શિક્ષણ પાછળ ખર્ચનારા નાણાંમાં ગુજરાતનો ક્રમ 14મો, છત્તીગઢ પહેલા નંબરે

ગુજરાતમાં શિક્ષણ પાછળ ખર્ચાતા નાણાંમાં ગુજરાતનો ક્રમ દેશના 13 રાજ્યો પછી આવે છે. આ 13 રાજ્યો ગુજરાત કરતાં વધુ ખર્ચ શિક્ષણ પાછળ કરે છે. ગુજરાતને એજ્યુકેશનનું હબ બનાવવા માગતી સરકાર પ્રાથમિક શાળાઓમાં વીજળી, લાઇટ, પાણી, વર્ગખંડો, શાળાના મેદાન કે શિક્ષકો ઉપલબ્ધ કરાવી શકતી નથી. દેશના મોટા 18 રાજ્યો પૈકી ગુજરાતનો 14 ક્રમ એ રાજ્યની શિક્ષણ પ્રત્યેની જવાબદારીનો ઉપહાસ બતાવી જાય છે.

શિક્ષણ એ બાળકનો બૌધિક વિકાસ તો કરે છે, પરંતુ સાથોસાથ એ, પરિવારને સામાજિક અને આર્થિક રીતે આગળ લાવવા માટે પાયાનું કામ કરે છે. શિક્ષણથી સમાજ અને રાજયનો વિકાસ પણ ઝડપી થાય છે. સૌને માટે શિક્ષણનો મંત્ર ભારત સરકારે આપ્યો છે પરંતુ ગુજરાત સરકાર તેનું અમલીકરણ કરતી નથી તે આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે.

દેશનું છત્તીગઢ રાજ્ય શિક્ષણની સેવાઓ માટે સૌથી વધુ 19 ટકા સાથે પ્રથમક્રમે છે. બીજાક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજાક્રમે પશ્ચિમ બંગાળ આવે છે. રાજ્યના કુલ ખર્ચ પૈકી શિક્ષણ પાછળ માત્ર 12.8 ટકા જેટલો ખર્ચ કરવામાં આવે છે પરિણામે શિક્ષણની સેવાઓ કથળી રહી છે. ખાસ કરીને જે બાળકો ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરે છે તેના ભવિષ્ય પર માઠી અસર થઇ શકે છે. રાજયની સરકારી શાળાઓમાં આદિજાતીઓના બાળકો, અનૂસૂચિત જાતિઓના બાળકો અને અન્ય પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગોના બાળકો અભ્યાસ કરતાં હોય છે ત્યારે તેમનું શિક્ષણ સુવિધાના અભાવે ડામાડોળ બને છે.

ક્યા રાજ્યનો શિક્ષણમાં ક્યો ક્રમ છે…

ક્રમ રાજ્ય શિક્ષણ ખર્ચ (ટકામાં)
1 છત્તીસગઢ 19.0
2 મહારાષ્ટ્રા 18.6
3 વેસ્ટ બંગાળ 16.6
4 બિહાર 16.5
5 હરિયાણા 15.9
6 કેરળ 15.9
7 મધ્ય પ્રદેશ 15.5
8 ઓડીશા 15.5
9 રાજ્સ્થાન 15.2
10 તામિલનાડૂ 14.7
11 ઝારખંડ 14.3
12 આંધ્રાપ્રદેશ 14.2
13 ઉત્તરપ્રદેશ 13.9
14 ગુજરાત 12.8
15 ગોવા 12.7
16 પંજાબ 12.0
17 કર્નાટકા 11.0
18 તેલંગાણા 8.3

 

ગુજરાતમાં શિક્ષણ પાછળ સરકારે ચાલુ વર્ષે 18494.48 કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યું છે પરંતુ વિદ્યાર્થીઓની સરખામણીએ આ બજેટ ઓછું પડે છે. સરકારે શિક્ષણના બજેટમાં પણ ઘટાડો કર્યો છે. 2014-15માં શિક્ષણનું બજેટ 14.24 ટકા હતું તે ઘટીને 12.16 ટકા થયું છે. આજે સરકારી સ્કૂલોમાં બાળકો નથી. જે સ્કૂલોમાં બાળકો છે ત્યાં પુરતા શિક્ષકો નથી. ગુજરાતને એજ્યુકેશન હબ બનાવવાની વાતો ફાઇલોમાં કેદ હોવાનું આ આંકડા પરથી ફલિત થાય છે.