શહેરમાં વાહન અકસ્માતની ત્રણ ઘટનામાં બાળક સહિત ત્રણનાં મોત

અમદાવાદ, તા.4

શહેરના ત્રણ જુદાજુદા વિસ્તારમાં બનેલા વાહન અકસ્માતના બનાવમાં એક બાળક, મહિલા અને આધેડનું મોત નીપજ્યું છે. કાર ડ્રાઈવરની બેદરકારીએ ફ્લેટના ચોકીદારના માસૂમ બાળકનો જીવ લઈ લીધો છે.

શહેરના નારણપુરામાં કાર ડ્રાઈવરે રિવર્સ લેતાં ગફલત કરતાં બાળકનું, આનંદનગર રોડ પર પૂરપાટ કારચાલકની અડફેટે બાઈક પર સવાર દંપતી પૈકી મહિલા અને નવા નરોડામાં કારચાલકની ટક્કરથી મોપેડસવારનું મોત થયું છે.

શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા રઘુવીર ફ્લેટમાં ચોકીદાર તરીકે નોકરી કરતા દલબીર હરિભાઈ સોનારનો ચાર વર્ષનો પુત્ર દેવેન્દ્ર સોસાયટીના ગેટ પાસે રમતો હતો. ત્યારે રઘુવીર ફ્લેટમાં રહેતા હેમંતભાઈના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક કાર ચલાવતાં દેવેન્દ્ર અડફેટેમાં આવી ગયો હતો. કારની ટક્કર વાગતાં ગંભીર રીતે ઈજાઓ થતાં દેવેન્દ્રને કારમાં જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો. આ મામલે બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.
આનંદનગર, પ્રહલાદનગર રોડ ખાતે રહેતા રૂપેશભાઈ લાલજીભાઈ બલદાણિયા ગત બુધવારે રાત્રે અગિયાર વાગ્યે તેમની પત્ની ગીતાબહેન સાથે બાઈક ઉપર જઈ રહ્યા હતા. તે સમયે શાહીબાગ નમસ્તે સર્કલ દેવનારાયણ ટ્રાવેલ્સની ઓફિસ પાસે મધ્યપ્રદેશ પાસિંગની ટ્રકના ચાલકે રૂપેશભાઈની બાઈકને ટક્કર મારી હતી. ધડાકાભેર ટક્કર વાગતાં બાઈક પર બેસેલાં પત્ની ગીતાબહેનને ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. આ મામલે એલ-ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટ્રકચાલક સમે ગુનો નોંધ્યો છે.

નવા નરોડા સર્વોપરી ફ્લોરામાં રહેતા હસમુખભાઈ શર્મા નરોડા ગામથી દહેગામ તરફ જતા રોડ પર આવેલા પેટ્રોલપંપ પર પેટ્રોલ પૂરાવીને મોપેડ પર ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન એક કારચાલક મોપેડને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ હસમુખભાઈને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજતાં જી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી છે.