સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ૩ વર્ષમાં કર્યો છે.
આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂંસી અને કાયદેસરની પ્રક્રીયાને કારણે ઉદ્દભવતા ઘર્ષણો ટાળવા માટે રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇની માલિકી પર વર્ષોથી ઊભી થઇ ગયેલી હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાંકોને તોડી પાડી કે કોર્ટના ચૂકાદાને માન્ય રાખીને તેને નેસ્તનાબૂદ કરી લાખો લોકોને છત વગરના કરી દેવા અનુચિત છે. રેવન્યુ એકટમાં લાવીને યુ.એલ.સી.માં થયેલા મકાનોને કાયદેસર કર્યા. સૂચિત સોસાયટીમાં જે મકાનો છે તેને પણ કાયદેસર કર્યા છે.
ગામડાંમાં વાડાની જમીનો વર્ષોથી બાપ-દાદાના વખતથી લોકો વાપરે છે. ઘરની એડજોઇનીંગ જ આવી જમીન હોય તેમાં ઢોર-ઢાંખર, નીરણ તેઓ રાખતા હોય છે. આવી જમીનની માલિકી સરકારની છે અને કબજો વર્ષોથી જે-તે વ્યકિત પાસે છે. એવા સંજોગોમાં વાડાની જમીન કાયદેસર કરીને લોકોને આપવી તેવો નિર્ણય સરકારે લીધો છે.
રેવન્યુના પ્રશ્નો, તકરારો, વાંધા-વિવાદોને કારણે લોકોને તકલીફ પડે છે. અનિશ્ચિતતાને કારણે ભયમાં જીવવું પડે છે. એમને ભયમુકત કરી આવાસ છત આપવા સરકારે આ બધા સુધારાઓ કર્યા છે. ઝૂંપડપટ્ટીઓ સરકારી જમીનમાં, કોર્પોરેશનની જગ્યામાં બની ગઇ છે તેને પણ રી-ડેવલપમેન્ટ સ્કીમમાં પાકા મકાનો બનાવી દેવામાં આવે છે.