મહીસાગર જીલ્લાના લુણાવાડા ગઢ ગામની સીમના સંત પાર્કમાંથી પસાર થતા પ્રાથમિક શિક્ષકને વાઘ દેખાતા તેનો વિડીયો તેમણે જાહેર કર્યો હતો. તેથી મહીસાગર જીલ્લામાં વાઘ ફરતો હોવાની ચર્ચાને પુષ્ટિ મળી છે. વાઘ જોવા મળ્યો હતો તે વિસ્તારમાં વાઘના પંજાના નિશાન અને વાયરલ તસ્વીરના આધારે સમગ્ર જિલ્લા અને ત્રણ તાલુકાના અંદાજીત 45 ગામમાં 400થી વધુ કર્મચારીઓની અલગ અલગ ટુકડી બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વનવિભાગે તેની પુષ્ટિ માટે, સંભવિત સ્થાનો, જંગલ વિસ્તાર અને પાણી પીવાના સ્થાનો પર ફોરેસ્ટના કર્મચારી તૈનાત કરી નાઈટ વિઝન કેમેરા લગાવી દીધા હતા.
26 વર્ષ પછી વાઘ દેખાયો
ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયો હતો પણ 26 વર્ષ પછી ફરી એક વખત વાઘ દેખાયો છે. 1993માં ત્યારે મોડાસામાં ત્રણ વ્યક્તિ પર હુમલો કરેલો ત્યાર બાદ વસતી ગણતરીમાં 1997માં એક વાઘ હતો. હવે ફરીથી દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના નિઝરથી લગભગ 15 કિ.મી. દૂર મહારાષ્ટ્રની હદમાં આવેલાં નામગાંવ નામના નાનકડા ગામ નજીક તાજેતરમાં મઘરાતે વાઘ દેખાયો હતો. 38 વર્ષના દિનસિંહ કોકણી નામના એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. વાઘના પગલાં શોધી કાઢવામાં આવ્યા છે. જેની ચકાસણી નવ વિભાગ દ્વારા થઈ રહી છે.
નાગપુર વાઘના અભયારણ્યમાંથી કોઈ વાઘ ગુજરાતમાં આવેલો હોવાની શક્યતા છે. ઘવાયેલી વ્યક્તિને નંદૂરબારકરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં દીપડાનો મોટા પાયે ઉપદ્રવ છે. ડાંગના વન અધિકારી આનંદકુમારે હુમલાની ઘટના બહાર આવતાં વન વિસ્તારમાં તપાસ ચાલુ કરી છે. નંદુરબાર વન અધિકારીએ પણ અગાઉ અહીં વાઘના પગલાના નિશાન મળી આવ્યા હોવાનું જાહેર કર્યું હતું. હવે ગુજરાતમાં વાઘ લેખાતા સફારી પાર્કની યોજના ઝડપથી પૂરી કરવા માટે કવાયત હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લો વાઘ ક્યારે દેખાયો .
દુનિયામાં મળી આવતાં બિલાડી કુળના 7 પ્રાણીઓમાંથી 4 ગુજરાતમાં મળી આવે છે. હવે તે 5 થયા છે. ભૂતકાળમાં વલસાડથી લઈને અંબાજી સુધી વાઘ જોવા મળતાં હતા. અમદાવાદ સુધી વાઘ હોવાનું પણ નોંધાયું છે. રતિલાલ ગિરધરલાલ ખરાદીએ એક અહેવાલમાં કહ્યું છે કે, ઓક્ટોબર 1943માં બે વાઘનો માઉન્ટ આબુમા શિકાર થયો હતો. તેઓ પોતે તે શિકાર પાર્ટીમાં હાજર હતા. ડો.સલીમ અલીએ વાલારામ કેમ્પના સમયે વાઘના અવાજ સાંભળ્યો હતો. તેમણે એવું લખ્યું છે કે, અમદાવાદની હદમાં વાઘ પ્રવેશ કરતાં હતા. એક અન્ય અહેવાલ મુજબ 1976 સુધી વાઘ અંબાજીના જંગલોમાં રહેતાં હતા. 1979માં ગુજરાતની વાઘની વસ્તી ગણતરી પછી ગુજરાતના વન્ય જીવન સંરક્ષક એમ.એ રશીદે ચેતવણી આપી હતી કે ગુજરાતમાં વાઘને ટકાવી રાખવા મુશ્કેલ છે. જ્યારે 10 વર્ષ પછી કરવામાં આવેલા સર્વેમાં માત્ર 13 જ વાઘ ગુજરાતમાં જોવા મળ્યા હતા. ત્યારે 1992ની ગણતરીમાં એક પણ વાઘ નહોતો મળ્યો.
