વૃક્ષોના નિકંદનના ભોગે આ તે કેવો વિકાસ?

ગાંધીનગર,તા:૦૭  મુંબઈમાં મેટ્રો માટે વૃક્ષોના નિકંદન પર વિરોધના વંટોળ હજુ ઊભા છે, ત્યાં અમદાવાદમાં પણ બુલેટ ટ્રેન માટે હજારો વૃક્ષો કપાઈ ગયાં છે. બંને પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના છે અને એક વૃક્ષની સામે 10 હજાર વૃક્ષ વાવવાનો નિયમ જળવાતો નથી, ઉપરાંત બંને પ્રોજેક્ટ માટે રિ-ટ્રીપ્લાન્ટેશન પણ નિષ્ફળ થયું છે. બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં હજારો વૃક્ષો કપાઈ ગયાં છે, પરંતુ મુંબઈમાં હજુ 20,000થી વધુ મેન્ગ્રૂવ્સનો નાશ થવાનો છે.

શહેરોના આયોજનમાં ગેરકાયદે દબાણો નડતાં નથી, નેતાઓએ બનાવેલી હાટડીઓ રૂકાવટ બનતી નથી, પરંતુ રેલવેના વિકાસ માટે કુદરતના ખોળે ઊછરતાં વૃક્ષો નિશાન બની રહ્યાં છે. બંને પ્રોજેક્ટમાં પર્યાવરણવાદીઓના વિરોધને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બુલેટ ટ્રેન ઉપરાંત અમદાવાદ મેટ્રોરેલ માટે અત્યાર સુધીમાં 2200 જેટલાં ઘટાદાર વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં છે. મેટ્રો રેલના બીજા તબક્કામાં પણ ગાંધીનગરમાં 3000 કરતાં વધુ વૃક્ષો આવે છે, જેને કાપી નાખવાની મંજૂરી પણ લેવામાં આવનારી છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના ટ્રેકમાં નડતરરૂપ થતાં કુલ 80,437 જેટલાં ફળાઉ અને અન્ય જાતિનાં વૃક્ષોનો સફાયો કરવામાં આવી રહ્યો છે એમ એક રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ ચળવળ ચલાવતા જાણકારે મેળવેલી વિગતમાં બહાર આવ્યું છે.

મુંબઇના મેટ્રો કારશેડ બનાવવા માટે બીએમસીએ લગભગ 2700થી વધુ વૃક્ષોનું નિકંદન કરવાનું કહ્યું છે. આ આદેશ બાદ મુંબઈના રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન થયું છે. હ્યુમન ચેઈન બનાવીને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સહિત અનેક ફિલ્મ કલાકારો પણ સામેલ થયાં છે. આ સેલિબ્રિટીઓના લિસ્ટમાં લતા મંગેશકર, દિયા મિર્ઝા, મિની માથુર, રવિના ટંડન જેવી સિનેમાજગતની હસ્તીઓએ વિરોધ કર્યો છે.

લતા મંગેશકરે લખ્યું કે, ‘મેટ્રો શેડ માટે 2700થી વધુ વૃક્ષોની હત્યા કરવી, તેમજ જીવસૃષ્ટિની નુકસાન પહોંચાડવું ખૂબ જ દુઃખની વાત છે. હું આ નિર્ણયનો સખત વિરોધ કરું છું. હું સરકારને નિવેદન કરું છું કે, તે પોતાના આ નિર્ણય પર ફરી વિચાર કરે, તેમજ જંગલને બચાવે.’

બીજી તરફ અમદાવાદથી મુંબઈની બુલેટ ટ્રેનમાં ફળાઉ એવાં 12,248 જેટલાં વૃક્ષોનું નિકંદન દક્ષિણ ગુજરાતના વલસાડમાં થશે, તો બીજી જાતિનાં વૃક્ષોનું નિકંદન પણ નીકળવાનું છે. મહારાષ્ટ્રના પાલઘરમાં 17,748 જેટલાં મેન્ગ્રૂવ્સનાં વૃક્ષોનો સફાયો થવાનો છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 505 કિલોમીટરના અમદાવાદથી મુંબઈ વચ્ચેના માર્ગમાં આવતાં અંદાજે 26,980 જેટલાં ફળાઉ વૃક્ષોનો સફાયો કરવામાં આવશે, જેમાં સૌથી વધુ ચીકુ અને આંબાનાં વૃક્ષોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણા અને પાલઘરમાં વૃક્ષોનો સફાયો થશે, તો ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદમાં વૃક્ષોનો સફાયો થશે.

એક્સપ્રેસ-વૅ અને ડીએફસી (ડેડિકેટ વેસ્ટર્ન ફ્રેઈડ કોરિડોર)ને સમાંતર બુલેટ ટ્રેનનો ટ્રેક બનવા જઈ રહ્યો છે. બુલેટ ટ્રેનના ટ્રેક માટે કુલ 1691.20 હેક્ટર જમીનનું સંપાદન કરાશે, તેમજ સરકારે અત્યારથી 1451 પરિવાર વિસ્થાપિત થશે તેને ઘરની સામે વૈકિલ્પક જગ્યા ક્યાં આપવી તેની તૈયારીઓ આરંભી છે.

પર્યાવરણ બચાવોની વાત કરતા સરકારી અધિકારીઓ વૃક્ષોના સફાયા બાબતે કંઈપણ બોલવા તૈયાર નથી. વૃક્ષોનું સ્થળાંતર કરીને બીજી કઈ જગ્યાએ વૃક્ષોને પ્રસ્થાપિત કરાશે તેમજ જેટલાં વૃક્ષોનો સફાયો કરવામાં આવશે તેની સામે કેટલા છોડ રોપવામાં આવશે તેની કોઈ વિગત અધિકારીઓ પાસે નથી. આવી જ રીતે મુંબઈ મેટ્રો માટે કેટલાં વૃક્ષો રોપવામાં આવશે તેની કોઈ માહિતી નથી.

ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીના સ્વપ્નસમા પંચામૃત ભવનના પ્રોજેક્ટમાં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બાંધકામ શરૂ કરવા માટે વૃક્ષો કાપવાનો નિર્ણય કર્યો ત્યારે ગાંધીનગરના પર્યાવરણપ્રેમીઓએ વૃક્ષોને કાપવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારે આનંદીબહેન પટેલે આ પ્રોજેક્ટને સ્થગિત કર્યો હતો. મોદીનો સ્વપ્ન પ્રોજેક્ટ હોવા છતાં આનંદીબહેન પટેલ લોકોના વિરોધ વચ્ચે ઝૂકી ગયાં હતાં. એ સમયે પંચામૃત ભવન જ્યાં બનવાનું હતું ત્યાં 20,000થી વધુ વૃક્ષો આવેલાં છે.