અમદાવાદ,તા.06
આ વર્ષે ચોમાસાની પુરી થયેલી ચાર માસની સીઝનમાં અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૮ કરતા પણ વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.શહેરમાં ૩૧ ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના કુલ ૩૧૭૫ કેસ નોંધાયા છે.આ વર્ષે અત્યારસુધીમાં ડેન્ગ્યુથી કુલ દસ લોકોએ જીવ ગુમાવ્યા છે.શહેરમાં ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારો નવરંગપુરા,નારણપુરા,ગોતા સરખેજ,વેજલપુર સહીતના અન્ય વિસ્તારોમાં ડેન્ગ્યુએ આતંક મચાવ્યો છે. અમપા દ્વારા કામગીરી કરાયેલી હોવા છતાં ડેન્ગ્યુના ઉપદ્રવને નાથવામાં તંત્રને સફળતા મળી નથી.
અમદાવાદ શહેરમાં આ વર્ષે જુલાઈથી શરૂ થયેલી વરસાદની મોસમ તેના સમયથી પણ વધુ સમય ચાલી.છેક દિવાળી પછી પણ સતત ચાલુ રહેલા વરસાદી માહોલ અને બેવડીઋતુના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ સતત વધતો રહ્યો.એમાં પણ ડેન્ગ્યુ માટે જવાબદાર ગણાતા એડીસ ઈજીપ્તી નામના મચ્છરોએ શહેરના નદી પારના વિસ્તારોમાં ઘેર-ઘેર મેલેરીયા અને ડેન્ગ્યુ સહીતના મચ્છરજન્ય રોગોના કેસોની વણઝાર શરૂ કરી દીધી.અમપાના હેલ્થ વિભાગમાંથી મળતી માહીતી મુજબ,જુલાઈથી ઓકટોબર સુધીના ચાર માસમાં ડેન્ગ્યુ કેસ નોંધાવા પામ્યા છે.એમાં પણ ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓકટોબર મહીનામાં તો ડેન્ગ્યુએ રીતસરનો આતંક જ મચાવી દીધો હતો.
હેલ્થ વિભાગના સૂત્રોના કહેવા મુજબ,વર્ષ-૨૦૧૪માં અમદાવાદ શહેરની લિમિટમાં ડેન્ગ્યુના કુલ મળીને ૬૩૮ કેસ નોંધાવા પામ્યા હતા.જે માત્ર પાંચ વર્ષમાં વધીને વર્ષ-૨૦૧૯માં કુલ મળીને ૩૧૭૫ પર પહોંચ્યા છે.સૌથી ચિંતાજનક બાબત એ છે કે,વર્ષ-૨૦૧૯ના વર્ષમાં ડેન્ગ્યુના કારણે અમદાવાદ શહેરમાં કુલ મળીને દસ લોકોના મોત થયા છે.અમપા દ્વારા છેલ્લા ચાર માસ દરમિયાન વિવિધ બાંધકામોની સાઈટથી લઈ અમપાના બિલ્ડીંગોમાં પણ મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી હતી.છતાં શહેરમાં ગત વર્ષની સરખામણીમાં ડેન્ગ્યુના કેસોની સંખ્યા વધી છે.સાથે મોતનો આંકડો પણ બે આંકડામાં પહોંચ્યો છે.
કયા વિસ્તારમાં કેટલા કેસ
વિસ્તાર કેસ
ગોતા ૧૬૦
શાહીબાગ ૧૫૯
પાલડી ૧૧૪
નવરંગપુરા ૧૧૧
મકતમપુરા ૧૧૦
થલતેજ ૯૦
ગોમતીપુર ૮૭
કુબેરનગર ૯૪
વસ્ત્રાલ ૯૩
રામોલ ૮૧
સરખેજ ૯૮
દસ મોતમાં બાળકો-યુવાઓ
આ વર્ષે ડેન્ગ્યુના કારણે જે દસ મોત થવા પામ્યા છે.જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે.દોઢ વર્ષથી લઈ પંદર વર્ષની વયના બાળકોનો સમાવેશ થાય છે.બે મેડીકલમાં અભ્યાસ કરતી યુવતીઓના મોત થયા છે.બે ૩૫ વર્ષની વયના યુવાનોના મોત થયા છે.જયારે બે પ્રોઢના મોત થયા છે.
મચ્છરોની ઉત્પતિ વધવાનું કારણ શું
શહેરમાં અનેક ઝુંબેશ છતાં ડેન્ગ્યુને નાથવામાં નિષ્ફળ રહેલા અમપાના હેલ્થ વિભાગના ભાવિન સોલંકીનો આ મામલે સંપર્ક કરતા તેમણે કહ્યુ,આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલવા ઉપરાંત મચ્છરોના નિયંત્રણ મામલે કરાયેલી કાર્યવાહીમાં એક બાબત એ ધ્યાનમાં આવી કે,શહેરમાં અનેક બંગલાઓ,ખુલ્લા પ્લોટો અને ભોંયરાના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા કાર્યવાહી બાદ લોકોને સમજાવ્યા બાદ પણ લોકોમાં જાગૃતિ આવી શકી નથી.અનેક બંગલાઓ,સોસાયટીઓ અને ચાલીઓમાં રહેતા લોકોને ભરાયેલા પાણીનો નિકાલ કરવા સહીતની વારંવાર સુચનાઓ અપાયા બાદ પણ એનો અમલ ન થઈ શકતા કેસો વધ્યા છે.
ડેન્ગ્યુના કેસમાં વધારો
-વર્ષ-૨૦૧૪માં સીઝન પુરી થઈ ત્યાં સુધી અમદાવાદમાં ડેન્ગ્યુના માત્ર ૬૩૮ કેસ નોંધાયા હતા.
-વર્ષ-૨૦૧૮માં સીઝન પુરી થઈ ત્યાં સુધીમાં અમદાવાદમાં ૩૧૩૫ કેસ અને પાંચ મોત નોંધાયા હતા.
-વર્ષ-૨૦૧૯માં ૩૧ ઓકટોબર સુધીમાં કુલ ૩૧૭૫ કેસ અને દસ મોત નોંધાયા છે.