ગુજરાતમાં વાઘની વસતી ગણતરી વન વિભાગ દ્વારા થઈ હતી જેમાં 1989માં ગુજરાતમાં (ડાંગમાં) 9 વાઘ હતા. 1993માં 5 વાઘ હતા અને 1997માં 1 વાઘ હતો. 2001માં ફરીથી સત્તાવાર જાહેર કરાયું કે ગુજરાતમાં વાઘ લુપ્ત થઈ ગયા છે. (વન અધિકારી એચ.એન.સિંઘનો અહેવાલ)
1991થી 1993ના સમય દરમિયાન એચ. એન. સિંઘ સાબરકાંઠામાં વન અધિકારી હતા ત્યારે તેમને પોશીના અને મેઘરજ લોકો તરફથી વાઘ હોવાની વાતો મળતી હતી.
1985માં ફરી દેખાયા
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA) મુજબ,ગુજરાતમાં 1985માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યા હતા. આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. મહારાષ્ટ્રમાં વન વિભાગની ટીમ પરથી તે કૂદી ગયો હતો.
મેઘરજમાં 1993 માં ત્રણને ઘાયલ કર્યા
વન વિભાગના અધિકારી કહે છે કે, 3-3-1993ના રોજ મેઘરજની રાજસ્થાન સરહદ પર ત્રણ ઈસમોને મોડાસાની હોસ્પિટલમાં ઘાયલ સ્થિતીમાં દાખલ કરાયા હતા. જે ગુજરાતની સરહદથી 5થી 6 કિ.મી.ની અંદર ડુંગરપુર જિલ્લામાં લોકોએ એક વાઘને મારીને તે સમયે જમીનમાં દાટી દીધો હતો. જે બતાવે છે કે સાબરકાંઠામાં 1993 સુધી વાઘ હતા. એક વાઘ જંગલમાં ભાગી ગયો હતો.
2001 – વાઘ લુપ્ત હોવાની ફરી જાહેરાત
વર્ષ 2001માં વન્યજીવોની વસતિ ગણતરી બાદ ગુજરાત સરકારે જાહેર કર્યુ હતું કે રાજ્યમાં વાઘોની વસતિ રહી નથી.
2016માં વાઘના નિશાન
વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિક કૌશિક બેનર્જીના મત પ્રમાણે નાસિકમાં માલેગાંવ પાસે વાઘ જોવા મળ્યા હતા. નોંધનીય છે કે આ વિસ્તાર ગુજરાતના ડાંગ વિસ્તારથી ઘણો નજીક છે. તેથી વાઘની વસ્તી ગણતરીમાં ડાંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવેમ્બર, 2016માં આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર ડાંગના જંગલથી 3-4 કિલોમીટર દૂર એક વાઘ હોવાનું જણાવવામાં આવ્યું હતું. 2016મા ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી સફારી પાર્ક શરૂ કરવા માટે દરખાસ્ત મોકલી હતી. ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ચીંચલી બારી, બોરગઢ, ડાંગના કેટલાંક વિસ્તારોમાં વાઘના મળમૂત્રના નમૂના વર્ષ 2016થી મળતા રહ્યા છે. અહીં વાઘો ગુજરાતમાં પ્રવેશી ફરી મહારાષ્ટ્રમાં જતા રહે છે. આ સગડના કારણે એનટીપીસી આવા સરહદી વિસ્તારોમાં કેમેરા ટ્રેપ્સ મૂકી વાઘોની અવરજવર વિશે માહિતી મેળવે તેવી શક્યતા છે.
2017મા અભ્યાસ થયો
2017ના જુલાઈમાં વનવિભાગના અધિકારીઓની એક ટીમે ડાંગના જંગલ વિસ્તારોનો અભ્યાસ કર્યો હતો, પણ તેમને એકેય વાઘ નહોતો દેખાયો. આમ છતાં વાઘ હોવાની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકવા વસ્તી ગણતરીમા ડાંગ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. વાઘની ગણતરીની કવાયત માટે ગુજરાત વનવિભાગના ત્રણ અધિકારીઓને ટ્રેનિંગ માટે આસામ મોકલવામાં આવ્યા હતા. તાજેતરમાં ગુજરાત-મહારાષ્ટ્ર સરહદી કોકણીપાડા જંગલમાં વાઘનું અસ્તિત્વ હોવાની પુષ્ટી મહારાષ્ટ્ર નંદુરબાર વન વિભાગના ડી.સી.એફ. સુરેશ કેવટે કરી હતી. પંજાના નિશાન વાઘના હોવાનો અહેવાલ નાગપુર વાઈલ્ડ લાઈફ લેબમાંથી આવ્યા હતા.
