અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકાથી પણ વધુના સમયથી બદલાયેલી લોકોની માનસિકતાને કારણે નવા પરણેલા દંપત્તિઓ એવો ખાસ આગ્રહ રાખે છે કે, તેમનું આવનારૂં સંતાન અમુક ખાસ દિવસ, તારીખ કે ચોક્કસ ચોઘડિયામાં જ જન્મે એના કારણે ભ્રૂણ પરીક્ષણનો ક્રેઝ સતત વધતો જોવા મળી રહ્યો છે. આ તરફ શહેરના પૂર્વ અને ઉત્તરના વિસ્તારોમાં ઠેર-ઠેર ડિગ્રીવાળા કે ડિગ્રી વગરના કહેવાતા લેભાગુ તબીબો દ્વારા સોનોગ્રાફીના નામે રીતસરની દુકાનો ચલાવીને આવનારાઓ પાસે લૂંટ ચલાવવામાં આવી રહી છે. અમપાના જ હેલ્થ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજર હેઠળ ચાલતા આ વેપલા સામે છેલ્લા એક વર્ષમાં દસ જેટલા કેસમાં કાનુની કાર્યવાહી કરી દોષિતો સામે કાર્યવાહી કરાઈ છે. મ્યુનિ.ના કોર્ટ નંબર-૧૮ના એડવોકેટ મનોજ ખંધારે આપેલા એકસક્લ્યૂઝિવ ઈન્ટરવ્યુ પૈકીના આ છે તારણો..
નરોડામાં મેડિકલના વિદ્યાર્થીઓ પાસે પરીક્ષણ કરાવાતું
કેન્દ્ર સરકારના પી.એન.ડી.ટી. એક્ટની જોગવાઈ હેઠળ શહેરમાં અવારનવાર ખાનગી રાહે મળેલી બાતમીના આધારે સોનોગ્રાફી કરનારાઓને ત્યાં તપાસ કરાતી હોય છે. શહેરના નરોડા વિસ્તારમાં આવેલા કમળા માર્કેટમાં ગજાનંદ એક્સ-રે સોનોગ્રાફી ક્લિનિક ચલાવતા જેસારામ દલવાણીને ત્યાં તપાસ કરાતા તેને ત્યાં દર બુધવારે મેડિકલના વિદ્યાર્થીઓ પાસે ગર્ભ પરીક્ષણ કરાવાતું હતું. આ કેસમાં દલવાણી અને અન્ય ત્રણ સામે કાનુની કાર્યવાહી કરાઈ છે.
સૈજપુરમાં કંપાઉન્ડર ભ્રૂણ પરીક્ષણ કરતો હતો
શહેરના સૈજપુર વિસ્તારમાં ડો. નલિન શાહ ડિજિટલ એક્સ-રે ક્લિનિક ચલાવતા તેમને ત્યાં કરાયેલી તપાસમાં તેમનો ભરત નામનો કંપાઉન્ડર જ ભ્રૂણ પરીક્ષણ કરી આપતો હતો. તેણે કલ્પનાબહેન નામના મહિલા પાસેથી ભ્રૂણ પરીક્ષણના નામે રૂપિયા ૧૩,૦૦૦ની રકમ વસુલતા આ તબીબ અને તેમના કંપાઉન્ડર સામે કાનુની કાર્યવાહી કરાઈ છે.
વસ્ત્રાલમાં નોંધાયેલા મશીનના બદલે બીજું મશીન વપરાતું હતું
વસ્ત્રાલ વિસ્તારમાં જ્યોતિ મલ્ટી સ્પેશિયલ ક્લિનિકના નામે ડો. આનંદ રાજપૂત ભ્રૂણ પરીક્ષણ કરતા હતા. તેમને ત્યાં કરાયેલી તપાસમાં તેમને ત્યાં નોંધાયેલા મશીનને બદલે બીજું મશીન ઉપયોગમાં લેવામાં આવતુ હોવાનું ખુલતા કાનુની કાર્યવાહી કરાઈ છે.
લાયસન્સ રિન્યુ કરાવાયું ન હતું
શહેરના પરિમલ ગાર્ડન વિસ્તારમાં સિલ્વર બ્લુક ખાતે કેતન બી રાજગુરૂને ત્યાં કાર્યવાહીમાં તેઓના રેકોર્ડમાં ચેડાં કરાયા હતા. ઉપરાંત તેમનું લાયસન્સ પણ રિન્યુ કરાયું ન હોઈ કાનુની કાર્યવાહી કરાઈ છે. આજ પ્રમાણે રામનગર, સાબરમતીમાં પણ ડો. જ્ઞાનિના ક્લિનિક પર કાર્યવાહીમાં તેમનું લાયસન્સ રિન્યુ કરાયું ન હોઈ કાનુની કાર્યવાહી કરાઈ છે.
નિકોલમાં મશીન સીલ કરાયું
નિકોલ વિસ્તારમાં ડો. અલ્પેશ પટેલને ત્યાં તપાસમાં ફોર્મમાં પૂરતી વિગતો ન હોઈ તેમનું મશીન સીલ કરી કાનુની કાર્યવાહી કરાઈ છે. નરોડા વિસ્તારમાં પણ જિજ્ઞેશ પી જ્ઞાનિને ત્યાં મશીન સીલ કરી કાર્યવાહી કરાઈ છે.
દરીયાપુરમાં મશીન ગાયબ
દરીયાપુર દરવાજા બહાર ડો. નિખીલ બી પંડ્યાને ત્યાં તપાસમાં મશીન જ ગાયબ હતું, ઉપરાંત લાયસન્સ રિન્યુ કરાયુ ન હતું. જેથી કાનુની કાર્યવાહી કરાઈ છે.
દર્દીઓની સહી ન હતી
શાહીબાગમાં જયેશ એ શાહને ત્યાં તપાસમાં નોંધાયેલું મશીન બીજી જગ્યાએ હતું અને એફ ફોર્મમાં ડોકટર અને દર્દીઓની સહી ન મળતાં કાનુની કાર્યવાહી કરાઈ છે.
નોંધાયેલા નામને બદલે બીજા નામથી કલીનીક શરૂ કરાયુ
નરોડામાં એકલવ્ય લાઈફકેરના નામે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ નવા નામથી કલીનીક શરૂ કરાતા કાનુની કાર્યવાહી કરાઈ છે.
સજાની શું જોગવાઈ છે
નિયમોથી વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હોવાનું સાબિત થાય તો ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને દશ હજાર રૂપિયા સુધીના દંડની કાયદામાં જોગવાઈ હોવાનું કોર્ટ નંબર-૧૮ના એડવોકેટ મનોજ ખંધારે એક ખાસ વાતચીતમાં કહ્યું છે. ગુનેગાર ઠરાવ્યેથી પાંચ વર્ષ સુધીની કેદની સજા અને પચાસ હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. ઉપરાંત રાજ્ય મેડિકલ કાઉન્સિલને તબીબનું નામ કાઉન્સિલમાંથી પાંચ વર્ષના સમયગાળા માટે પહેલા ગુના માટે અને પછીના ગુના માટે કાયમી ધોરણે રદ્દ કરવાનું સત્તા રહેલી છે.
લિંગ પરીક્ષણ માટે સજાની જોગવાઈ
અન્ય કોઈ વ્યકિત દ્વારા સ્ત્રી ઉપર જન્મ પહેલા લિંગ પસંદગી માટે પરીક્ષણ કરવાના કેસમાં ત્રણ વર્ષની કેદની સજા અને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ પહેલી વખતના ગુના માટે અને બીજી વખતના ગુના માટે પાંચ વર્ષની કેદની સજા અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.