સૌરાષ્ટ્રવાસી અગ્રણી મથુર સવાણી અને તેમના સમર્થકો દ્વારા ખજોદ ખાતે બનાવવામાં આવી રહેલા ડાયમંડ બુર્સને મસ મોટી રકમનો દંડ સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. જો આ દંડની રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો વધુ આકરાં કાયદાકીય પગલા ભરવામાં આવશે એવુ પણ હાલના તબક્કે લાગી રહ્યુ છે.
પરિવર્તન ટ્રસ્ટના અગ્રણી પ્રકાશ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, સુરતના ખજોદ ખાતે તૈયાર થઇ રહેલા સુરત ડાયમંડ બુર્સના પ્રોજેક્ટના બાંધકામ માટે હીરા ઉદ્યોગકારો દ્વારા જે તોતીંગ બિલ્ડીંગો ઉભા કરવામાં આવી રહ્યા છે તેમાં પર્યાવરણના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. અંદાજે પંદર લાખ ચોરસ મીટર જગ્યામાં બની રહેલા ડાયમંડ બુર્સની જગ્યામાં આવેલા કેટલાક વર્ષો જુના વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે. આ ઝાડ કપાવાને કારણે આ સ્થળ ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ પર્યાવરણ સામે જોખમ ઉભું થયું હતું. જે અંગે પરિવર્તન ટ્રસ્ટ દ્વારા સ્ટે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં કમિટી દ્વારા સુરત ડાયમંડ બુર્સને રૂપિયા 11 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે. જો ડાયમંડ બુર્સના બની બેઠેલા અગ્રણીઓ દ્વારા આ રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો તેમની સામે નેશનલ ટ્રીબ્યુનલમાં ફરિયાદ કરવા સહિતના પગલા પણ ભરવામાં આવશે.
જો કે રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટને 8મી જાન્યુઆરીના રોજ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિ આપવામાં આવ્યું હતું પરંતુ તેની જાળવણી કરવાની દરકાર લેવામાં આવી ન હતી જેથી સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસસમેન્ટ કમિટીએ આ આંકરો નિર્ણય લીધો હતા.
આ પ્રોજેકટ 100 એકરમાં તૈયાર થઇ રહયો છે. જેમાં 15 લાખ સ્કેવર ફુટ જગ્યા ડાયમંડ બુર્સને આપવામાં આવી છે. જેમાં 10 હજાર ઓફિસો બનાવવામાં આવી રહી છે. 15,000 કાર, 25,000 બાઇક પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવશે. આગામી 2021માં પ્રોજેકટ પૂર્ણ થશે.
