શેરબજારમાંથી સમયસર એક્ઝિટ કરનાર જ નફો ટકાવી શકે

અમદાવાદ,રવિવાર

શેરબજારમાં કોઈપણ સ્ક્રિપને ઊંચી સપાટીએ લઈ જવા માટે માર્કેટ ઓપરેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ આરંભમાં સ્ક્રિપ અંગે કે કંપની અંગે જાતજાતના વાત કરીને શેર્સ પરત્વે ઇન્વેસ્ટર્સનું ધ્યાન દોરવાની કોશિશ કરે છે. ત્યારબાદ બજારમાં સરક્યુલર ટ્રેડિંગ અને કાર્ટેલ ટ્રેડિંગના માધ્યમથી શેરના ભાવ ઊંચા લઈ જાય છે. આરંભમાં આ ટીપ આપનારાઓ પર વિશ્વાસ ન કરનારાઓ પણ ભાવને ઊંચા જતાં જોઈને તેમાં ઇન્વેસ્ટ કરવા માટે કૂદી પડતા હોવાનું જોવા મળે છે. પરંતુ તેઓ કૂદી પડે ત્યારે બજારમાં તે સ્ક્રિપમાં વળતા પાણી થવાની નોબત આવી ચૂકી હોય છે. તેથી ઊંચા મથાળે ક્યારેય અભ્યાસ કર્યા વિના સ્ક્રિપમાં રોકાણ કરવું નહિ. બીજું, તમારા પોતાના પૈસા દાવ પર લગાડતા પહેલા તમે પોતે જ જે તે સ્ક્રિપનો અભ્યાસ કરી લો. બહુ ન જાણીતી કંપનીઓના કિસ્સામાં પણ આ જ મોડસ અપનાવે છે. બજારમાં ઓછું ઇન્વેસ્ટ કરનારાઓને પણ આ હકીકતની ખબર હોય છે, પરંતુ લાલચ અને રાતોરાત મોટી રકમ કમાવાની લાલચ તેમને ખોટના ખાડામાં ઉતારી દે છે. 2001માં રૂા.20ની ભાવ સપાટીએથી 2007માં રૂા.1000ના મથાળે પહોંચેલા લાર્સન એન્ડ ટુબ્રોના શેર્સે ત્યારબાદના વર્ષોમાં તેના ઇન્વેસ્ટર્સને વર્ષે સરેરાશ ત્રણેક ટકા જેટલું જ વળતર અપાવું છે.

શેરબજારમાં એન્ટ્રીની માફક એક્ઝિટ પણ મહત્વની બાબત છે. બજારમાં બહુ જ જાણીતી કંપનીઓના શેર્સમાં નાણાં રોક્યા પછી તેમાં કરેલા ઇન્વેસ્ટમેન્ટને ક્યારે પાછું ખેંચી લેવું જોઈએ તે અંગે પણ વિચાર કરવા જેવો છે. અત્યારે સેન્સેક્સ 38000થી 39000 પોઈન્ટની રેન્જમાં અથડાઈ રહ્યો છે. પરંતુ ખરેખર બજારમાં લિસ્ટ થયેલી કંપનીઓના ફંડામેન્ટલ્સ તેટલા સંગીન છે ખરા. આ સવાલ કોઈ પૂછતું જ નથી. ગાડરિયા પ્રવાહની જેમ બજારમાંથી કમાઈ લેવા માટે કૂદી પડે છે. દેશના અર્થતંત્રને મંદીનો એરુ આભડી ગયો છે. છતાંય બજાર ઊંચી સપાટીએ જળવાઈ રહ્યું છે. વાસ્તવમાં બજારના કેટલાક ખેલાડીઓ તેને પકડીને બેઠાં છે. તેમની આર્થિક તાકાતનો ઉપયોગ કરીને બજારમાં ગમે ત્યારે મોટી વધઘટ કરાવીને તેમનો નફો ઘરભેગો કરી લે છે. તેજીમાં કે પછી મંદી, બંને સ્થિતિમાં બજારમાંથી કમાવાની તાકાત આ ખેલાડીઓમાં હોવાનું જોવા મળે છે. એમ્ફિસિસની માફક તગડું ડિવિડંડ આપતી કંપનીઓમાં રોકાણકારો રોકાણ કરી શકે છે. ટીસીએસ-ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ કે પછી વિપ્રો કે પછી ઇન્ફોસિસ આ કેટેગરીમાં આવતી કંપની છે.

