પ્રશાંત પંડીત
અમદાવાદ,તા:૨૬
શહેરમાં છેલ્લા પંદર વર્ષથી મહાનગર પાલિકામાં ભાજપ સત્તાસ્થાને છે. મહાનગર પાલિકા હસ્તક ચાલતી નગર પ્રાથમિક શાળા સંચાલન બોર્ડમાં પણ તેમના જ પક્ષના હોદ્દેદારો છે. સૌને શિક્ષણ આપવાની મોટી-મોટી વાતોની વચ્ચે શહેરમાં છેલ્લા દાયકામાં શાળાઓ ઘટી, શિક્ષકો ઘટ્યા, વર્ગો પણ ઘટ્યા અને શિક્ષકો પણ ઘટ્યા માત્ર વધતું રહ્યું છે તો વાર્ષિક અંદાજપત્ર. અંદાજપત્રની ૯૮ ટકા રકમ તો પગાર અને વહીવટી ખર્ચમાં જ ખર્ચાઈ જાય છે.આ પરિસ્થિતિમાં પણ શાસકો અને શાસનાધિકારી સત્ય હકીકતને સ્વીકારવાને બદલે હાઈટેક સ્કૂલો બનાવવાની વાતો કરે છે.
શહેરમાં વર્ષ ૨૦૦૮-૦૯ના વર્ષમાં પૂર્વ પ્રાથમિક વર્ગો ૯૬ ચાલતા હતા. વર્ષ ૨૦૧૮-૧૯માં આ સંખ્યા ઘટીને માત્ર ૧૬ રહી જવા પામી છે.સ્વાભાવિક જ દશકામાં ૮૦ જેટલા પૂર્વ પ્રાથમિક વર્ગો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લગધીર દેસાઈના આદેશથી બંધ કરી દેવાયા છે. વર્ષ ૨૦૦૮-૦૯માં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને ૪૫૦ જેટલી શાળાઓ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ચલાવાતી હતી. વર્ષ ૨૦૧૮-૧૯માં આ સંખ્યા ઘટીને ૩૭૧ થઈ ગઈ છે.
વર્ષ ૨૦૦૮-૦૯માં ૪૫૦ શાળાઓમાં કુલ મળીને ૪૩૨૩ શિક્ષકો ફરજ બજાવતા હતા. વર્ષ ૨૦૧૮-૧૯માં શિક્ષકોની સંખ્યા ઘટીને ૩૨૦૫ થઈ છે. દસ વર્ષમાં ૭૧ શાળાઓ બંધ કરી દેવાઈ. ત્યાં ૧૧૧૮ શિક્ષકો પણ નોકરી છોડી ચાલ્યા ગયા. વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૮-૦૯માં ૪૫૦ શાળાઓમાં કુલ ૧,૬૨,૮૮૬ બાળકો અભ્યાસ કરતા હતા. જેમાં દસ વર્ષ બાદ કુલ ૩૮,૪૦૨ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે.
શાસનાધિકારી હજુ પણ અતિઆત્મવિશ્વાસમાં
મંજૂર થયેલા બજેટની માંડ બે ટકા રકમ પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે બચતી ન હોવા છતાં શાસનાધિકારી લગધીર દેસાઈ હજુ પણ શહેરમાં દસ હાઈટેક શાળાઓ બનાવવાની વાત કરી રહ્યા છે. જ્યારે શાળાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વર્ગોની ઘટવાની પરિસ્થિતિ અંગે તેમને પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે તેઓ મિટીંગમાં વ્યસ્ત હોવાનું કહી સંપર્ક ટૂંકાવી દીધો હતો.