સતત વરસાદથી પાક બગડતાં શાકભાજીના ભાવ 50 ટકા વધ્યા

હિંમતનગર, તા.૧૨

ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં સતત વરસાદના કારણે શાકભાજીનો પાક બગડી ગયો છે. જેને કારણે બજારમાં સ્થાનિક ખેડૂતો તરફથી શાકભાજીની આવક સાવ ઘટી ગઇ છે. બીજી બાજુ કચ્છ, અમદાવાદ, ડીસા તેમજ પરપ્રાંતમાંથી શાકભાજીનો જથ્થો આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચને લઇ શાકભાજીના ભાવ ઉંચકાઇ ગયા છે. એમાં કેટલાક શાકભાજીના ભાવમાં 40થી 50 ટકા સુધીનો ભાવવધારો થયો છે. પરિણામે ગૃહિણોઓએ લીલી શાકભાજીની ખરીદીમાં કાપ મૂક્યો છે. ભાવવધારાની આ અસર શાકભાજીનો નવો પાક ન આવે ત્યાં સુધી એટલે કે દિવાળી સુધી રહેશે તેમ વેપારી સૂત્રો કહી રહ્યા છે.

ઉ.ગુ.માં પાછોતરા વરસાદમાં શાકભાજીના ઉભા મોલમાં ફૂલો ખરી પડતાં ઓછા ઉત્પાદનના કારણે માર્કેટમાં પૂરતી આવકના અભાવે છેલ્લા એક મહિનાથી ભાવ ઉંચકાઇ રહ્યા છે. ખેડૂતોને પાછોતરા વાવેતર અને વરસાદમાં 50 ટકા ઉત્પાદનમાં માર પડ્યો છે. જેમાં ડુંગળી, ટીંડોળી, ફુલાવર, ગવાર, ટામેટાના ભાવ છેલ્લા 20 દિવસમાં ડબલ થઇ ગયા છે.

મહેસાણાના એક શાકભાજીના વેપારીએ કહ્યું કે, નાસિક, મહારાષ્ટ્રથી આવતી ડુંગળીનું ઉત્પાદન ઓછું હોઇ આવક ઘટી છે. ઉ.ગુ.માં સ્થાનિક ખેતીમાં પાછોતરા વરસાદમાં ઉપજ ઓછી રહેતાં ભાવ વધ્યા છે. ટામેટા, રીંગણ સહિતના પાકમાં વિકાસ રુંધાતાં આવક ઘટી છે. આ વર્ષે નવા શાકભાજીની આવક એક મહિનો મોડી છે, જે આવક ચાલુ થયે ભાવ ઘટશે.

પાટણના એક વેપારીએ કહ્યું કે, સતત વરસાદના કારણે પાટણના શાકમાર્કેટમાં ખેડૂતોનો જથ્થો ઓછો આવે છે. શાક મોંઘું થતાં લોકોની ખરીદીમાં કાપ મૂકાયો છે. વિકલ્પે કઠોળ વગરેનો વપરાશ વધ્યો છે.

પાલનપુરનાં એક ગૃહિણીએ જણાવ્યું હતું કે, શાકભાજીના ભાવ વધી ગયા છે. જેને કારણે સવારે ઉઠતાં જ અમારે આજે કયું શાક બનાવવું તેની ચિંતા રહે છે. આમ તો અમારા ઘરે 8-10 દિવસે એકવાર કઠોળ બનતું, પરંતુ છેલ્લા એક માસથી સપ્તાહમાં બે-ત્રણ વાર કઠોળ બનાવવું પડે છે.

હિંમતનગરના શાકભાજીના હોલસેલરે જણાવ્યું હતું કે, વરસાદને કારણે પહેલો ઉતારો બગડી ગયો હતો. અત્યારે અમદાવાદ, રાજસ્થાન એમપીથી શાકભાજી આવે છે, જેને કારણે કેટલાક ભાવ વધુ ઉંચા છે, જે દિવાળી સુધીમાં ભાવ સામાન્ય થઇ જશે.

શાકભાજીના ભાવ વધવાના 3 કારણો
1) સતત વરસાદના કારણે શાકભાજીનો પાક બગડી જતાં ઉપજ ઘટી ગઇ.
2) સ્થાનિક ખેડૂતો તરફથી આવક ઓછી થતાં ભાવ ઊંચકાયાં.
3) કચ્છ, અમદાવાદ, ડીસા તેમજ પરપ્રાંતમાંથી આવતી શાકભાજીના ટ્રાન્સપોર્ટેશન ખર્ચને લઇ ભાવ પર અસરનો સમાવેશ થાય છે.