શેરબજારમાં મન્ડે મેજિકઃ સેન્સેક્સ બે દિવસમાં 2,997 પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી 11,600ને પાર, માર્કેટ કેપમાં 6.53 લાખ કરોડનો વધારો

અમદાવાદ,તા:૨૩

સપ્તાહના પ્રારંભે શેરોમાં સતત બીજા દિવસે આગઝરતી તેજી થઈ હતી. શુક્રવારે સરકાર દ્વારા આપવામાં આવેલા ટેક્સ બોનાન્ઝાની અસર શેરબજારમાં સતત બીજા દિવસે જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1,075 પોઇન્ટ ઊછળીને 39,090ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 329 પોઇન્ટ ઊછળીને 11,603.40ની સપાટીએ બંધ રહ્યો હતો.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે મોટી જાહેરાત કરતાં કોર્પોરેટ ટેક્સમાં તોતિંગ કાપ મૂક્યો હતો. આ ઉપરાંત એલટીસીજી પર સરચાર્જ પરત લેવાની ઘોષણા કરી હતી. જે પછી શેરમાં ઐતિહાસિક તેજી થઈ હતી અને સેન્સેક્સ 2200 પોઇન્ટથી વધુ મજબૂત થયો હતો.

શેરબજારમાં બેન્ક શેરોની આગેવાની  હેઠળ શેરોમાં લાલચોળ તેજી થઈ હતી. બેન્ક  શેરોની સાથે કેપિટલ ગુડ્સ શેરો, મેટલ, ઓટો, એનર્જી, એફએમસીસી, સિમેન્ટ, હોટેલ અને ઓએમસી શેરોમાં જોરદાર તેજી થઈ હતી.  મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે તેજી થઈ હતી. જોકે પસંદગીના આઇટી શેરો અને ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સમાવિષ્ટ 30માંથી 16 શેરો તેજી સાથે બંધ રહ્યા હતા, જ્યારે 14 શેરોમાં મંદી થઈ હતી. એનએસઈના નિફ્ટી 50 ઇન્ડેક્સમાંના 50 શેરોમાંથી 32 શેરો તેજી સાથે બંધ રહ્યા હતા, જ્યારકે 18 શેરો ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈ ખાતે 1,730 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 1,170 શેરો ઘટીને બંધ રહ્યા હતા. એનએસઈ પર બેન્ક નિફ્ટીમાંના 12માંથી 11 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે  એક શેર નરમ બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈ પર 1,450 શેરો સુધરીને બંધ રહ્યા હતા, જ્યારે 759 ઘટીને બંધ રહ્યા હતા.

એફપીઆઇ ઇન્ડિયા પર બુલિશ, પણ રાજકોષીય ખાધ અંગે ચિંતા દર્શાવી

વિદેશી રૌકાણકારો (એફપીઆઇ)એ નાણાપ્રધાન સીતારામને કોર્પોરેટ ટેક્સમાં મૂકેલા કાપથી ખુશ છે. તેમણે ભારતીય ઇક્વિટીઝ પર તેમનું વલણ બદલ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ ભારતમાં મૂડીરોકાણ કરવા માટે પાછા ફરશે.  જોકે તેમણે ધીમા પડેલા ગ્રોથ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ કરકપાતથી અર્થતંત્રને વેગ મળશે. જોકે એફઆઇઆઇ શુક્રવારે મોટા પાયે શેરોમાં ખરીદી નથી કરી. શુક્રવારની 2000 પોઇન્ટની રેલીમાં સ્થાનિક સંસ્થાઓએ શેરોમાં ધૂમ ખરીદી કરી હતી. એફઆઇઆઇએ ચોખ્ખી રૂપિયા 3,001.32 કરોડની ખરીદી કરી  હતી. એફઆઇઆઇએ રૂ. 35.78 કરોડની શેરોમાં ખરીદી કરી હતી.

સેન્સેક્સ બે દિવસમાં 2997 પોઇન્ટ ઊછળ્યો

પાછલાં બે ટ્રેડિંગ સેશનમાં બેન્ચમાર્ક સેન્સેક્સ 2,997 પોઇન્ટ ઊછળઅયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સમાં 900 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ બે મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો.  બેન્ક નિફ્ટીમાં આશરે 3800 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1,305 પોઇન્ટ ઊછળ્યો હતો. આજે કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 6.5 ટકા જેટલો ઊછળ્યો હતો. પાછલા બે દિવસમાં નિફ્ટી કંપનીઓમાં માર્કેટ કેપ આશરે 6.53 લાખ કરોડ રૂપિયા વધ્યું હતું.

