ગાંધીનગર,તા.18
ગુજરાતમાં શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી સરકારે તલાટીઓની હાજરી પુરવાનું નક્કી કર્યું છે. તલાટીઓ ગામડામાં હાજર રહેતા નથી તેવી વ્યાપક ફરિયાદો સામે સરકારે ઓનલાઇન હાજરી રાખવા માટેની એક પદ્ધતિ વિકસાવી છે. શરૂઆતમાં રાજ્યના ત્રણ જિલ્લામાં પાયલટ પ્રોજેકટ તરીકે તેનો અમલ કરાશે, ત્યારબાદ આખા રાજ્યમાં તેનો અમલ કરાશે.
તલાટીની અછત અને ગેરહાજરીથી ઈ-ટાસ પ્રોજેકટનો અમલ
રાજ્યના પંચાયત વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સરપ્રાઇઝ ચેકિંગમાં એવું સામે આવ્યું છે કે ગામડાઓમાં તલાટી હાજર રહેતા નહીં હોવાથી અરજદારોને ધક્કા ખાવા પડે છે. ગમે તે સમયે તલાટી ગૂમ થઇ જતા હોવાનું પણ સરકારના ધ્યાનમાં આવ્યું છે. હવે વિભાગે ઇ-તલાટી એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાનું નક્કી કર્યું છે જેને ઇ-ટાસ ના નામે ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે ત્રણ જિલ્લાઓમાં અમલ થયા પછી તેના અનુભવના આધારે રાજ્યના 14300 ગામડાઓમાં ઇ-ટાસનો અમલ શરૂ કરવામાં આવશે. આ ગામડાઓમાં અત્યારે 10,000 તલાટીઓ છે. તલાટીઓની પુરતી સંખ્યા નહીં હોવાથી એક તલાટીને બે કે તેથી વધુ ગામોનો વહીવટ આપવામાં આવ્યો છે. તલાટીની અછત અને ગેરહાજરીને ધ્યાનમાં રાખીને પંચાયત વિભાગે ઓનલાઇન હાજરી પુરવાનું નક્કી કર્યું છે.
શિક્ષકો બાદ તલાટી માટે ઓનલાઈન હાજરી
તલાટી ગામડામાંથી નહીં પણ શહેરોમાં જઇને વહીવટ કરતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. અરજદારોને ધક્કા ન પડે તે માટે સરકારે પ્રત્યેક ગામડામાં તલાટીની ઓફિસમાં હાજરી પુરવાની સિસ્ટમ વિકસાવી છે. આ પહેલાં સરકારના શિક્ષણ વિભાગે સ્કૂલોમાં શિક્ષકોની હાજરી માટે ઓનલાઇન સિસ્ટમ વિકસાવી છે. પહેલાં તેનો વિરોધ થયો હતો પરંતુ હવે સ્થિતિ થાળે પડતી હોવાથી સરકારે તલાટીઓ માટે પણ આવી સિસ્ટમ લાગુ કરવાનું નક્કી કર્યું છે.
ઓનલાઈન હાજરીની નોંધ ગાંધીનગરની મુખ્ય કચેરીમાં
ઇ-ટાસ એ જીઓ મેપીંગ આધારિત પદ્ધતિ છે જેમાં કામકાજના દિવસોમાં તલાટીઓએ ગ્રામ પંચાયતની કચેરીમાં આવીને સેલ્ફી લઇને મોકલવાની રહેશે. જો બીજા સ્થળેથી સેલ્ફી લેવામાં આવી હશે તો તેનો ખ્યાલ આવી જશે. ફરજ પર આવવાના અને જવાના બન્ને સમયે આ રીતે તલાટીએ સેલ્ફી લેવી પડશે. કોઇ તલાટી પાસે એક કરતાં વધુ ગામનો વહીવટ હશે તો તે પોતાની અનુકૂળતા અને જરૂરિયાત પ્રમાણે કોઇપણ ગામમાં ફરજ પર હાજર રહી શકશે. તલાટીઓની હાજરી જે તે ગ્રામ પંચાયત સહિત ગાંધીનગરની મુખ્ય કચેરીએ પણ જોવા મળશે. આ સિસ્ટમ માટે રાજ્યના 10 હજાર તલાટીઓએ તેમના મોબાઇલ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોન કરવાની રહેશે. આ સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાતના મુખ્યમંત્રી તેમના સીએમ ડેસબોર્ડ પરથી પણ જોઇ શકશે.