ગુજરાતમાં અમદાવાદ શહેર એ ખાણીપીણીનુ શોખીન રહ્યુ છે. અમદાવાદીઓ ફાસ્ટલાઈફમાં પોતાનો ખાવાનો શોખ પુરો કરવા માટે બહારના લારી ગલ્લા કે રેસ્ટોરન્ટ- હોટેલની પ્રથમ પસંદગી કરે છે. સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાસ કરીને બહારનો ખોરાક વધારે ગ્રહણ કરતા હોય છે. જયારે ગુજરાતીઓની વાત આવે ત્યારે ભલે ઘરે જમવાનું બનાવ્યું હોય પરંતુ સવારનો નાસ્તો નજીકના ચાર રસ્તા ઉપર આવેલ લારી ઉપર જ થતો હોય છે. નાસ્તામાં ખમણ, ફાફડા, ગાંઠિયા, પાત્ર, સમોસા, પૌવા, દાળ-પકવાન અથવા તો ઈડલી સંભાર લોકો લારી દુકાન પર આરોગવા પહોચી જાય છે. પરંતુ તે કેટલું સ્વચ્છ હોય છે તેની ચોકસાઈ ભાગ્યેજ લેવામાં આવતી હોય છે. ચોમાસાની શરૂઆત થતા જ રોગચાળોમાં વધારો જોવા મળતો હોય છે. ખાસ કરીને રોગચાળો વધવા પાછળ મુખ્ય કારણ પાણી અને ખોરાક હોય છે ત્યારે બહાર ખુલ્લામાં વેચાતી આવી ખાણીપીણીની આઈટમો શહેરીજનોના આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.
નિયમો શું છે
આરોગ્ય વિષયક ગંભીર વાતને ધ્યાનમાં લઈને કમિશનર ઓફ ફુડ સેફ્ટી,
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્રારા ખાણીપીણીના દુકાનદારો સામે એક નિયમાવલી બહાર પાડવામા આવી છે. જે મુજબ ફૂડ બિઝનેશ ઓપરેટરો હવેથી દુકાન, લારી-ગલ્લા, રેસ્ટોરન્ટ, હોટલો વગેરે જગ્યાએ કોઈપણ પ્રકારનો તૈયાર રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને વેચી શકશે નહિ. તેમજ ખોરાકને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને જ આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરી વેચાણ કરવાનું રહેશે. આ ઉપરાંત દુકાન, લારી-ગલ્લા, રેસ્ટોરન્ટ કે હોટલમાં કચરો હોવો જોઈએ નહિ. તેની આસપાસ નિયમ મુજબ સ્વછતા હોવી જરૂરી છે. તેમજ આડેધડ પાણી ફેંકી શકે નહિ. ફૂડ અને હેલ્થ વિભાગના નિયમોનું ભંગ ખાદ્યચીજોના વેપાર સાથે સંકળાયેલ તમામ વેપારીઓને રાંધેલો તૈયાર ખોરાક નેટવાળી જાળી કે કાચના શોકેસમાં રાખીને પ્રદર્શિત કરવાનો રહેશે અન્યથા તેઓની સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અત્તાધીસ સૂત્ર દ્વારા જાણવામાં મળેલ માહિતી મુજબ જયારે કોઈ પણ દુકાન, લારી-ગલ્લા, રેસ્ટોરન્ટ, હોટલ વગેરે જગ્યાએ કોઇપણ પ્રકારનો તૈયાર રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને તેનું વેંચાણ કરવામાં આવે ત્યારે જે તે વેચાણ માલિકને 500 થી 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવતો હોય છે. તેમજ આવા વેપારીઓને નોટિસ પણ આપવામાં આવતી હોય છે. નોટિસ આપ્યા બાદ પણ જો જે તે વેપારી દ્વારા નિયમ ભંગ કરવામાં આવે તો દંડની રકમ વધારીને ફરી વાર દંડ ફટકારી રકમ વસુલ કરવામાં આવતી હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા વેપારીઓમાં જુદી જુદી કલમ નક્કી કરવામાં આવેલી છે. ફૂડ ઇન્સ્પેક્શનની ટિમ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે જુદા જુદા વિસ્તારમાં તપાસ કરવામાં આવતી હોય છે. વિસ્તારમાં નાના મોટા લારી, ગલ્લા તેમજ હોટલ અને રેસ્ટોરન્ટમાં વેચાણ કરવામાં આવતા ખોરાકની ચકાસણી કરવામાં આવતી હોય છે. તેમજ જે તે ફૂડ બિઝનેશ ઓપરેટર દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહિ તેની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે. તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી દેખવા મળે તે વેપારીને દંડ કરવામાં આવતો હોય છે.