2018 રાજ્યસભામાં વાઘની ચર્ચા
6 જાન્યુઆરી 2018 રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીનો દાવો કર્યો હતો કે આહવાના જંગલમાં વાઘની હયાતી છે. મધ્યપ્રદેશના રાતાપાણી વાઘ અભયારણ્યનો એક વાઘ ગુજરાત તરફ સ્થળાંતર કરતો હોવાના અહેવાલો છે. ત્રણ વર્ષનો આ વાઘ ધીમે-ધીમે ગુજરાત તરફ ગતિ કરી રહ્યો છે. આ વાઘે એક વર્ષ પહેલા અભયારણ્ય છોડયું છે અને ગત સપ્ટેમ્બરમાં તેનું લોકેશન જાબુઆના જંગલોમાં જોવા મળ્યું હતું. મારણ અને સગડના આધારે ગુજરાતના વનવિભાગે આ વાઘને ટ્રેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેનું અંતિમ લોકેશન ગુજરાત સરહદથી માત્ર વીસ કિલોમીટર દૂર હતું.
2018 – વાઘની ગણતરી થઈ
27 જુલાઈ 2018ના રોજ ગુજરાતની હદ નજીક વાઘ લેખાયો છે, હુમલો કર્યો તે મોટી સાબિતી છે. તે પહેલાં 1 જાન્યુઆરી 2018માં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી(એનટીસીએ) જાન્યુઆરી મહિનામાં દેશભરના વાઘ અભયારણ્યોમાં વસતિ ગણતરી કરી હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન ગુજરાત-મહારાષ્ટ્ર અને ગુજરાત-મધ્યપ્રદેશ સરહદ પર વાઘોના સગડ મળ્યા છે. એનટીસીએ આવા સરહદી વિસ્તારમાં પણ કેમેરા ટ્રેપ્સ દ્વારા વાઘની અવરજવરની માહિતી મેળવે તેવી શક્યતા છે. જાન્યુઆરી 2019 સુધીમાં વસતિ ગણતરીના આંકડાઓ જાહેર થાય તેવી શક્યતા છે. દેશમાં દર ચાર વર્ષે વાઘની વસતિ ગણતરી હાથ ધરવામાં આવે છે. 2014માં વાઘની છેલ્લી વસતી ગણતરી થઈ હતી. દેશમાં કુલ 2226 વાઘ હોવાનું જાહેર થયું હતું.
2022 – વાઘ સફારી પાર્ક બનશે…
નર્મદા જિલ્લામાં ટાઈગર સફારી પાર્ક બનાવવા માટે ભારત સરકારે મંજૂરી આપી છે. રૂ.20 કરોડના ખર્ચે કાન્હા નેશલન પાર્કમાંથી એક નર અને એક માદા લાવીને અને ચાર વાઘ વચ્ચાને લાવીને 78 હેક્ટરમાં નર્મદા જિલ્લામાં તીલકવાડા વિસ્તારમાં પાર્ક બનાવવમાં આવશે. છ મીટર ઊંચી ફેંસિંગ વાડ કરાશે. અહીં 607 ચોસર કિ.મી. જંગલ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલું છે. વાઘના વસવાટ માટે યોગ્ય જગ્યા છે. 2016માં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી સફારી પાર્ક શરૂ કરવા માટે દરખાસ્ત મોકલી હતી. ભારત સરકારના અધિકારીઓએ તે માટે મુલાકાત લીધી હતી. જેમાં તીલકવાડા-કાકડીયા વિસ્તાર વાઘ માટે અનુકુળ હોવાનું જણાયું હતું. ગુજરાતના લોકોએ વાઘ જોવા માટે રણથંભોર અને કાન્હા જવું પડે છે. આ પ્રોજેક્ટ 2022 સુધીમાં પુરો થશે. 43 હેક્ટર વિસ્તાર માત્ર વાઘ માટે રક્ષિત કરાશે. કચ્છ અને ભરૂચ, ડાંગના જંગલોમાં તૃણ ભક્ષી પ્રાણીઓ ન હોવાના કારણે ત્યાં વાઘ ન રહી શકે એવું વાતાવરણ છે. જો ત્યાં 10 વર્ષ સુધી હરણ અને નીલ ગાયને રક્ષણ આપવામાં આવે તો વાઘ પણ વસી શકે તેમ છે. તો વાઘ ફરી ગુજરાતમાં આવી શકે તેમ છે એવી શક્યતા ઊભી થઈ છે.
(દિલીપ પટેલ)