સરકારની બીપીસીએલમાંનો પૂરેપૂરો હિસ્સો વેચવાની યોજના

સરકારી સૂત્રો પાસે મળેલા અહેવાલ અનુસાર સરકાર બીપીસીએલમાંનો પૂરેપૂરો હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. કંપનીને વિદેશી રોકાણકારોને વેચવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. સરકાર બીપીસીએસમાં 53.3 ટકા હિસ્સો છે. આ શેરવેચાણને ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી અપાય એવી શક્યતા છે. બીપીસીએલના ડિસઇન્વેસ્ટના સમાચારે શેરમાં નવ વર્ષની સૌથી મોટી તેજી થઈ હતી. બીપીસીએલનો શેર આશરે 14 ટકા વધ્યો હતો.

કોર્પોરેટ ટેક્સ ઘટવાથી મિડકેપ-સ્મોલકેપ સિમેન્ટ કંપનીઓને વધુ લાભ

સિમેન્ટ કંપનીઓ એક તરફ માગમાં ઘટાડીનો સામનો કરી રહી છે, ત્યારે કોર્પોરેટ ટેક્સ ઘટવાથી રોકાણકારોને થોડી રાહત મળી છે.સરકારે કોર્પોરેટ ટેક્સનો અસરકારક દર 25.7 ટકા કર્યો છે. નાણાકીય વર્ષ 2018-19માં સિમેન્ટ કંપનીઓના ટેક્સના આંકડા પર નજર નાખતા મ્લૂમ પડે છે કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાથી મોટી કંપનીઓની તુલનામાં મધ્યમ અને નાની સિમેન્ટ કંપનીઓને વધુ લાભ થશે. નાણાકીય વર્ષ 2018-19 સુધી મિડકેપ  અને સ્મોલ સિમેન્ટ કંપનીઓએ 31થી 42 ટકા સુધી ટેક્સ ચૂકવવો પડ્યો હતો, પરંતુ હવે આ કંપનીઓને ટેક્સમાં 6થી 17 ટકાની બચત થશે. ટેક્સમાં સુધારાથી સિમેન્ટ ઉદ્યોગમાં રોનક છે.

સરકારી ખર્ચમાં કાપ નહીં મુકાયઃ નિર્મલા સીતારામન

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે સરકાર રાજકોષીય ખાધના લક્ષ્યમાં કોઈ સંશોધન નહીં કરે. આ ઉપરાંત સરકારી ખર્ચમાં પણ કાપ મૂકવાની સરકારની હાલ કોઈ યોજના નથી. અર્થતંત્રમા વ્યાપેલી મંદીને દૂર કરવા માટે શુક્રવારે નાણાપ્રધાને કોર્પોરેટ ટેક્સમાં તોતિંગ કાપ મૂક્યો હતો. મેન્યુફેક્ચરર્સને  પ્રોત્સાહન આપવાઅને ખાનગી મૂડીરોકાણને વધારવા માટે તેમ જ છ વર્ષના નીચલા સ્તરે પહોંચેલી જીડીપીના દરને વેગ આપવા માટે સરકારે કોર્પોરેટ ટેક્સમાં કાપ મૂકવાનું એલાન કર્યું હતું.

ટોચની 1,000 કંપનીને ટેક્સમાં રૂ.37,000 કરોડની બચત

સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો તેને કારણે ટોચની 1,000 લિસ્ટેડ

કંપનીઓને ટેક્સમાં રૂ. 37,000 કરોડની બચત થશે. નાણાપ્રધાનની  શુક્રવારે કરાયેલી જાહેરાત સૌથી મોટી અને અગત્યની છે. તેને કારણે ભારત ટેક્સ મામલે મોટા ભાગના એશિયાના દેશોને સમકક્ષ આવી ગયું છે. કંપનીઓએ 2018-’19માં ટેક્સ ચૂકવ્યો હતો તેને આધારે આ અંદાજ એક રેટિંગ એજન્સીએ આપ્યો છે.

ક્રિસિલના મતે કંપનીઓની આવક અને ઓપરેટિંગ પ્રોફિટમાં 5-6 ટકાનો વધારો થશે. તેણે કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી કંપનીઓ પર ઇફેક્ટિવ ટેક્સનો બોજ સતત વધી રહ્યો હતો. 80થી વધુ સેક્ટર્સમાં કામ કરતી આશરે 1,000 કંપનીઓના એનાલિસિસ પરથી કહી શકાય કે અસરકારક ટેક્સ રેટ છેલ્લાં પાંચ વર્ષમાં વધ્યો છે. આ 1,000 કંપનીઓ એનએસઇના માર્કેટ કેપનો 70 ટકા હિસ્સો ધરાવે છે.