શું ખાણીપીણીના વેપારીઓ નિયમાવલીનુ પાલન કરે છે?
ખાણીપીણીના વેપારીઓ દ્રારા લોકોને શુધ્ધ અને ગુણવતાયુકત ખોરાક મળી રહે, ખાધપદાર્થ વેચાણ અંગેના નિયમોનુ પાલન થાય તે હેતુસર તંત્ર પગલા ભરે છે. પણ
જયારે. લોકસત્તા જનસત્તા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં જયારે ડ્રાઈવ યોજી તાપસ કરામાં આવી ત્યારે તંત્રની કામગીરી અને સક્રિયતા સામે એક પ્રશ્નાર્થ ઉભો થયો. લોકસતા જનસતાના તપાસમાં જોવા મળ્યુ કે શહેરના જાણીતા વિસ્તારમાં આવેલ લારી અને દુકનોમાં રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ગાંઠીયા, પૌઆ, સમોસા, દાળ પકવાન જેવી ખાધ આઈટમો ખરેખર તો ઢાંકીને રાખવી જોઈએ જેથી કરીને લોકોના આરોગ્ય માટે તે હાનિકારક સાબિત ન થાય પરંતુ અહી તો ખોરાકને ખુલ્લો રાખીને વેચાણ કરવામા આવતુ હતુ. આ લારી કે ગલ્લામાં સ્વચ્છતા પણ જોવા મળતી ન હતી. નિયમોની એસી તેસી કરીને ખુલ્લી જગ્યામાં આવો ગુણવતા વગરનો અશુધ્ધ ખોરાક વેચતા વેપારીઓ માટે જાણે કોઈ નિયમાવલી જ અસ્તિત્વમાં ના હોય તેવુ તપાસમાં ધ્યાનમાં આવ્યુ. વધુ નફો રળવાની લહાયમાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા આવા વેપારીઓ કેમ કાયદા- નિયમોને ગાંઠતા નથી? શું એટલા માટે કે તંત્ર આ વેપારીઓને કાયદાનુ ભાન કરાવવા માટે ઉણુ ઉતરે છે?
આ મામલે લોકસત્તા જનસત્તાના પ્રતિનિધિ દ્વારા AMCમાં આવેલા ફૂડ અને હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીને જયારે આ મામલે ખુલાશો આપવા જણાવ્યું હતું ત્યારે અધિકારી ભાવિન જોષીએ ફૂડ બિઝનેશ ઓપરેટરોને છાવરવા માટે જવાબ આપવાનું ટાળ્યું હતું.
ચોમાસાનો શરુઆતનો સમય છે ત્યારે રોગચાળા વકરવાની શકયતા વધારે હોય છે આટલી વાત તંત્ર ધ્યાનમાં લે અને લોકોના આરોગ્ય કરતા માત્ર પોતાના નફાને વધુ મહત્વ આપી લોકોને અશુધ્ધ અને ગુણવતાવિહીન ખાધચીજો લોકોને વહેચતા વેપારીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામા આવે અને બીજી તરફ શહેરીજનો પણ થોડીવાર માટે પોતાના સ્વાદશોખને બાજુએ મુકી લારી- ગલ્લામાં ખુલ્લામાં વેચાતી આવી ખાણીપીણીની આઈટમો ખાવાનુ ટાળે તે જરુરી છે