અમિત કાઉપર, ગાંધીનગર,તા:૨૭
સામાન્ય માણસ પાસેથી ટ્રાફિકના તમામ નિયમોના ચુસ્તપણે પાલનનો આગ્રહ રાખનારા સરકારી તંત્રના રાજકીય અને વહીવટી પદાધિકારીઓ દ્વારા જ ટ્રાફિકના નિયમભંગનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે નવા ટ્રાફિક નિયમો અમલી બનાવ્યા તે પહેલાં જ ફોર-વ્હીલરના વિન્ડો ગ્લાસ પરથી કાળી ફિલ્મ હટાવવા અંગે આદેશ કર્યો હતો. જો કે સરકારના પ્રહરીઓ ઉપરાંત રાજકીય અને વહીવટી પદાધિકારીઓ દ્વારા જ સુપ્રીમ કોર્ટના આદેશનું અવમાન કરવામાં આવી રહ્યું છે. જોવાનું એ છે કે સુપ્રીમ કોર્ટના આ આદેશનું અવમાન રાજ્ય સરકારનો વહીવટી જ્યાંથી ચાલી રહ્યો છે તે સચિવાલયમાં જ રોફભેર કરવામાં આવી રહ્યું છે.સચિવાલય સંકુલમાં જ નેતાઓની, અમલદારો અને અન્ય મહાનુભાવોની ગાડીઓ પર બ્લેક ફિલ્મ હજી પણ જોવા મળી રહી છે, પરંતુ સરકારના ધ્યાને આ વાત કદાચ હજુ પણ નથી આવતી. સચિવાલયમાં જોવામાં આવેલી આવી ઘણી ગાડીઓ સરકારની પોતાની જ છે.
સર્વોચ્ચ અદાલતે ફોર વ્હીલર ગાડીઓના કાચ પર લગાવેલી કાળી ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યા બાદ તમામ રાજ્યોમાં ટ્રાફિક પોલીસે તે નિયમનું અમલીકરણ શરૂ કરીને ઘણાં વાહનો પરથી આ ફિલ્મ ઉતરાવી હતી. જો કે કેટલાક રાજકીય અને પદાધિકારીઓ દ્વારા અદાલતના આદેશનો ભંગ કરીને તેમના વાહનોમાં કાળી ફિલ્મ લગાવીને કાયદાની હાંસી ઉડાવી રહ્યા છે.
આ બાબતે જ્યારે વાહનવ્યવહાર કમિશનર કચેરીના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, બેશક આવાં વાહનો અને તેના માલિકો સામે પગલાં ભરવાં જોઈએ, પરંતુ અત્યારે અમારા સમગ્ર તંત્રનું ધ્યાન રસ્તા પર એક્સિડેન્ટ ઓછા થાય તે માટે પ્રજા આરટીઓના કડક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે તરફ જ છે, ખાસ કરીને ટુ-વ્હીલર્સ માટે હેલમેટ એમાં મુખ્ય છે.
અધિકારીએ એમ પણ જણાવ્યું કે, અમારી પ્રાયોરિટી પૂરી થશે ત્યારે ઉપરોક્ત વિષયો પણ હાથ પર લેવામાં આવશે અને ટ્રાફિકના કોઈપણ નિયમોના ભંગ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.