વાસ્તવમાં શેરબજાર મહાભારતના યુદ્ધના સાત કોઠા જેવું છે. તેમાં એન્ટર થયા પછી બહાર નીકળવાની કુશળતા પણ એટલી જ જરૂરી છે. જોકે કેટલાકની નાવડી નસીબના હલેસે પાર ઉતરી જતી જોવા મળે છે. પરંતુ આ પ્રકારના કિસ્સાઓ અપવાદરૂપ હોવાનું કહી શકાય. ટીસીએસ જેવી કંપની લાંબા ગાળાથી રોકાણકારોને લાભ કરાવી રહી છે તેમાં બેમત નથી. પરંતુ આ જ કંપની કાયમ નફો જ કરાવે તેવી માનસિકતામાં રહેવું પણ તેટલું જ જોખમી પણ બની શકે છે.એક જમાનામાં ઇન્વેસ્ટર્સની માનીતી સુઝલોનના ભાવ આજે માત્ર રૂા. 5ની આસપાસની સપાટીએ અથડાઈ રહ્યા છે.

આ સ્થિતિમાં રોકાણકારોએ જ્યારે બજારમાં શેરનો ભાવ નીચો હોય ત્યારે તેમાં એન્ટ્રી લેવી જોઈએ. મંદીના બજારમાં ઓછા ભાવની સ્ક્રિપમાં રોકાણ કરવું તે પહેલો પાઠ છે. તેમાંય બ્લ્યુચિપ કંપનીમાં રોકાણ કરનારાઓએ ઓછું પસ્તાવું પડે છે. કંપનીના શેરનો ભાવ વધતો જાય તેમ તેમ પોતાની મૂડી કાઢી લેવાની કુશળતા પણ ઇન્વેસ્ટમેન્ટને સલામત રાખવાની મોટી કળા છે. મૂડી કાઢી લીધા પછીય જણાય તો નફો થોડો થોડો ઘરભેગો કરતાં રહેવાની માનસિકતા લાંબા ગાળે નફાને ધોઈ નાખવાની નોબતથી ઇન્વેસ્ટર્સને દૂર રાખે છે. શેરના ભાવ ટોચની સપાટીએ પહોંચે તે પૂર્વે બહુ જ ઓછા શેર્સ હાથમાં રહે અને નફો બુક કરી લેવાય તેવો વ્યૂહ લાભદાયી સાબિત થઈ શકે છે. વર્ષોથી સારા પરિણામો આપતી  સ્ક્રિપના ભાવ વચગાળામાં કોઈ કારણોસર તૂટે ત્યારે તેમાં રોકાણ કરી લેવા જેવું લાગે તો નવેસરથી થોડી મૂડી નાખીને રોકાણ કરી લેવાનું આયોજન પણ કરી શકાય છે.

ડિવિડંડ આપતી કંપનીમાં પણ રોકાણ કરવું સલાહભર્યું છે. કંપની ડિવિડંડ આપે તો તેના થકી તમારી મૂડી પર થોડીગણી વ્યાજની આવક થતી હોય તે રીતે આવક થયા કરે છે. ડિવિંડડ સામાન્ય રીતે સારી કંપનીઓ જ આપે છે. જેના આર્થિક પરફોર્મન્સ સારા હોય તેવી કંપનીઓ જ આપે છે. તેથી ડિવિડંડ આપતી કંપનીમાં રોકાણ કરનારને ડિવિડંડ ઉપરાંત મૂડીમાં વધારાનો બેવડો લાભ મળે છે. એમ્ફિસિસે રૂા.10ની મૂળ કિંમતના શેર પર રૂા. 27ના ડિવિડંડની જાહેરાત કરી છે. જોકે શેરબજાર એક એવું બજાર છે કે તેમાં કોઈ એક જ વ્યૂહ સંપૂર્ણપણે સફળ જ જશે. આ માન્યતામાં રાચનાર પણ મૂર્ખાઓના સ્વર્ગમાં વસનાર ગણાય. શેરબજાર એ પળે પળ બદલાતું બજાર છે. તેમાં ટૂંકા ગાળામાં ખેલ કરનારાઓ બહુ જ ઓછા લોકો કમાય છે. લોન્ગટર્મ ઇન્વેસ્ટર્સ અને તેમાંય ખાસ કરીને સારી કંપનીઓના શેર્સમાં લાંબા ગાળા માટે રોકાણ કરી રાખનારાઓ જ કમાય છે. જોકે આ હકીકત પણ સો ટકા સાચી નથી. તેથી શેરબજારમાં 10તી 20 ટકા આયોજન અને 80થી 90 ટકા નસીબ કામ કરી જાય છે. તેમાં રાતોરાત કરોડપતિ બનનારાઓ પણ છે. તેમ જ રાતોરાત પાયમાલ થઈને રસ્તા પર આવી જનારાઓનો પણ તોટો નથી. શેરબજારનું રોકાણ બેધારી તલવાર જેવું છે.

