શાહઆલમના તોફાનોમાં કોંગ્રેસ કોર્પોરેટર શેહજાદખાન પઠાણ આરોપી

શેહજાદખાન પઠાણનો ફોટો

અમદાવાદ: શાહઆલમની હિંસા એક આયોજન પૂર્વનું ષડયંત્ર હતુ, તેના માસ્ટર માઇન્ડ છે દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટર શેહજાદખાન પઠાણ અને વોર્ડ પ્રમુખ સલીમ ખાન, આ શખ્સોએ જ શાહ આલમની શાંતિ છીનવી લીધી, મુનીફ અન્સારી સહિતના કહેવાતા આ ત્રણ નેતાઓએ નાગરિકતા કાયદાના વિરોધમાં રેલીની મંજૂરી માંગી હતી, પરંતુ અજંપાભરી સ્થિતી જોતા પોલીસમાંથી મંજૂરી મળી ન હતી, આખરે આ શખ્સોએ શાહઆલમ દરગાહમાં બેઠક કરીને વાતાવરણ તંગ કરવાનું સમગ્ર ષડયંત્ર રચી કાઢ્યું હતુ.

સભાની મંજૂરી ન મળતા ષડયંત્ર

મુસીફ અહેમદ અને અનીસ અહેમદે 19 તારીખની સભા માટે ઇસનપુર પોલીસમાં અરજી આપી હતી, પરંતુ પોલીસે રેલીની મંજૂરી આપી ન હતી, બાદમાં પોલીસે આરોપી શેહજાદખાન પઠાણ ઉર્ફે સનીબાબા અને દાણીલીમડા વોર્ડ પ્રમુખ સલીમ ખાનને પોલીસ સ્ટેશન બોલાવીની સમજાવ્યાં હતા કે રેલીથી વાતાવરણ તંગ થઇ શકે છે,પરંતુ તેઓ માન્યાં ન હતા, આખરે તેમને પોલીસને પણ જોઇ લેવાની ધમકી આપીને આખુ ષડયંત્ર રચ્યું હતુ.

દરગાહમાં નમાજના નામે ષડયંત્ર

પોલીસ પર હુમલાના ષડયંત્રના અગાઉ દિવસે સાંજે મુફીસ નામના શખ્સે અને શેહજાદ સહિતના ષડયંત્રકારીઓએ દરગાહમાં 60 જેટલા લોકોને ભેગા કરીને પોસ્ટરો દ્વારા સરકાર વિરૂદ્ધ તેમની ઉશ્કેરણી કરી હતી. ત્યાથી જ કંઇ મોટું કરવા તરફ લોકો આગળ વધી રહ્યાં હતા, બહાર આવીને સરકાર વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર થયા હતા અને ષડયંત્રકારીઓ તેમના મનસુબામાં સફર થયા, તેમને આગ ચાંપી દીધી હતી, સોશિયલ મીડિયામાં પણ કંઇ મોટું કરવા અને સરકારને બતાવી દેવાના મેસેજ ફરતા થયા હતા.

પોલીસ પર હુમલો કરવા કહ્યું

જ્યારે પોલીસે કોંગ્રેસના કોર્પોરેટર શેહજાદખાન પઠાણ સહિતના 25 જેટલા લોકોની અટકાયત કરી ત્યારે તેઓ પોલીસના વાહનમાંથી ઇશારાઓ કરીને લોકોને ઉશ્કેરી રહ્યાં હતા, કહી રહ્યાં હતા પોલીસને મારી નાખો, આ બધુ જ કેટલાક સીસીટીવી અને વીડિયોમાં છે, બાદમાં સ્થિતી તંગ થઇ અને 50 જેટલા પોલીસકર્મીઓની દોડાવી દોડાવીને મારવામાં આવ્યાં હતા, જેમાં પત્રકારો સહિત 25 લોકોને ઇજાઓ થઇ, પથ્થરો પણ ષડયંત્રના ભાગરૂપે ભેગા કરાયા હતા, લોહીલુહાણ થયેલી પોલીસને પણ ગુંડાતત્વોએ છોડી નહીં, તેમના પર સતત પથ્થરમારો થતો રહ્યો, જનતાની સુરક્ષા માટે નીકળેલી પોલીસ આખરે લાચાર દેખાઇ, મહિલા પોલીસકર્મીઓની પણ આ ગુંડાઓને દયા આવી નહીં.

શહેજાદખાન સામે અગાઉ પણ પોલીસ કેસ

દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન પઠાણ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે, 2017માં તેની સામે કારંજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના બે ગુના નોંધાયેલા છે, પોલીસે 5000ના ટોળાં સામે ગુનો દાખલ કરીને બધાની શોધખોળ શરૂ કરી છે, પકડાયેલા શહેજાદ સહિતના 13 આરોપીઓને મેટ્રો કોર્ટે 26 તારીખ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યાં છે, તેમની પૂછપરછમાં ષડયંત્રનો આખો મેપ સામે આવી જશે, અહી સૌથી અગત્યની વાત એ છે કે શહેજાદખાનની સાથે અન્ય કોઇ રાજકીય મોટા માથા જોડાયેલા છે કે નહીં તે જાણવું જરૂરી છે.

અસામાજિક તત્વોને જાકારો આપો

મુસ્લિમ સમાજના કેટલાક આગેવાનોએ શાહ આલમની ઘટનાને વખોડી કાઢી છે, પોલીસ પર જે હુમલા થયા તેને અમાનવીય ગણાવીને શરમ અનુભવી છે, ત્યારે સમાજના નામે અજંપાભરી સ્થિતી ઉભી કરનારા શહેજાદ ખાન અને સલીમ ખાન જેવા ગુંડાતત્વોને ઓળખીને તેમને સમાજમાંથી જાકારો આપનાની જરૂર છે, આવા લોકો ગાંધીના ગુજરાતમાં અશાંતિ ઉભી કરી રહ્યાં છે.