ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં હાલમાં ખાલી પડેલી અંદાજે ૪૦ હજારથી વધારે બેઠકો માટે હવે આગામી દિવસોમાં ઓફલાઇન રાઉન્ડ કરવાનુ નક્કી કરાયુ છે. હાલ રાજ્યમાં એન્જીનિયરીંગની 61 હજાર સીટો છે. EWS અનામતનો અમલ કરવા આવતાં 6 હજાર બેઠકોના વધારા સાથે કુલ 67 હજાર બેઠકો છે. 67 હજાર સીટોની સામે વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 39 હજાર જ છે.
ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને આ માટેની સંમતિ આપવાની સૂચના આપવામાં આવી હતી. હાલમાં અંદાજે ૭ હજાર જેટલા વિદ્યાર્થીઓે ઓફલાઇનમા હાજર રહેવાની સંમતિ આપી છે. પ્રવેશ સમિતિ દ્વારા હવે આગામી તા.૧લીથી તા.૫મી સુધી ઓફલાઇન રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમા જેટલા વિદ્યાર્થીઓએ ઓફલાઇનની સંમતિ આપી છે તે પૈકી દરરોજ મેરિટના આધારે જુદા જુદા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે બોલાવવામાં આવશે. મહત્વની વાત એ કે પ્રવેશ સમિતિ દ્વારા અત્યાર સુધીમાં ઓનલાઇન પ્રવેશના બે રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે જેમા માત્ર ૨૨ હજાર જેટલી બેઠકો ભરાઇ છે.
રાજ્યમાં ડીગ્રી ફાર્મસીની 4 કોલેજો, ડિપ્લોમા ફાર્મસીની 2 અને એન્જીનિયરિંગની એક નવી કોલેજને મંજૂરી મળી છે. તેથી રાજ્યમાં એન્જીનિયરીંગ કોલેજોની 6 હજાર સીટોમાં વધારો થઈ શકે છે. સુરત અને ગાંધીનગર ખાતે સરકારી ડિગ્રી ફાર્મસી કોલેજને મંજૂરી મળી છે. અમદાવાદમાં ખ્યાતિ ફાર્મસી કોલેજ અને ભાવનગરમાં જ્ઞાન મંજરી ફાર્મસી કોલેજને મંજૂરી આપવામાં આવી છે. રાય યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટમાં ડિપ્લોમા ફાર્મસી કોલેજને મંજૂરી આપવામાં આવી છે.
એન્જીનિયરીંગની એક કોલેજને મંજૂરી મળી છે. કડીની વિદુશા સોમાણી એન્જીનીયરીંગ કોલેજને 300 સીટો સાથે મંજૂરી આપવામાં આવી છે. અદાણી, સાલ અને જીવરાજ મહેતા એન્જીનિયરીંગ કોલેજે નવા કોર્ષ શરૂ કરવા મંજૂરી માંગી છે.
બીજી તરફ વિદ્યાર્થીઓ ન મળતાં 11 એન્જીનિયરીંગ કોલેજોએ વિવિધ કોર્ષ બંધ કરવા અરજી કરી છે.
EWS અનામતના કારણે રાજ્યમાં 6 હજાર સીટો વધી શકે છે.ચાલુ વર્ષે રાજ્યની એન્જીનીયરીંગ કોલેજોમાં EWS અનામતનો અમલ કરવામાં આવશે. જુની અનામત યથાવત રાખી 10 ટકા સીટો EWS માટે અનામત રખવાની જોગવાઈ છે.