દેશના અર્થતંત્રની સ્થિતિ સારી હોય અને કંપનીઓને માટે તેમના માર્કેટની સ્થિતિ સારી હોય ત્યારે તેના શેર્સ ખરીદવા જોઈએ, કારણ કે અર્થતંત્રના વિકાસની સાથે કંપનીઓના કામકાજ પણ વધતા હોવાનું અને તેમની આવક અને નફા પણ વધતા હોવાનું જોવા મળે છે. માત્ર મોટી પબ્લિસિટીથી અંજાઈને કે શેરબજારના કોઈ ખેલાડીએ આપેલી ટીપથી પ્રભાવિત થઈને ઇન્વેસ્ટમેન્ટ કરશો નહિ. શેરબજારમાં કોઈ એક સેક્ટરની સ્ક્રિપ સતત ચાલતી જોવા મળે ત્યારે બજારમાં એન્ટ્રી લઈ શકાય છે. પરંતુ તેના પર સતત નજર રાખીને તે સેક્ટરમાં નરમાઈ જોવા મળે તે પહેલા જ તેમાંથી નીકળી જવાની કુનેહ પણ ઇન્વેસ્ટર્સમાં હોવી જરૂરી છે. કોઈ એક સેક્ટરની કંપનીઓ શા માટે આગળ વધી રહી છે તેનો અભ્યાસ કરો અને આ સુધારો કે વધારો કેટલા સમય સુધી ચાલી શકે તેમ છે તેનો અંદાજ મેળવીને પછી જ તેમાં એન્ટ્રી લેવાનું હિતાવહ ગણાશે. તમે પસંદ કરેલા સેક્ટરમાં રોકાણ કરવાનું આકર્ષણ લોકોમાં ઘટવા માંડે તો પણ તેમાંથી નીકળી જવાનો સમય આવી ગયો હોવાનું માની લેવું જોઈએ અને શેર્સ વેચીને નીકળી જવાનું નક્કી કરી લેવું જોઈએ. એક જમાનામાં આઈ.ટી.ની માફક ફાર્મા સેક્ટરની પણ બોલબાલા હતી. આજે ફાર્મા સેક્ટર મધ્યમ ગતિમાં આવી ગયું છે. જે ચઢે છે તે પડે પણ છે જ છે. આ હકીકતને સમજીને લોકોએ સમયસર ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી લેતા શીખી લેવું જોઈએ. આ માટે શેરબજારની દરેક ગતિવિધિ પર નજર હોવી જરૂરી છે.

પેની સ્ટોકની વાત કરવામાં આવે તો તમે લીધા પછી તમને લાગે કે શેરના ભાવ ગગડવા માંડ્યા છે તો થોડું નુકસાન કરીને પણ નીકળી જવું હિતાવહ છે. પેની સ્ટોક એકવાર ગગડ્યા પછી દસ કે વીસ વર્ષ સુધી અને કેટલાક કિસ્સામાં તો કાયમને માટે તળિયાની સપાટીએ જ રહે છે. તેથી થોડું નુકસાન કરીને પણ બચે તેટલી મૂડી બચાવી લેવા જેવી છે. સારી કંપનીઓ હોય અને તમને લીધા પછી તેના ભાવ ઘટતા જોવા મળે તે એક્સપર્ટની સલાહ લો. તમે પોતે કયા કારણસર શેરના ભાવ તૂટી રહ્યા છે તેનો અભ્યાસ કરો. કંપની તે કારણમાંથી બહાર આવવા સક્ષમ છે કે નહિ તેનો અભ્યાસ કરો અને ત્યારબાદ તેમાંથી એક્ઝિટ લેવી કે નહિ તેનો નિર્ણય કરો. સારી કંપનીના શેરના ભાવ ઊંચામાં ઊંચી સપાટીએ પહોંચી ગયા હોવાનું તમને લાગે તો તમારો નફો બુક કરીને નીકળી જવામાં જ લાભ છે. હજીય વધશે તો વધુ નફો થશે તેવી લાલચ રાખવામાં માલ નથી. તેવા સંજોગોમાં તમારી મૂડી કાઢી લઈને નફામાં નુકસાન થવા દેવાની તાકાત હોય તો ટુકડે ટુકડે તે સ્ક્રિપ વેચીને તમારી મૂડી કાઢી લેવાનો વ્યૂહ અપનાવી શકાય છે.

કંપનીનું દેવું સતત વધતું હોય તેવી કંપનીના શેર્સમાંથી રોકાણ પાછું ખેંચી લેવાનો તરત જ વિચાર કરવો જોઈએ. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ટીસીએસ અને એશિયન પેઈન્ટ્સ જેવી કંપનીઓ આ સ્થિતિમાં અટવાઈ હોવાનું જોવા મળ્યું છે. આ કંપનીના શેર્સ તમે વેચી દો તે પછી તેના ભાવ વધી જાય તો પણ તેનો અફસોસ કરવાનું મૂકી દો. તમારા નસીબમાં જેટલો નફો લખાયો હશે તેટલો જ તમારા હાથમાં આવશે. તમે કદાચ વધુ મોટા જોખમમાંથી ઉગરી રહ્યા હોવાનું માનીને સ્વસ્થ થઈ જાવ.