૈતિક કાયરતા છે. ‘ કોઇ ભી ચર્ચા નહી હોગી, સભી મિનિટ્સ બહુમતી સે પાસ કર દો ‘ એવા શબ્દોથી સિન્ડીકેટ સભ્યોનું અપમાન થાય છે. કુલપતિ પદની ગરિમાના સામે વર્તણૂંક હોવાથી ઉગ્ર વિરોધ કર્યો હતો. કુલપતિ પદે લાયકાત વગરના વ્યક્તિ જ બેસીને આવું કરી શકે. સભાની કાર્યવાહી હળાહળ જુઠ્ઠાણું નથી અને તમારી નૈતિક કાયરતા નથી તેવું સાબિત કરો. લેખિતમાં ખુલાસો જાહેર કરો. તેમને 6 બેઠક માટે સસ્પેન્ડ કરાયા હતા.